• Home
  • News
  • ત્રણ વર્ષ ભણાવી ગ્રેજ્યુએટ બનાવી દીધા, LLB પણ થઈ ગયું, પછી બાર કાઉન્સિલે કૌભાંડ પકડ્યું, ભોગ બનેલા સુરત અને સૌરાષ્ટ્રના 14 વિદ્યાર્થી સામે આવ્યા
post

અમદાવાદમાં કેસ નોંધાયો, યુનિવર્સિટીએ પણ તપાસ કરી નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-02 10:09:20

26 વર્ષની ઉર્વશી ખોલિયાએ નોકરીની સાથે ગ્રેજ્યુએશન કરવાનો નિર્ણય કર્યો હતો, પણ તેણે કોઈ માન્યતાપ્રાપ્ત ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટરને બદલે કોચિંગ ક્લાસ પ્રકારની સંસ્થામાં એડમિશન લીધું. ત્રણ વર્ષ ક્લાસ કર્યા બાદ તેને ગ્રેજ્યુએશનની ડીગ્રી આપવામાં આવી. એ ડીગ્રીના આધારે વીર નર્મદ યુનિ.માંથી એલએલબી પણ કર્યું, પણ હવે બાર કાઉન્સિલમાં સનદ માટે અરજી કરી તો ખબર પડી કે ગ્રેજ્યુએશનની ડીગ્રી નકલી છે. સનદ તો ન મળી ઉપરથી અમદાવાદના સોલામાં તેની સામે આઇપીસીની કલમ 420, 465, 467, 471 અને 114 હેઠળ કેસ નોંધાયો. હવે તેની સામે છેતરપિંડીનો કેસ નોંધાઈ ગયો છે. આવું માત્ર ઉર્વશી સાથે નહીં, પણ 13 અન્ય યુવાનો સાથે થયું છે, જ્યારે નકલી ડીગ્રી આપનાર સંસ્થાના સંચાલક ફરાર છે.

છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનોનું કહેવું છે કે તેમણે તો લાલચનો ભોગ બનીને ડીગ્રી મેળવી હતી, પણ વીએનએસજીયુએ તો ડીગ્રીની ચકાસણી કરવી જોઈતી હતી. જો તેમણે સમયસર ડીગ્રી ચકાસી હોત તો આટલો સમય વેડફાત નહીં.

પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ખાતરી થાય એ માટે રોજ 2 કલાક ક્લાસ ચલાવવામાં આવતા હતા. આ રીતે 3 વર્ષમાં ડીગ્રી આપી દેવાઈ. સંચાલક રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટી, યુપીની મોનાડ યુનિવર્સિટી, ગ્લોબલ યુનિવર્સિટી સહિત દેશના જુદા-જુદા રાજ્યોની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવતા હતા. સ્કેમનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એક સેન્ટરમાં એક વર્ષમાં સરેરાશ 200 દિવસ ક્લાસ લેવાતા. જેમાં અંદાજે 800 કલાક અભ્યાસ થતો. પુસ્તકો પણ આપ્યા હતા. સેન્ટરો પર ભરોસો થાય એ માટે 4 કલાક ક્લાસ પણ થતા હતા. પ્રોવિઝિનલ માર્કશીટની ફી પણ વસૂલવામાં આવતી હતી. તેના આધાર પર જ વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ડિગ્રી - સુરતથી ડિગ્રી લઈ સૌરાષ્ટ્ર યુનિ.માંથી LL.B, પછી પકડાયા
આશિષ દેઓરા નામના વિદ્યાર્થીએ સુરતના સરથાણા સ્થિત કૃષ્ણા ડિસ્ટન્સ એજ્યુકેશનમાં એડમિશન લીધું હતું. 2014-15માં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા બાદ સૌરાષ્ટ્ર યુનિ.માંથી LLB કર્યું હતું. સનદ માટે અરજી કરી તો બાર કાઉન્સિલે ગ્રેજ્યુએશનની ડિગ્રી નકલી ગણાવીને આશિષ સામે કેસ કર્યો.

યુનિવર્સિટી - ડીગ્રીનું વેરિફિકેશન તત્કાળ કરવાની વ્યવસ્થા જ નથી
યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને પ્રવેશ પ્રક્રિયાના ઇન્ચાર્જ પ્રકાશ બચરવાળાએ જણાવ્યું હતું કે પોલીસે તેમની પૂછપરછ કરી હતી. ડીગ્રીનું તત્કાળ વેરિફિકેશન કરી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. માત્ર એટલું જ નહીં અન્ય બોર્ડના વિદ્યાર્થીઓનું વેરિફિકેશન પણ કરી શકાતું નથી.

વિદ્યાર્થી - નોકરી સાથે અભ્યાસ કરનારાઓની હાલત કફોડી બની
વિદ્યાર્થીઓનું કહેવું હતું કે 12 પાસ કર્યા બાદ ગ્રેજ્યુએશન કરવું હતું પણ નોકરી કરવી જરૂરી હતી. એટલે કોઈએ તેમને અડાજણ સ્થિત અક્ષર એજ્યુકેશનમાંથી ગ્રેજ્યુએટ થઈ શકાય છે એ જણાવ્યું. અહીં રાહુલ ચૌધરી અને ભાવેશ પટેલે તેમને પાસ થવાની ગેરન્ટી આપી હતી. હવે બન્ને ફરાર છે.

4 બેચમાં ક્લાસ ચાલતા હતા
વિદ્યાર્થીઓએ શ્રીધર યુનિવર્સિટી તથા જે અન્ય યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવી હતી ત્યાં એક બેચમાં 25 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા. આવી 4 બેચ ચાલતી એટલે દર વર્ષે અંદાજે 100થી વધુ વિદ્યાર્થીઓને ભણાવાતા. તમામની ડીગ્રી નકલી નીકળી.

 

adv

Related News

post
post
post
post
post
post
post