• Home
  • News
  • વડોદરામાં 500 કરોડની ડ્રગ્સ ફેક્ટરી:મુખ્ય સૂત્રધાર રેવ પાર્ટીઓ-મોડેલ્સને ડ્રગ્સ સપ્લાય કરે છે, ધોળા દિવસે પણ કોઈ ન ફરકે એવી જગ્યાએ બનાવી ડ્રગ્સની ફેક્ટરી
post

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામમાં આવેલી નેક્ટર કેમ કંપનીમાંથી ગુજરાત ATSએ 1125 કરોડની કિંમતનું 200 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 18:16:34

વડોદરા: વડોદરા નજીક સિંઘરોટ ગામ પાસે જ ખેતરમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાંથી 500 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આ મામલે હાલ ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધોળા દિવસે કોઈ ન ફરકે એવી જગ્યાએ ડ્રગ્સની ફેક્ટરી બનાવી હતી અને મુખ્ય સૂત્રધાર સૌમિલ પાઠક અગાઉ રેવ પાર્ટીઓ અને મોડેલ્સને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

સૌમિલ પાઠકની સંડોવણી
સિંઘરોટ ખાતેથી ઝડપાયેલ ડ્રગ્સની ફેક્ટરીમાં મુખ્ય સૂત્રધાર તરીકે સૌમિલ પાઠકનું નામ સામે આવી રહ્યું છે. સૌમિલ પાઠક વર્ષ 2017માં મુંબઇમાં ત્રણ શખ્સો સાથે 48 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. સૌમિલ મુંબઇની રેવ પાર્ટીઓમાં અને મોડેલ્સને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું તે સમયે ખુલ્યું હતું.

ખેતર માલિક પપ્પુ ઠાકોર
ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ તે ખેતરનો માલિક મનહરસિંહ વિક્રમસિંહ જાદવ ઉર્ફે પપ્પુ ઠાકોર હોવાનું હાલ સામે આવ્યું છે. જે અંગે ATSના અધિકારીઓએ સાત-બારના ઉતારા પણ મંગાવ્યા છે.

કોઇનું ધ્યાન ન પડે તે માટે ખાસ ખેતર પસંદ કર્યું
છેલ્લા દોઢ મહિનાથી ચાલતી ડ્રગ્સની આ ફેક્ટરી બનાવવા માટે સિંઘરોટ ગામના એવા ખેતરને પસંદ કરવામાં આવ્યું, જે રસ્તાનું છેલ્લુ ખેતર હોય. સાથે આ ડ્રગ્સની ફેક્ટરની આજુબાજુની વાત કરીએ તો એક તરફ માછલી પાલન થાય છે. બીજી તરફ મહીસાગરના ઉંચા કોતર છે, તો ત્રીજી તરફ કાંટાળી વાડ અને ચોથી તરફ તમાકુના ખેતર છે. આમ આ ફેક્ટરી એવા એકાંત સ્થળે બનાવવામાં આવી છે કે ત્યાં ધોળે દિવસે પણ કોઇ ન ફરકે.

ત્રણથી ચાર વ્યક્તિ જ આ અહીં કામ કરતા
ડ્રગ્સની ફેક્ટરીમાં માત્ર ત્રણથી ચાર એક્સપર્ટ વ્યક્તિ જ કામ કરતા હોવાની શક્યતા છે. જેમાંથી બેને પોલીસે ઘટના સ્થળે જ ઝડપી લીધા છે અને સમગ્ર કાર્યવાહીમાં સાથે રાખ્યા છે. તેમને માત્ર કુદરતી હાજત માટે જ ફેકટરીની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

મુખ્ય રોડથી અંદર ખેતરોની વચ્ચે ફેક્ટરી ધમધમતી હતી
3 મહિના પહેલા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામમાં આવેલી નેક્ટર કેમ કંપનીમાં ચાલતી MD ડ્રગ્સથી ફેક્ટરી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. આ ફેક્ટરી મુખ્ય રોડથી અંદર ખેતરોની વચ્ચે ધમધમતી હતી. જેથી પોલીસ અને સ્થાનિક લોકોની નજરથી બચી શકાય. તેમ છતાં ગુજરાત ATSએ વોચ ગોઠવીને ડ્રગ્સની ફેક્ટરીને પકડી પાડી હતી.

ખેતરોની વચ્ચે ફેક્ટરી બનાવી હતી
તપાસ કરતા ખબર પડી હતી કે, આ ફેક્ટરી મુખ્ય રોડથી અડધો કિલોમીટર અંદર સાંકડા રોડ પર આવેલી હતી. આ રોડ એટલો સાંકડો છે કે, બે વાહનો સામ-સામે નીકળી પણ ન શકે અને લોકોની નજર પણ ત્યાં ન પડે. આ ફેક્ટરીની આજુબાજુમાં માત્ર કપાસ અને ડાંગરના ખેતરો આવેલા હતા.

1125 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામમાં આવેલી નેક્ટર કેમ કંપનીમાંથી ગુજરાત ATS1125 કરોડની કિંમતનું 200 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતું હતું. હવે આ રેકેટના તાર શોધવા માટે ગુજરાતી ATS તપાસ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post