• Home
  • News
  • ફરી ઘોર બેદરકારી! અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડતાં 4 મજૂર દટાયા, એકનું મોત, ત્રણ ગંભીર
post

શ્રીજી ઇન્ફ્રા નામની બાંધકામ સાઈટ હતી અને જ્યારે અહીંયાં પહોંચ્યા ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર જોવા મળ્યો નહોતો.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-14 18:10:05

અમદાવાદના મણિનગરમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા હતા. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, પરંતુ તે પહેલા જ સ્થાનિકોએ એક મજૂરને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાદમાં ફાયરબ્રિગેડની ટીમે ત્રણ મજૂરોને બહાર કાઢી એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બચાવી
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલિગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રીજી ઇન્ફ્રા દ્વારા સ્કીમનું બાંધકામ ચાલતું હતું. બપોરે 11:30 વાગ્યાની આસપાસ મજૂરો કામ કરતા હતા ત્યારે ભેખડ ધસી પડી હતી. જેમાં કુલ ચાર લોકો હતા. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લીધો હતો જ્યારે શાંતિબેન પાયલબેન અને ચિરાગ નામના ત્રણ મજૂરોને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જવાબદાર કોઈ વ્યક્તિ સાઈટ પર હાજર નહોતી
અમદાવાદ ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઓમ જાડેજાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, 11:30 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને ફોન મળ્યો હતો. જેમાં ચાર લોકો દટાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા. ત્રણેય મજૂરોને બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્રીજી ઇન્ફ્રા નામની બાંધકામ સાઈટ હતી અને જ્યારે અહીંયાં પહોંચ્યા ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર જોવા મળ્યો નહોતો.



adv

Related News

post
post
post
post
post
post
post