• Home
  • News
  • અમદાવાદમાં મહિલાનું બ્રેઈનડેડથી મોત થયા બાદ પરિવારે અંગદાન કરી ત્રણ લોકોને નવું જીવન આપ્યું
post

મહિલાના મોત બાદ તેમના પરિવારજનોએ તેમના અંગોના પ્રત્યારોપણ માટે સહમતિ દર્શાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 14:35:20

અમદાવાદના 48 વર્ષિય મહિલાનું બ્રેઈનડેડથી મોત થયા બાદ તેમના અંગદાનથી ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. મહિલાના મોત બાદ તેમના પરિવારજનોએ તેમના અંગોના પ્રત્યારોપણ માટે સહમતિ દર્શાવી હતી. ત્યારબાદ અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં અંગોનું રીટ્રાઈવ કરવામાં આવ્યા હતા. અંગ દાન કરનાર મીનાબેનના પરિવારમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે. માતાના મુત્યુ બાદ તેમના અંગોનું દાન કરી અન્યને નવું જીવન મળતા પરિવારના સભ્યો પણ ખુશ થયા હતા. જ્યારે જે લોકોને અંગો થકી નવું જીવન મળ્યું તેમના પરિવારજનોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા મીનાબેન ઝાલાનું 19 જાન્યુઆરીના રોજ બ્રેઈનડેડથી મુત્યુ થયું હતું. તેઓના મોત બાદ પરિવારે તેમના અંગોને દાન કરવાનું નક્કી કર્યું હતું. જેથી અમદાવાદ સિવિલના નવનિર્મિત ટ્રોમા સેન્ટર ખાતે તેમના અંગો રીટ્રાઈવ કરી ત્રણ લોકોની જિંદગી બચાવવામાં આવી છે. મીનાબેનના લીવરને જામનગર જિલ્લાના 15 વર્ષના બાળકને અને બંને કિડનીને સુરેન્દ્રનગરના 30 અને 35 વર્ષની ઉંમરના વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

નિરક્ષર મહિલાએ પતિના મોત બાદ અંગ ડોનેટ કર્યું હતું
પંદરેક દિવસ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનેલા એક હૃદયસ્પર્શી બનાવમાં સ્ટૅટ ઑર્ગન ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ એક નિરક્ષર બહેને તેના બ્રેનડેડ પતિનાં અંગોનું 3 દર્દીને દાન કર્યું હતું. મૂળ ધોળકા સ્થિત બદરખા ગામના વતની અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 48 વર્ષીય શૈલેશ પટેલનો 2જી જાન્યુઆરીના રોજ નરોડા પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક સારવાર કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં. અહીંના તબીબોએ તેમની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ અંતે તેઓ બ્રેનડેડ જાહેર કરાયા હતા.

શૈલેશભાઈનાં પત્ની રેખાબેન નિરક્ષર છે અને તેમનું દસ વર્ષીય બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે તેમજ એક દીકરી સાક્ષી ધોરણ-10માં અભ્યાસ કરે છે. આવા કપરા સમય અને કપરી પરિસ્થિતિમાં પણ રેખાબહેને મક્કમતાથી કામ લીધું અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત SOTTO હેઠળ પતિનાં અંગોનું અંગદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ રેખાબહેને પતિનાં અંગોનું દાન કરવાનો માનવસેવાની મિશાલ સર્જનારો નિર્ણય લીધો.

 

adv

Related News

post
post
post
post
post
post
post