• Home
  • News
  • AMCની ચૂંટણી:ભાજપ મ્યુનિ.ની ચૂંટણીમાં એકપણ લઘુમતી ઉમેદવારને ટિકિટ નહીં આપે
post

2015માં ભાજપે 3 મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-01 10:09:51

અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી લડવા ભાજપ આ વખતે એકપણ લઘુમતી ઉમેદવારને ટિકિટ નહીં આપે તેવું મોવડી મંડળના સૂત્રોનું કહેવું છે. રામ મંદિર નિર્માણનો મુખ્ય એજન્ડા હોવાથી હિન્દુ કાર્ડ રમવા આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોનું કહેવું છે. 2015ની ચૂંટણીમાં ભાજપે મક્તમપુરામાં બે પુરુષ, જમાલપુરમાં એક મહિલા લઘુમતીને ટિકિટ આપી હતી.

સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં મ્યુનિ. અને પંચાયતના ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ તૈયાર કરાશે. આ વખતે મહત્તમ યુવા ઉમેદવારોને પ્રાધાન્ય અપાય તેવી શક્યતા છે. મહદ્અંશે બેઠકમાં આખરી ફાઈનલ થયેલી યાદી જ દિલ્હી મોકલાશે. માત્ર પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તેવા વોર્ડમાં બે કે ત્રણ નામોની પેનલવાળી યાદી દિલ્હી મોકલવામાં આવશે. આગામી 4 ફેબ્રુઆરીએ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડશે. જ્યારે જે વોર્ડમાં પ્રશ્ન પેચીદો હશે તે વોર્ડમાં છેલ્લી ઘડીએ નામો જાહેર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. કોંગ્રેસે પણ ભાજપ પહેલાં ઉમેદવારો જાહેર કરવાની કવાયત હાથ ધરી છે. એકાદ બે દિવસમાં આ નામો જાહેર થવાની શક્યતા છે. કોંગ્રેસની યાદીમાં 150થી 200 નામો છે. શિસ્તમાં ન રહેલા અને વિવાદમાં ફસાયેલા સીટિંગ કોર્પોરેટરોની ટિકિટ કાપવાનો કોંગ્રેસે નિર્ણય લીધો છે. પક્ષપલટો ન કરે તેવા ચહેરાઓને પણ ટિકિટ અપાશે.

ભાજપમાં મેયરપદ માટે અત્યારથી દોડધામ
અમદાવાદના ભાજપના ઉમેદવાર નક્કી થાય તે પહેલાં મેયરપદ માટે દોડાદોડ શરૂ થઈ છે. શહેરમાં ભાજપ ચૂંટણી જીતશે તેવા આશાવાદ સાથે જ મેયર માટે આનંદીબેન પટેલ અને અમિત શાહ જૂથના ઉમેદવારોના દાવપેચ શરૂ થઈ ગયા છે. જો કે, સીમાંકનને કારણે ટોચના નેતાઓએ પોતાના ચોકઠાં પણ ગોઠવી દીધા છે. માનવામાં આવે છે કે, અડધા અમદાવાદની ટિકિટ અમિત શાહ નક્કી કરી શકે છે. કેટલાક ધારાસભ્ય અને સંસદ સભ્યોએ પોતાના ટેકેદારોના નામ પેનલોમાં મૂકી દીધા છે.

કોંગી નેતાઓ જવાબદારી લેવા તૈયાર નથી
ઓવૈસીની પાર્ટી અને આપપણ મ્યુનિ.ની ચૂંટણીમાં મેદાનમાં હોવાથી કોંગ્રેસ માટે આ વખતની ચૂંટણી વધુ કપરી છે. ગત વર્ષ કરતાં ઓછી બેઠકો આવે તો સિનિયર નેતાઓને અપજશ મળે તેવી સ્થિતિ સર્જાશે. જેને કારણે સિનિયર નેતાઓ પોતાની જવાબદારી ટાળી રહ્યા છે. કેટલાક ચૂંટણી લડવાની ના પાડી છે. યુવક કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે 200 યુવક કોંગ્રેસના કાર્યકરોની યાદી તૈયાર કરીને પ્રદેશને આપી ટિકિટ માટે ભલામણ કરી છે. કેટલાક યુથ નેતાઓ ટિકિટના ધારાધોરણોને ધ્યાનમાં રાખી પોતાની પેનલ બનાવી ચૂંટણી લડવા ઈચ્છે છે.

લાંભામાં સ્થાનિકને અવગણાતા વિરોધ
લાંભા વોર્ડમાં કોંગ્રેસના એક ધારાસભ્યના પુત્રને ટિકિટ આપવાની તૈયારી કરવામાં આવતા. સ્થાનિક કોંગ્રેસના 500થી વધુ કાર્યકરોએ અન્ય પક્ષમાં જોડાવાની તૈયારી કરી છે. આ ઉપરાંત કોંગ્રેસના જ અન્ય એક નેતાને મહત્ત્વ આપવામાં આવતાં સ્થાનિક કાર્યકરોએ મોવડીમંડળ સમક્ષ તેમને દૂર કરવા બળાપો ઠાલવ્યો છે. સંખ્યાબંધ કાર્યકરોની સહીની રજૂઆતનો પત્ર પ્રદેશ કક્ષાએ મોકલ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post