• Home
  • News
  • કોરોના વેવ-2:25 સપ્ટેમ્બરે સૌથી વધુ 1442 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 20 નવેમ્બરે 1420 કોરોના કેસ અત્યારસુધીનો ચોથો સૌથી વધુ આંક
post

ગુજરાતમાં ફરી એક વાર પીક પર પહોંચી રહેલો કોરોના, હજી ગાફેલ રહીશું તો એક દિવસના પોઝિટિવ કેસનો આંક 1500ને પાર કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 16:28:22

ગુજરાતમાં કોરોનાના કેસ ફરી એક વાર કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ગત સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ એવા હતા કે જ્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1400થી વધુ હતો. તેમાં પણ 25 સપ્ટેમ્બરના રોજ અત્યારસુધીના સર્વાધિક 1442 કેસ એક દિવસના હાઈએસ્ટ છે. જ્યારે હવે બે મહિના બાદ એટલે કે 20 નવેમ્બરે ફરી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1400ની સપાટીને ઓળંગી ગયો છે. ગઈકાલે ગુજરાતમાં નોંધાયેલો 1420 પોઝિટિવ કેસનો આંક અત્યારસુધીનો 4થો સર્વોચ્ચ એક દિવસીય આંક છે. આમ, ગુજરાતમાં ફરી એકવાર કોરોના મહામારી પીક પર પહોંચી હોવાનું કહેવું લગીરે અતિશયોક્તિપૂર્ણ નથી. આ પેટર્ન રહી તો આવનારા દિવસોમાં કોરોના પોઝિટિવનો એક દિવસનો આંક રાજ્યમાં 1500ની સપાટી પણ ઓળંગી શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં 10 વખત દૈનિક 1400થી વધુ કેસ
સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં કોરોનાના 40959 કેસ નોંધાયા હતા. આ મહિનામાં કોરોનાના કેસો ટોચ પર હતા. દૈનિક નોંધાતા કેસો 1200 અને 1300થી વધુ આવતા હતા. પરંતુ 18 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોય તેમ દૈનિક 1400થી વધુ કેસ નોંધાયા હતા. 18 તારીખ બાદથી 10 વખત દૈનિક કેસ 1400 કરતા વધ્યા હતા. જેમાં 25 સપ્ટેમ્બર રેકોર્ડ બ્રેક 1442 કેસ નોંધાયા હતા.

સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં 5409 કેસ ઘટ્યા હતા
ઓક્ટોબર મહિનામાં શરૂઆતમાં દૈનિક 1300થી વધુ કેસ નોંધાયા બાદ તબક્કાવાર દૈનિક કેસોમાં ઘટાડો આવ્યો હતો. 25 ઓક્ટોબરથી તો રાજ્યમાં દરરોજ 1 હજાર કરતાં ઓછા કેસો નોંધાઈ રહ્યા હતા, જેને પગલે આ મહિનામાં કોરોનાના કુલ 35,550 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ જોઇએ તો સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબર મહિનામાં 5409 કેસનો ઘટાડો આવ્યો હતો. 19 માર્ચે ગુજરાતમાં કોરોનાએ પગ પેસારો કર્યા બાદ પહેલીવાર એવું બન્યું હતું કે અગાઉના મહિના કરતાં કોરોનાના કેસો ઘટ્યા હોય.

2 મહિના બાદ રાજ્યમાં ફરીથી દૈનિક 1420 કેસ
નવેમ્બર મહિનામાં 1થી 20 નવેમ્બર સુધીમાં 21,458 કેસ નોંધાયા છે. એક સમયે તો નવેમ્બરમાં દૈનિક કેસનો આંકડો 900 કરતાં પણ ઘટી ગયો હતો, જેથી લાગી રહ્યું હતું કે હવે રાજ્યમાં કોરોનાના ધીરે-ધીરે કાબૂમાં આવી રહ્યો છે, પરંતુ દિવાળીના તહેવારો બાદ કોરોનાની બીજી વેવ શરૂ થઈ હોય એ રીતે 17 નવેમ્બરથી ફરીથી કોરોનાના કેસો 1100થી વધુ અને ગઇકાલે 20 નવેમ્બરે તો આ આંકડો 1400ને આંબી ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post