• Home
  • News
  • 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 10થી 12 ડિગ્રી વચ્ચે પહોંચવાની શક્યતા
post

ચાલુ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ આવવાની શક્યતાને પગલે વાતાવરણમાં મોટાપાયે ફેરફાર થવાથી ઠંડી વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:01:41

અમદાવાદમાં છેલ્લા અઠવાડિયામાં ઠંડા પવનની અસરથી લઘુતમ તાપમાન 16થી 17 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે. ત્યારે 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં કાતિલ ઠંડી પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. જો કે, છેલ્લાં શિયા‌ળાની સિઝનમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીના 20 વર્ષનાં આંકડા મુજબ, અમદાવાદમાં વર્ષ 2000- 2001માં 10 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાતાં કાતિલ ઠંડી પડી હતી. આ વર્ષે પણ 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન શહેરમાં ઠંડીનું જોર વધશે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સિઝન દરમિયાન 20 ડિસેમ્બરથી લઇને 10 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. તેમાંય ખાસ કરીને ડિસેમ્બરના અંતથી લઇને જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં ઠંડીનો પારો ગગડીને 10થી 12 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. કારણ કે, ડિસેમ્બર મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ આવે છે, લોકલ લેવલે વાતાવરણમાં મોટા પાયે ફેરફાર થાય છે. શિયાળાની સિઝનમાં જાન્યુઆરી સૌથી ઠંડા મહિનો હોય છે. કારણ કે, જાન્યુઆરીનું એવરેજ મિનિમમ તાપમાન 12.4 ડિગ્રી જયારે ડિસેમ્બરનું એવરેજ તાપમાન 13.4 ડિગ્રી હોય છે.

શહેરમાં 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો
રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. નલિયા 8.0 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. 12 શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો છે. શહેરમાં વહેલી સવારથી 10થી 15 કિલોમીટરની ગતિએ ફૂંકાયેલા પવનથી આખો દિવસે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 26.6 અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 16.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા છે. ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post