• Home
  • News
  • કોંગ્રેસ 26 વર્ષ પાછી ધકેલાઈ:સુરતમાં કોંગ્રેસ 1995માં પણ મ્યુનિ. ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નહોતી, આ વખતે પણ નામું નંખાઈ ગયું
post

બાબરી વિધ્વંસના જવરને લીધે 1995ની ચૂંટણીમાં સુરત મ્યુનિ.માં ભાજપ 99માંથી 98 બેઠક જીત્યો હતો, 1 અપક્ષને મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 12:06:41

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ફરી ભાજપ 93 બેઠક જીતીને સત્તા પર આવ્યો છે, પરંતુ આ ચૂંટણીનાં પરિણામોમાં સૌથી ચોંકાવનારું પરિબળ કોંગ્રેસનો કરુણ રકાસ અને આમ આદમી પાર્ટીને મળેલી 27 બેઠકો છે. આ ચૂંટણીએ સુરતમાં કોંગ્રેસનું રીતસર નામું નાંખી દીધું છે અને કોંગ્રેસને 26 વર્ષ પાછળ ધકેલી દીધી છે. અગાઉ સુરતમાં કોંગ્રેસની આટલી કારમી સ્થિતિ 1995ની મ્યુનિ. ચૂંટણીમાં થઈ હતી, જ્યારે બાબરી મસ્જિદના જવરને પગલે કોંગ્રેસને 99માંથી એકેય બેઠક મળી નહોતી. એ ચૂંટણીમાં ભાજપનો 98 બેઠક પર વિજય થયો હતો અને બાકીની એક બેઠક પણ અપક્ષના ફાળે ગઈ હતી.

બાબરી વિધ્વંસના જવરને પગલે કોંગ્રેસનું 1995માં ખાતું ખૂલ્યું નહોતું
કોંગ્રેસની સુરતમાં કરમ-કઠણાઈની વાત કરીએ તો 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ થયો એનાં ત્રણ વર્ષ બાદ 1995માં શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા હતા અને 50થી વધુ ઉમેદવારોની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી. બસ તે વખતથી સુરતમાં કોંગ્રેસનો સત્તામાંથી વનવાસ શરૂ થઈ ગયો અને આજે 26 વર્ષે ફરી એવી પરિસ્થિતિ થઈ છે કે સુરતમાં કોંગ્રેસનું સાવ નામું જ નંખાઈ ગયું છે.

લાગલગાટ 4 ચૂંટણીમાં તકો મળી, પણ કોંગ્રેસે મહેનત જ ન કરી
કહેવાય છે કે રાજકારણમાં કશું કાયમી નથી હોતું, પરંતુ આ કથન સુરતમાં કોંગ્રેસ માટે કદી સાર્થક થઈ શક્યું નથી. 1995ની ચૂંટણીમાં કરુણ રકાસ થયો એ પછી વર્ષ 2000, 2005, 2010 અને છેલ્લે 2015ની 4 મ્યુનિ. ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસને દેખાવ સુધારવાની તક હતી. એમાં પણ 2000ની ચૂંટણીમાં તો ભાજપ પ્રત્યે ભારોભાર નારાજગી હતી. આમ છતાં એ ચૂંટણીમાં ભાજપને 59, કોંગ્રેસને 25 તથા અપક્ષો-અન્યોને 15 સીટ મળી હતી. એ ચૂંટણીમાં કોંગ્રેસના 23 ઉમેદવારનાં ફોર્મ રદ થવાનો મોટો વિવાદ થયો હતો.

મોદી મુખ્યમંત્રી બન્યા એ પછી તો સુરતમાં કોંગ્રેસનો સૂરજ જ આથમી ગયો
નરેન્દ્ર મોદી રાજકીય સોગઠાબાજીમાં ગજબની કુનેહ ધરાવે છે અને તેમણે 2005ની ચૂંટણીમાં સુરતમાં આ બાબત પુરવાર કરી દેખાડી હતી. સુરતમાં ભાજપના કોર્પોરેટરો પ્રત્યે નારાજગીનો માહોલ જોતાં મોદીએ 2005માં નો-રિપીટ થિયરી અપનાવી હતી અને એને કારણે સુરતમાં નવી નેતાગીરીનો ઉદય થયો હતો. સુરતની જનતાને પણ આ થિયરી એટલી પસંદ આવી કે ભાજપે ફરી 90 સીટ કબજે કરી હતી.

આ વખતે પાટીદારોમાં ભારોભારનો આક્રોશ હાર્દિક પારખી ન શક્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરીને સુરતમાં પાટીદારોમાં ભાજપ પ્રત્યેના આક્રોશને એન્કેશ કરવાનો વ્યૂહ સદંતર નિષ્ફળ રહ્યો હતો. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીનું સુરતમાં કોઈ માનતું નથી અને પાટીદાર આંદોલન સમિતિના (પાસ) નેતાઓને ટિકિટ આપવાની આખી ફોર્મ્યુલાને હાર્દિકે ડિરેલ કરી દીધી. પરિણામ એ આવ્યું કે આમ આદમી પાર્ટીએ (આપ) આ તકનો લાભ લઈને પાટીદારોને ટિકિટ આપી અને આપે બરાબરનું ઝાડું ફેરવી દીધું.

adv

Related News

post
post
post
post
post
post
post