• Home
  • News
  • US જતી વ્યક્તિ કોરોનો પોઝિટિવ આવી છતાં ભાગી છૂટી, AMCએ એરપોર્ટને જાણ કરી ફિલ્મી ઢબે રોક્યો, અનેકને ચેપથી બચાવ્યા
post

મેડિકલ ટીમ અને એરપોર્ટ તંત્રની સતર્કતાથી અનેક પ્રવાસીઓ કોરોનાની ચેપથી બચી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 10:04:15

અમદાવાદ: હાલ ગુજરાતમાં કોરોનાના દરરોજ 1100થી વધુ કેસ સામે આવી રહ્યા છે અને અમદાવાદ શહેર કોરોનાના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું હતું. જો કે છેલ્લા ઘણાં સમયથી AMC દ્વારા વિવિધ પ્રકારના કડક પગલાઓ લેવામાં આવતા પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ વચ્ચે આજે AMCની સતર્કતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. AMCની મેડિકલ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા એન્ટીજન ટેસ્ટ દરમિયાન એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે મોકલવા તજવીજ હાથધરી હતી. પરંતુ અમેરિકાની ફ્લાઈટ પકડવા જઈ રહેલી વ્યક્તિ મેડિકલ ટીમની સલાહ અવગણીને એરપોર્ટ જવા નીકળી હતી. જેથી મેડિકલ ઓફિસરે આ અંગે અમદાવાદ એરપોર્ટને તાત્કાલિક જાણ કરી તેને ફ્લાઈટમાં જતા અટકાવી હતી. આમ મેડિકલ ટીમ અને એરપોર્ટ તંત્રની સતર્કતાથી અનેક પ્રવાસીઓ કોરોનાની ચેપથી બચી ગયા હતા. જો આ વ્યક્તિ નીકળી ગઈ હોત તો ફ્લાઈટની સાથે સાથે એરપોર્ટ પર પણ ઘણાને ચેપ લાગી શકત.

અમારે અમેરિકાની ફ્લાઈટ પકડવાની હોવાથી અમે રોકાઈશું નહીં
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હાલ AMCના પૂર્વ ઝોન રામોલ હાથીજણ વોર્ડ દ્વારા એક્સપ્રેસ હાઈ વે ટોલ પ્લાઝા તેમજ SP રિંગરોડ પર એક્ઝિટ પોઈન્ટ્સ પર શહેરમાં પ્રવેશતા પ્રવાસીઓના કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવમાં આવી રહ્યા છે. આજે(30 જુલાઈ) સાંજે 4 વાગ્યાની આસપાસ એક્સપ્રેસ હાઈવેથી SP રિંગરોડ પરની હિંમતનગર તરફની એક્ઝિટ પોઈન્ટથી ટવેરા કાર(GJ 23 AN 3547)માં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી એક પ્રવાસી કોરોના પોઝિટિવ આવી હતી. જેથી હાજર મેડિકલ ટીમ દ્વારા તેનો પ્રવાસ અટકાવી જરૂરી સારવાર લેવા સમજાવ્યા હતા. પરંતુ પ્રવાસીઓ અમારે અમેરિકાની ફ્લાઈટ પકડવાની હોવાથી અમે રોકાઈશું નહીં કહી એરપોર્ટ જવા નીકળી ગયા હતા.

AMCની સૂચનાના આધારે ટર્મિનલ મેનેજરે ત્વરિત પગલા ભરી પોઝિટિવ પ્રવાસીને પકડ્યો
આ અંગે રામોલ મેડિકલ ઓફિસરે જાણ કરતા આસિ.મ્યુનિ.કમિશનર(પૂર્વ ઝોન-2) તેજસ ભંડારીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ મેનેજરને ફોન કરી માહિતી આપી હતી. આ માહિતી મળતા જ ટર્મિનલ મેનેજરે ત્વરિત પગલા ભરી પોઝિટિવ પ્રવાસીની ઓળખ કરી હતી. ત્યાર બાદ પોણા સાત વાગ્યે 108 એમ્બ્યુલન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવી દીધા હતા. આમ કોર્પોરેશન અને એરપોર્ટના સંકલનને કારણે અનેક મુસાફરોને કોરોના સંક્રમણથી બચાવી લીધા હતા.

આ કામગીરીમાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર(પૂર્વ ઝોન)ની આગેવાનીમાં AMCની એન્ટીજન ટેસ્ટિંગ ટીમ, પૂર્વ ઝોન વહીવટી તંત્ર અને એરપોર્ટ ટર્મિનલ મેનેજર તથા ટીમ જોડાઈ હતી. આ ટીમે તાત્કાલિક જરૂરી પગલા ભરી અન્ય પ્રવાસીઓના હિતમાં સફળ કામગીરી કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post