• Home
  • News
  • પાકિસ્તાને બારામુલા અનેક ગામ ફૂંકી માર્યા હતા, સૈન્યએ ફરી વસાવ્યું, સ્કૂલ-રસ્તા બનાવ્યા, આજે આર્મી વિરુદ્ધ કોઈ સાંભળતું નથી
post

શ્રીનગરમાં હુમલાના 73 વર્ષ, પાક. સૈન્ય અને કબાઇલીઓના આતંકથી ખાક થયેલા પ્રથમ ગામમાંથી રિપોર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 11:27:16

ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાનો બોનિયાર વિસ્તાર 73 વર્ષ અગાઉ પાક. સૈન્ય અને કબાઇલીઓના હુમલાનો સાક્ષી બન્યો હતો. ઘૂસણખોરોએ ગામમાં લૂંટફાટ કરીને ઘણા ઘર સળગાવી દીધા હતા પણ સૈન્યએ અહીં રસ્તા અને સ્કૂલ બનાવડાવીને વિસ્તારની તસવીર બદલી નાંખી છે. 27 ઓક્ટોબર ઇન્ફન્ટ્રી ડે નિમિત્તે સૈન્ય દર વર્ષે અહીં કાર્યક્રમ યોજે છે, જેમાં સ્થાનિક લોકો, પોલીસ અને વહીવટી અધિકારીઓ જોડાય છે. આ વિસ્તાર સૈન્ય અને લોકો વચ્ચેના સંબંધોનો સાક્ષી પણ છે.

22 ઓક્ટોબર, 1947ના રોજ અંદાજે 1 હજાર કબાઇલીઓ અને પાક. સૈન્યએ આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી. તેઓ શ્રીનગર પર કબજો કરવા ઇચ્છતા હતા પણ મકબૂલ અને ગામવાસીઓએ તેમને એમ કહીને રોકી રાખ્યા કે બારામુલાની બહાર ભારતીય સૈન્યએ કેમ્પ લગાવ્યો છે. થોડો સમય અટકી જશો તો હું જાતે રસ્તો બતાવીશ. કબાઇલીઓ માની ગયા અને 27 ઓક્ટોબરે શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયન દિલ્હીથી શ્રીનગર પહોંચી ગઇ અને કબાઇલીઓના ઇરાદા પર પાણી ફેરવી દીધું. જોકે, સૈન્યના કેટલાક અધિકારીઓ તથા સ્થાનિક યુવક મકબૂલે જીવ ગુમાવવો પડ્યો. ભારતીય સૈન્યના આ શૌર્યની યાદમાં જ ઇન્ફન્ટ્રી ડે મનાવાય છે. સ્થાનિક લોકો પણ આ દિવસે મકબૂલને યાદ કરે છે.

શ્રીનગરમાં સૈન્ય પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયા જણાવે છે કે આ દિવસ 1947માં સૈન્યએ પહેલી વાર ખીણમાં પગ મૂક્યાની અને શહીદોની યાદમાં મનાવાય છે. અમે દર વર્ષે અહીં કાર્યક્રમ યોજીને ગામવાસીઓને મળીએ છીએ. બોનિયારના લોકો સાથે અમારો સંબંધ ખૂબ મજબૂત છે. બીજી તરફ અહીંના લોકો પણ સૈન્યને બહુ માને છે. સૈન્યએ તેમને બચાવવા ઉપરાંત વિસ્તારમાં રસ્તા બનાવડાવ્યા, સ્કૂલ પણ બંધાવી, લોકોને રોજગારી આપી. સૈન્ય અહીં સમયાંતરે મેડિકલ કેમ્પ પણ યોજે છે. સ્થાનિક યુવાનો પણ સૈન્યમાં હોંશે-હોંશે જોડાય છે.

ત્રિકંજન ગામમાં રહેતા 71 વર્ષીય રાજા જણાવે છે કે પાક. સૈન્યનો ઇરાદો કાશ્મીર પર કબજો કરવાનો હતો પણ તેવું થઇ ન શક્યું. 65 વર્ષના ગુલમઉદ્દીન બાંદે જણાવે છે કે, ‘અમે બધી રીતે સૈન્યના આશરે છીએ. સૈન્યએ અહીં ઘણું કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે.

મકબૂલ ન હોત તો કબાઇલીઓ સમગ્ર વિસ્તાર પર કબજો કરી લેત
અહીંના લોકો સૈન્ય બાદ મકબૂલને હીરો માને છે. શેરી બારામુલાના મુશ્તાક અહેમદ જણાવે છે કે જો મકબૂલે કબાઇલીઓને ન રોક્યા હોત તો કબાઇલીઓ ભારતીય સૈન્ય કરતા પહેલાં શ્રીનગર પહોંચીને કબજો કરી લેત. મકબૂલના કારણે સૈન્યને સમય મળી ગયો. મુશ્તાક જણાવે છે કે 2004માં મકબૂલની યાદમાં શેરવાની કોમ્યુનિટી હૉલની બહાર પથ્થર લગાવાયો. આ દિવસે સૈન્ય પણ મકબૂલની શહાદતને યાદ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post