• Home
  • News
  • રાજકોટમાં વધુ 20 કિ.મી. વિસ્તારનો નબળો ભૂ ભાગ મળ્યો, તેના કારણે આવે છે ભૂકંપ, ફોલ્ટ લાઈન જાહેર થવાની શક્યતા
post

3.50 મિનિટે ભૂકંપના આંચકાથી રહેવાસીઓમાં ભયનો માહોલ, ઘરની બહાર દોડી આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 10:19:35

રાજકોટ જિલ્લામાં બપોરે 3.50 વાગ્યે 4.1 મેગ્નિટ્યુટની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે જેની અસર ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાં થઈ હતી અને ઘણા લોકોએ 4 સેકન્ડ સુધી ધરા ધ્રૂજી હોવાનું જણાવ્યું હતું. ભૂકંપનું એપીસેન્ટર ઉપલેટા પાસે ભાદર નદીના કાંઠે 14.4 કિ.મી.ની ઊંડાઈએ છે અને નવા શોધાયેલા પોચા ભૂ ભાગને કારણે ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હજુ પણ આંચકા આવે તેવી શક્યતા
આઈએસઆરના સિનિયર સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર રાજકોટમાં 74 દિવસ પહેલા 4.8નો જે ભૂકંપ આવ્યો હતો તેનું કારણ 70 કિ.મી. લાંબો લિનામેન્ટ એટલે કે નબળા ભૂ ભાગમાંથી પેટાળની ઊર્જા બહાર આવવાને કારણે આવ્યો હતો. આ ખૂબ જ અલગ પ્રકારનો ભૂકંપ હતો હવે એક લિનામેન્ટની સમાંતર વધુ એક નાનો 20 કિ.મી.નો લિનામેન્ટ મળ્યો છે અને તેને કારણે ગત ભૂકંપ આવ્યો તે સ્થળથી 51 કિ.મી. દૂર ઉપલેટામાં ભૂકંપ આવ્યો છે. આ બંને વચ્ચે રાજકોટ-સૌરાષ્ટ્રમાં 18થી નાના આંચકા આવી ગયા છે અને ભારે વરસાદને કારણે જે ઊર્જા જમા થઈ છે તેને કારણે હજુ પણ આવી શકે છે. 74 દિવસમાં જ વધુ એક ભૂકંપ અને નવો લિનામેન્ટ મળ્યો તે રિસર્ચનો વિષય છે અને સતત ભૂકંપ ચાલુ રહેતા કદાચ રાજકોટમાં ફોલ્ટ લાઈન પણ જાહેર થઈ શકે છે જો કે તે કહેવું હજુ વહેલું ગણાશે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી ભૂકંપ આંચકા અવાર-નવાર અનુભવાઈ રહ્યાં છે. 20 દિવસ પહેલા પણ રાજકોટમાં ત્રણ જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા. આજે બપોરે 3.50 વાગ્યાની આસપાસ રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારમાં 4 સેકન્ડ સુધી 4.1ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો આવવાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને રહિશો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર ઉપલેટાથી 25 કિ.મી. દૂર હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

ભાદર નદીના કાંઠે કેન્દ્રબિંદુ
મંગળવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટા નજીક આવેલ ભાદર નદીના કાંઠે જમીનમાં 14.4 કિલોમિટર નીચે નોંધાયું હોવાનું સિસ્મોલોજી સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું.

16 જુલાઈએ આખું રાજકોટ ધ્રૂજી ગયુંતું
રાજકોટમાં 16 જુલાઈએ 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેને કારણે રાજકોટ શહેરની ધરા 5 સેકન્ડ સુધી ધ્રૂજી હતી લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપનું એપીસેન્ટર ભાયાસર ગામમાં હતું. ત્યારથી અત્યાર સુધીમાં નાના-નાના ઘણા આંચકાઓ આવ્યા છે પણ તેની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી અનુભવાયા નથી.

લિનામેન્ટમાંથી આ રીતે ઊર્જા બહાર આવે છે
આઈએસઆરના સિનિયર સાયન્ટિસ્ટ સંતોષ કુમાર જણાવે છે કે, જ્યારે કોઇ વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે જમીનમાં પાણી ઉતરવાથી દબાણ વધે છે. આ દબાણને કારણે પેટાળ પર ભાર વધે છે જ્યારે બીજી જગ્યા કે જ્યાં વરસાદનું પાણી એટલું નથી આવ્યું તે ભાગ વચ્ચે સ્ટ્રેસ પેદા થાય છે. આ કારણે જે ઊર્જા પેદા થાય છે તે પેટાળમાં રહે છે પણ જ્યારે કોઇ પોચા ભૂ ભાગ પાસે ઊર્જા પહોંચે એટલે જમીનની બહાર આવી જાય છે.

9 સપ્ટેમ્બરે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા
રાજકોટમાં 9 સપ્ટેમ્બરે 7.30 કલાકની અંદર ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં પહેલો આંચકો સવારે 11.31વાગે 1.5ની તીવ્રતાનો, બીજો આંચકો બપોરના 1.36 વાગે 1.6ની તીવ્રતાનો અને સાંજે 7.08 વાગે 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે આ આંચકાથી કોઈ જાનહાનિ કે નુકસાન પહોંચ્યું નથી. ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 27 કિમી દૂર નોંધાયું હતું.

16 જુલાઈએ 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
16
જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આ આંચકો અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે આવેલા ભૂંકપનાં કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજીત 4 સેકન્ડ સુધી ભૂંકપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.

1 સપ્ટેમ્બરે લાલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
જામનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે 1 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લાલપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.15 વાગે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બાદમાં 12.23 વાગે ફરી 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post