• Home
  • News
  • ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030 સુધીમાં પાટીદાર ગામોમાં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ, ઉત્તર અને મધ્ય ગુજરાતની પ્રથમ બેઠકમાં 410 મંદિરો બનાવવાની જાહેરાત
post

ઉત્તર અને મધ્ય ગુજરાતની પ્રથમ બેઠકમાં અડધો કલાકમાં જ 410 મંદિર બનાવવાની જાહેરાત થઇ, બેઠકમાં 10 જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 11:38:33

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ સમયે નવી પેઢીમાં ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તે માટે દરેક પાટીદાર ગામોમાં મા ઉમિયાજીનું મંદિર બને તે માટે વિઝન 2030 અંતર્ગત ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણનો સંકલ્પ કરાયો છે. જેના ભાગરૂપે રવિવારે સંસ્થાના પ્રમુખ મણિભાઈ મમ્મીના અધ્યક્ષ સ્થાને ઊંઝા મંદિરમાં ઉત્તર અને મધ્ય ઝોનના 10 જિલ્લાના સંગઠનોની સૌપ્રથમ બેઠક મળી હતી. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે મા ઉમિયાના ફોટો મંદિર બનાવવાની જાહેરાત થઈ તેના અડધા કલાકમાં 410 ફોટો મંદિર અને શિખર મંદિરો બનાવવાની જાહેરાત કરાઈ, જેને હાજર સૌએ મા ઉમિયાના જયજયકાર સાથે વધાવી લીધી હતી.

ઉમિયા માતાજી મંદિરના નિર્માણના સંકલ્પને પરિપૂર્ણ કરવા તેમજ સિંગર સાગર પટેલ દ્વારા સમગ્ર ઉમિયા મંદિર પરિક્રમા યોજનાને મૂર્તિમંત કરવાના ભાગરૂપે રવિવારે ઉમેશ્વર હોલમાં મળેલી બેઠકના પ્રારંભે સહમંત્રી વસંતભાઈ કેપ્ટને સ્વાગત પ્રવચન અને મંત્રી દિલીપભાઇ નેતાજીએ બેઠકનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સંગઠન ચેરમેન પ્રવીણભાઇ પટેલે સંગઠન મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાના તમામ સંગઠન હોદ્દેદારો હાજર રહ્યા હતા. અંતમાં રાજભોગ કમિટીના ચેરમેન ગોવિંદભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

સંસ્થાન તરફથી મંદિર માટે રૂ.25000 અપાશે
સંસ્થાના માનદમંત્રી દિલીપભાઈ નેતાજી એ જણાવ્યુ કે, શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર બનાવનાર દરેક ગામ કે શહેરમાં માતાજીનો મોટો ફોટો તેમજ રૂ.25000 આર્થિક સહયોગ સંસ્થાન તરફથી આપવામાં આવશે. 11 સભ્યોની કમિટી બનાવી ફોટો મંદિરની પૂજા સહિતની જાળવણી કરવામાં આવશે.

મંદિર નિર્માણમાં તમામ જ્ઞાતિનો સહયોગ લેવાશે
સંસ્થાનના પ્રમુખ મણિભાઈ મમ્મી એ જણાવ્યુ કે, માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તેમજ મા ઉમિયાના માધ્યમથી સમાજ સંગઠિત બની સામાજિક-આર્થિક શૈક્ષણિક વિકાસ વધુ વેગવાન બને તેવી આ ઐતિહાસિક પહેલ છે, જેમાં મંદિર નિર્માણમાં પાટીદાર સહિતના મા ઉમિયા પ્રત્યે શ્રદ્ધા ધરાવતાં તમામ જ્ઞાતિ અને સમાજનો સહયોગ લઇને 2030 સુધીમાં માના 1001 ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post