• Home
  • News
  • સુરતની કોલેજમાંથી 50 લાખની ચોરી કરનારી ગેંગના બે ઝડપાયા
post

ઢોરને બાંધવાના લોખંડના ખુંટાથી ઓફિસોના તાળા તોડ્યા હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-29 11:21:12

દાહોદસુરત શહેરના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજમાં ટ્રસ્ટીઓની ઓફિસને 5 જાન્યુઆરીની પરોઢે નિશાન બનાવીને તસ્કરો 50 લાખ રૂપિયા રોકડાની ચોરી થઇ હતી. 3.55 વાગ્યાથી માંડીને 4.15 વાગ્યા સુધીની માત્ર 20 મિનિટમાં ટ્રસ્ટીઓની ઓફિસનાં તાળાં તોડી તિજોરીમાં મૂકેલા વિદ્યાર્થીઓની ફીના રૂપિયા સેરવી ગયા હતાં. ઘટનામાં ત્રણ તસ્કરો સીસી ટીવીમાં કેદ થઇ ગયા હતાં. ચડ્ડી-બનિયનધારી ગેંગ હોવાથી તપાસનો રેલો દાહોદ સુધી આવ્યો હતો.

દેવગઢ બારિયા જઇને સાગનું લાકડુ ખરીદવાના હોવાની બાતમી મળી હતી

ગોધરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડાની સુચનાથી દાહોદ એસ.પી હિતેશ જોયસર,દાહોદ ડીવાયએસપી કલ્પેશ ચાવડાના માર્ગદર્શનમાં લીમખેડા ડીવાયએસપી કાનન દેસાઇએ ટીમો બનાવીને તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. ગરબાડા તાલુકાના વડવા ગામના નિશાળ ફળિયાના વાઘજી કીકા ભાભોર અને ગામના તળાવ ફળિયાનો હિમસિંગ નબળા માવી અપાચે બાઇક ઉપર ધાનપુર થઇને દેવગઢ બારિયા જઇને સાગનું લાકડુ ખરીદવાના હોવાની બાતમી મળી હતી. જેથી ડીટેક્શન ટીમના પીએસઆઇ .એન પરમાર, દે.બારિયા પીએસઆઇ એમ.કે ચૌધરી અને એલસીબી પીઆઇ એચ.પી કરેણ સાથે અન્ય પોલીસ કર્મચારીઓની ટીમ એક્શનમાં આવી હતી.

ઢોરને બાંધવાના લોખંડના ખુંટાથી તાળા તોડ્યા

વાઘજી અને હીમસિંગને ધાનપુર ચોકડી ઉપર પકડતાં તેમની પાસેથી 2.35 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતાં. પુછપરછ દરમિયાન બંનેએ વડવા ગામની ગેંગ સાથે મળીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને ઢોરને બાંધવાના લોખંડના ખુંટાથી તાળા તોડ્યા હોવાનું કબુલ્યુ હતું. ઉપરાંત ટોળકી અંજારમાં થયેલી 30 હજાર રૂપિયાની ચોરીમાં પણ સંડોવાયેલી હોવાનું ખુલ્યુ હતું. સુરતમાં ચોરી કરનારી ટોળકીમાં અન્ય ચાર તસ્કરોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

મકાનનું કામ ચાલુ કર્યુ અને બાઇક પણ લઇ આવ્યા
આખુ વર્ષ પરગામોમાં મજુરી કામ કરતાં હીમસિંગ અને વાઘજી ચોરીના રૂપિયા મળ્યા બાદ છુટથી રૂપિયા વાપરતા હોવાથી નજરે ચઢ્યા હતાં. બંનેએ પોતાના ઘર ખોલાવીને તેમાં સમારકામ શરૂ કરાવી દીધુ હતું. હીમસિંગે તો અપાચે બાઇક પણ ખરીદી લીધી હતી. ઘર માટે સાગના લાકડા ખરીદવા જવા માટે નીકળતા બાતમીદારે શંકાના આધારે બાતમી આપતાં બંને પકડાઇ ગયા હતાં. બંને પાસેથી 2.35 લાખ રૂપિયા મળી આવ્યા છે ત્યારે અન્ય રૂપિયા બંનેએ વિવિધ રસ્તે ખર્ચ કરી નાખ્યા હોવાની તેમણે કબૂલાત કરી છે.

હીમસિંગને ત્રણ, વાઘજીને પાંચ લાખ મળ્યા જ્યારે 42 લાખ ચાર જણ લઇ ગયા
વડવા ગામના તસ્કરોએ રૂપિયા ગણ્યા વગર બંડલોની વહેંચણી કરી હતી. ધાનપુર ચોકડી ઉપર પોલીસના હાથે પકડાયેલા હીમસિંગ માવી અને વાઘજી ભાભોરે ચોરીમાં રેકી કરવાની ભૂમિકા ભજવી હોવાનું પોલીસને જણાવ્યુ હતું. ચોરી કર્યા બાદ ભેગા થયેલા તસ્કરોએ ગણ્યા વગર રૂપિયાના બંડલોની વહેંચણી કરી હતી. રેકી કરી હોવાથી તેમને ઓછા બંડલો આપ્યા હતાં.જોકે, તેમાં પણ હીમસિંગના ભાગે ત્રણ લાખ અને વાઘજીના ભાગે પાંચ લાખ રૂપિયા આવ્યા હતાં જ્યારે 42 લાખ રૂપિયા ચાર તસ્કરો લઇ ગયા હતાં.

બંને પહેલી વખત પકડાયા
સામાન્ય રીતે મોટી ચોરીમાં અહીંના હિસ્ટ્રીશીટરો પકડાતા હોય છે. હીમસિંગ અને વાઘજી કોઇ ગુનામાં પહેલી વખત પોલીસના હાથે પકડાયા હોવાનું જાણવા મળ્યું છે.જેથી તેમની સાથેના અન્ય ચાર તસ્કરો હિસ્ટ્રીશીટર હોઇ શકે છે. જોકે, પોલીસે હાલ તેમના નામ જાહેર કર્યા નથી.

adv

Related News

post
post
post
post
post
post
post