• Home
  • News
  • સુરતના પુણામાં ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં યુવકની ધોળા દિવસે હત્યા, લોખંડના પાઈપથી 36 ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો ને લોકો જોતા રહ્યા
post

ધોળા દિવસે થયેલી યુવકની હત્યા CCTVમાં કેદ થઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-14 11:01:49

સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં રામકુમાર નામના યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. લોખંડના પાઈપથી એક યુવક રામકુમાર પર તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સીસીટીવીમાં નજરે પડે છે કે, યુવકને લોખંડની પાઈપના 36 ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને લોકો જોતા રહે છે. જ્યારે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત શહેરમાં છેલ્લા અઢી મહિનામાં સાત હત્યાના બનાવો બન્યા છે.

જીવ બચાવવા ભાગ્યો પણ મોત આંબી ગયું
પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લુમ્સ અને એમ્બ્રોઈડરીના કારખાનામાંથી રામકુમાર નામનો યુવક કામ કરતો હતો. આજે અન્ય એક કામદાર સાથે કામ કરી રહ્યો હતો. દરમિયાન હુમલાખોર લોખંડના પાઈપ સાથે ઘસી આવ્યો હતો. જેથી જીવ બચાવવા રામકુમાર ભાગ્યો હતો. ત્યારબાદ પાણીમાં પગ સ્લીપ થતા રસ્તાની સાઈડમાં પડતા હુમલાખોર યુવક રામકુમાર પર લોખંડના પાઈપથી હુમલો કરે છે. રામકુમાર જમીન પર પટકાયા બાદ આરોપી લોખંડની પાઈપના ઘા મારવાનું શરૂ કરે છે. રામકુમાર જેમ હલન ચલન કરે છે તેમ તેમ યુવક પાઈપના ઘા મારી રહ્યો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આરોપી યુવક ધર્મેન્દ્રને પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે, હજુ હત્યાનું કારણ અકબંધ છે.

સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ
યુવકની હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં આરોપી યુવક પર લોખંડના પાઈપ લઈને તૂટી પડે છે. ત્યારે આસપાસ ઘણા લોકો હોય છે. જોકે, આરોપી યુવકને પાઈપના ઘા મારતો રહે છે છતાં કોઈ બચાવવા પણ વચ્ચે પડતું નથી.જ્યારે હાજર લોકો ભાગી જતા પણ સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે.

આરોપી પીસીઆરની સતર્કતાના કારણે પકડાયો
ભાવના પટેલ (ડીસીપી ઝોન 2)એ જણાવ્યું હતું કે, ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં પહેલા માળે ખાતા નંબર 460માં બે કામદાર કામ કરી રહ્યા હતા. જેમાંથી એક કામદાર રામકુમારની હત્યા કરવામાં આવી છે. આરોપીને હાલ અમે પકડી લીધો છે. આ આરોપી પીસીઆરની સતર્કતાના કારણે પકડાયો છે. આરોપીનું નામ ધર્મેન્દ્ર છે. વધુ તપાસ અને આરોપીની પૂછપરછ ચાલુ છે.

સુરત શહેરમાં છેલ્લા અઢી મહિનામાં સાત હત્યાની ઘટના
સુરત શહેરમાં લગાતાર બનતી હત્યાઓની ઘટનાઓ બનતી રહે છે. મધ્યમવર્ગીય, પરપ્રાંતીય અને શ્રમિકોના વિસ્તારોમાં તો હદ જ થઈ ગઇ છે. છેલ્લા અઢી મહિનામાં સાત હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. ગત રોજ જ એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જ્યારે હવે પુણા વિસ્તારમાં ધોળા દિવસે હત્યાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2020માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સુરત શહેરમાં 80 જેટલા હત્યાના બનાવો સામે આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post