• Home
  • News
  • બુલેટ ટ્રેન સૌપ્રથમ અમદાવાદથી વાપી સુધી દોડાવવાની વિચારણા, 2023 સુધીમાં મુંબઈ સુધી દોડતી કરવાનો ટાર્ગેટ
post

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની 100 ટકા કામગીરી પૂર્ણ, મહારાષ્ટ્રમાં હજુ 35 ટકા જ કામ થયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 12:03:06

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, એ જોતાં 2023 સુધીમાં ટ્રેન શરૂ થઈ જશે. ત્યારે અમદાવાદથી વાપીનું અંતર માત્ર સવા કલાક સુધીમાં કાપશે. આ ઉપરાંત સૌપ્રથમ અમદાવાદથી વાપી સુધીના રેલવે-ટ્રેકનું કામ પૂર્ણ થતાં ટ્રેન શરૂ કરી દેવામાં આવશે. ત્યાર બાદ મહારાષ્ટ્રના વિસ્તારનું કામ શરૂ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

બુલેટ ટ્રેનમાં 2023 સુધીમાં મુસાફરો સફર કરી શકશે
અમદાવાદથી મુંબઇ સુધીનો રેલવે-ટ્રેક તૈયાર થશે ત્યારે આ બુલેટ ટ્રેન માત્ર બે કલાકમાં મુંબઇ પહોંચાડશે. આ ટ્રેનનું અંતર 508 કિલોમીટરનું છે. આ પ્રોજેક્ટમાં ખર્ચનો મોટો ભાગ જાપાન સરકારનો છે. 1.08 લાખ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન થઇ ચૂકી છે અને એની કામગીરી એલએન્ડટી કંપનીને આપવામાં આવી છે, તેથી કામમાં ઝડપ આવવાથી બુલેટ ટ્રેનમાં 2023 સુધીમાં મુસાફરો સફર કરી શકશે. જોકે મહારાષ્ટ્રમાં જમીન સંપાદન પ્રક્રિયા હજી ચાલી રહી છે તેમ છતાં રેલવે બોર્ડે 35 ટકા જમીન સંપાદન કરી દીધી હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું

જાપાને 0.1 ટકાના વ્યાજ દરે 79,000 કરોડ રૂપિયાની લોન આપી
અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જાપાન સરકારે 0.1 ટકાના વ્યાજ દરે 79000 કરોડ રૂપિયાની લોન આપી છે. આ લોનની સંપૂર્ણ અવધિ 50 વર્ષની રાખવામાં આવી છે અને મોરેટોરિયમ પિરિયડ 15 વર્ષનો રહેશે. આ પ્રોજેક્ટમાં જમીન સંપાદનની પ્રક્રિયા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના ટ્રેક માટે 298 ગામની 1434 હેક્ટર જમીન સંપાદન કરવાની થતી હતી, જે કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. મહારાષ્ટ્રમાં 104 ગામની 350 હેક્ટર જેટલી જમીન સંપાદન કરવાની થાય છે.

આઠ જિલ્લાનાં 197 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થશે
ગુજરાતના આઠ જિલ્લાનાં 197 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. આઠ સ્થળે અદ્યતન સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનના કુલ 508.17 કિલોમીટરના કોરિડોરમાંથી 155.76 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે, જ્યારે ગુજરાતમાં 248.04 કિલોમીટર અને દાદરા અને નગરહવેલીમાં 4.3 કિલોમીટરનો કોરિડોર છે.

adv

Related News

post
post
post
post
post
post
post