• Home
  • News
  • મહાપાલિકાનાં પરિણામો બાદ ભાજપે રાતોરાત વ્યૂહરચના બદલી, કૉંગ્રેસને બદલે 'આપ'ને પછાડવા બનાવેલી નવી ટીમ સફળ થઈ ગઈ
post

બે તબક્કાની ચૂંટણીનાં અલગ અલગ પરિણામની ચૂંટણીપંચની નીતિથી ભાજપને ફાયદો થયો હોવાનું તારણ

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 09:48:26

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાનાં પરિણામ બાદ જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજવાના ચૂંટણીપંચના નિર્ણયની પૂરેપૂરો ફાયદો ભાજપને મળ્યો હોવાનું મનાય રહ્યું છે, કેમ કે મહાનગરપાલિકામાં કૉંગ્રેસ કરતાં આપનું જોર વધી જતાં ભાજપ અલર્ટ થઈ ગયો હતો અને આ ચૂંટણીમાં વ્યૂહરચના બદલી કૉંગ્રેસને બદલે આપને પછાડવાનું જોર લગાવ્યું હતું, જેને કારણે ભાજપનો ભવ્ય વિજય થયો હતો.

કૉંગ્રેસને બદલે આપને પરાસ્ત કરવાનું લક્ષ્ય
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી બે તબક્કાની જાહેર કરવામાં આવી હતી, એમાં પણ પ્રથમ તબક્કાના મતદાન બાદ પરિણામ જાહેર કરીને પછી જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાનું મતદાન કરવાની જાહેરાત કરી હતી, જેની સામે કૉંગ્રેસે વાંધો લીધો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં કૉંગ્રેસનો પરાજય થયો હતો, મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપનો વિજય તો થયો હતો, સુરત મહાપાલિકામાં આમઆદમી પાર્ટીનો પગપેસારો થતાં ભાજપના નેતાઓ અલર્ટ થઈ ગયા અને તાત્કાલિક અસરથી વ્યૂહરચના બદલીને ગામડાંમાં કૉંગ્રેસને બદલે આપને પરાસ્ત કરવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ભાજપે વધારાની ટીમ એક્ટિવ કરી
મહાનગરપાલિકાનાં પરિણામોમાં ભાજપ સામે સીધી ટક્કર આપનારી આમઆદમી પાર્ટી પાટીદાર મત વિસ્તારમાં વિજેતા બની હતી, જેથી ભાજપને ભય પેસી ગયો હતો કે જો પાટીદાર અનામત આંદોલનની અસર 2015ની ચૂંટણીમાં પડી હતી અને ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો એ રીતે પાટીદારો જો ફરી આપતરફી જતા રહે તો ભાજપને જીતવું મુશ્કેલ બને તેમ હતું, તેથી ભાજપે જે બેઠકો પર આપના ઉમેદવારો લડતા હતા, ઉપરાંત ખમતીધર અપક્ષ ભાજપને નડે નહીં એ માટે વધારાની ટીમ એક્ટિવ કરી હતી, જેના કારણે આજે જાહેર થયેલા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં પરિણામોમાં કૉંગ્રેસની સાથે આપને પણ પછાડી ભાજપે ફરી એકવાર વિજય વાવટો ફરકાવ્યો હતો.

પેજપ્રમુખની ફોર્મ્યુલા શહેરોની સાથે ગામડાંમાં ફળી
ગુજરાતમાં વિવિધ ચૂંટણીઓમાં ભાજપના થઇ રહેલા ધોવાણ બાદ પક્ષ-પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણી મેનેજમેન્ટમાં માહેર પાટીલ પાસે સત્તા આવતાં જ વિધાનસભાની પેટાચૂંટણી આવી હતી, જેમાં તમામ 8 બેઠક કોંગ્રેસ પાસેથી ખૂંચવી લઈને પાટીલે પ્રૂવ કરી દીધું હતું, પાટીલની ચૂંટણી સ્ટેટેજીમાં મુખ્યત્વે પક્ષ-પ્રમુખથી પેજપ્રમુખની ફોર્મ્યુલા રહી હતી.

2022ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન સી.આર.પાટીલે સ્પષ્ટ કહ્યું હતું કે તમે મને પેજ જિતાડી આપો, હું ગુજરાતમાં ભાજપ માટે 182 ધારાસભા બેઠકનો લક્ષ્યાંક રાખું છું. સી.આર.પાટીલે વિધાનસભાની પેટાચૂંટણીથી શરૂ કરેલી આ વ્યૂહરચના હવે આગામી મહાનગરપાલિકા,જિલ્લા તાલુકા પંચાયત અને 2022ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે.

adv

Related News

post
post
post
post
post
post
post