• Home
  • News
  • 100 સેનેટ સભ્યે રાજવી પરિવારની માફી માગી
post

રજિસ્ટ્રારે સત્તાવાર નોટિંગ કર્યું, ભૂલ થઇ છે ફરી આ પ્રકારની ભૂલ ન થાય તેની તકેદારી રાખીશું

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 12:30:50

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની શુક્રવારે મળેલી વાર્ષિક સેનેટની બેઠકમાં ઐતિહાસિક ઘટના બની હતી. યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડને ત્રીજી હરોળમાં જગ્યા આપવા તથા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન નહિ જાળવવાના મુદ્દે સમગ્ર સેનેટે માફી માગી હતી અને રજિસ્ટ્રાર દ્વારા તેનું સેનેટના રેકોર્ડમાં નોટિંગ પણ કર્યું હતું.

સેનેટની બેઠકમાં સભ્ય મંયક પટેલ દ્વારા ફ્લોર પર જણાવાયું હતું કે, આ યુનિવર્સિટી રાજવી પરિવારની દેન છે. વિદ્યાર્થીઓ આપણી શાન છે. આ વિદ્યાર્થીઓ તો યુનિવર્સિટીનું ગૌરવ અને આત્મા છે. ઢંગધડા વગરનો વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમ યોજીને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન નહીં બલકે તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. એ પછી પદવીદાન સમારોહમાં પણ તેમનું સન્માન આપણે જાળવી શક્યા નહોતા. મહારાજા સાથે અન્યાય કર્યો છે.

તેમને દીક્ષાંત સમારંભમાં ત્રીજી હરોળમાં જગ્યા આપવામાં આવી હતી. રાજવી પરિવારની અને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓની સેનેટે માફી માગવી જોઇએ. સેનેટના ફ્લોર પર ઠરાવ પાસ કરીને માફી માગવી જોઇએ. આ પ્રસ્તાવ સાથે સેનેટ હોલમાં બેઠેલા તમામ સેનેટ સભ્યોએ સંમતિ દર્શાવી હતી. તમામ સેનેટ સભ્યોએ ઊભા થઈને રાજમાતા અને વિદ્યાર્થીઓની માફી માગી હતી.

આ ઐતિહાસિક ઘટના સેનેટના ફ્લોર પર બની
યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ઠરાવ કર્યો હતો કે, દીક્ષાંત સમારંભના આયોજનમાં જે પણ ભૂલો થઈ છે તે બદલ યુનિવર્સિટી દિલગીરી વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેનુ ધ્યાન રાખવામાં આવશે. સેનેટની બેઠકમાં અગાઉ ક્યારે પણ તમામ સેનેટ સભ્યોએ વિદ્યાર્થીઓ અને રાજવી પરિવારની માફી માગી હોય તેવું બન્યું નથી. આ ઐતિહાસિક ઘટના સેનેટના ફ્લોર પર બની હતી.

ગોલ્ડ મેડાલિસ્ટ સાથે અન્યાયના મુદ્દે પણ માફી
પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય થયો હોવાનો મુદ્દો ઊઠ્યો હતો. સર સયાજી નગરગૃહમાં યોજાયેલા કાર્યક્રમ વેળા વિદ્યાર્થીઓના વાલીઓને પ્રવેશ નહોતો અપાયો. આ ઉપરાંત માત્ર 25 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મેડલ અપાયા હતા. આ મુદ્દે પણ સેનેટમાં માફી મગાઈ હતી.

મેં તે જ દિવસે સ્થળ પર મુદ્દો ઉઠાવ્યો હતો ઃ રાવત
સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે હું કાલે સેનેટમાં હોઇશ પણ તમે નહિ હો તેવું કહેતાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે કહ્યું કે, પદવીદાનમાં ગેરવ્યવસ્થા સર્જાઇ હતી. અનેક ગોલ્ડ મેડાલિસ્ટને બહાર રહેવું પડ્યું. મહારાજા સમરજિતસિંહને ત્રીજી લાઇનમાં સ્થાન આપ્યું. આ મુદ્દો તે દિવસે ઉઠાવ્યો હતો અને સેનેટ સભ્યોનો પ્રોટોકોલ ન જળવાયાનો અવાજ ઉઠાવતાં પોલીસે અટક કરી હતી.

વી આર પ્રાઉડ ઓફ યુના કાર્યક્રમ અંગે પણ વિવાદ થયો
ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ વી આર પ્રાઉડ ઓફ યુ દીક્ષાંત સમારંભના આગલા દિવસે વીસીના બંગલે યોજાતો હોય છે. જોકે આ વખતે કાર્યક્રમ સી.સી.મહેતા ઓડિટોરિયમમાં યોજાયો હતો, જેના કારણે વિવાદ પણ થયો હતો. સેનેટમાં પણ આ મુદો ઊઠ્યો હતો અને આ કાર્યક્રમ વીસીના બંગલે જ યોજવો જોઇએ તેવી માગણી થઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post