• Home
  • News
  • પોલીસ ઊંઘતી ઝડપાઇ:31 ડિસેમ્બરના પોલીસના કડક ચેકિંગ વચ્ચે અમદાવાદમાં રૂ. 1.78 કરોડના સોનાના પાર્સલ લૂંટીને ત્રણ શખ્સો ફરાર
post

30 અને 31 ડિસેમ્બરના રોજ પોલીસનું કડક ચેકિંગ અને નાઈટ કરફ્યુ વચ્ચે મેઘાણીનગર પોલીસ ઊંઘતી ઝડપાઇ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-01 11:06:34

અમદાવાદમાં 31ની રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ હોવાને કારણે પણ પોલીસનું સઘન પેટ્રોલિંગ હતું. તે છતાંય શહેરમાં લૂંટ અને હત્યાના બનાવો બન્યાં છે. શહેરમાં રામોલમાં ફાયરિંગ કરીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. બીજી બાજુ ભુદરપુરામાં બે જૂથો વચ્ચે પત્થરમારો થયો હોવાની ઘટના બની હતી. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર કાર્ગો પાસે ત્રણેક લોકો બે કુરિયરવાળાને માર મારી 1.78 કરોડના સોનાના પાર્સલ લૂંટી લીધા હોવાની ઘટના બની હતી. બાઈક લઈ ત્રણ શખ્સ એર કાર્ગો તરફ ફરાર થઈ ગયા હતા. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કુરિયર કંપની દ્વારા પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના સરદાર નગરમાં રહેતા વિદ્યાધર શર્મા મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ સુરેશકુમાર ચૌધરી સાથે મળી છેલ્લા બે વર્ષથી જય માતાજી લોજીસ્ટિક અને જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપની ધરાવી વેપાર કરે છે. તેમની આ કંપની સોના-ચાંદીના વેપારીઓના પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે. તેમની રાજકોટ વાળી કંપનીના બે પાર્સલો આવે તે અને અમદાવાદની કંપનીના બે પાર્સલો આવે તે ભેગા કરી એરકાર્ગો ખાતે તેઓ લાવે છે અને જે તે જગ્યાએ પાર્સલો મોકલવાના હોય છે. તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે. ગત 30મીએ અમુક લાખો રૂપિયાના પાર્સલ લઈ તેમનો એક માણસ આવ્યો હતો.

પાર્સલ તેઓને દિલ્હી મોકલવાના હોવાથી અડધી રાત્રે તેઓ કાર્ગો તરફ જતા હતા
આ પાર્સલ તેઓને દિલ્હી મોકલવાના હોવાથી અડધી રાત્રે તેઓ કાર્ગો તરફ જતા હતા. ત્યારે કાર્ગો ગેટ થી થોડે જ દૂર કેટલાક લોકો બાઇક પર આવ્યા અને વિદ્યાધર ભાઈ સાથે અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા.ત્યારે ત્યાં કાર્ગોની એક કાર આવતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. લૂંટ કરનાર બાઇક લઈને એર કાર્ગો તરફ અંદરના ભાગે ભાગી ગયા હતા. એક પાર્સલમાં 34 લાખના દાગીના હતા જ્યારે અન્ય બેગમાં 9 અને સાતેક પાર્સલ હતા. આમ કુલ 1.78 કરોડના દાગીનાના પાર્સલ ત્રણેક શખ્શો લૂંટી જતા આ મામલે મેઘાણી નગર પોલીસે તપાસ શરૂ કરી છે.

નાઈટ કરફ્યુ અને પોલીસ ચેકિંગ પર સવાલ ઉભા થયા
શહેરમાં રૂ. 1.78 કરોડના સોનાના પાર્સલનો લૂંટ થતા શહેરમાં નાઈટ કરફ્યુ અને પોલીસ ચેકિંગ પર સવાલ ઉભા થયા છે. રાતે દરેક જગ્યાએ પોલીસ ચેકિંગ કરતી હોય છે. 30મી અને 31 ડિસેમ્બરના રોજ કડક ચેકિંગના આદેશ છતાં કઈ રીતે લૂંટ થઈ ? મેઘાણીનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post