• Home
  • News
  • અમદાવાદ એરપોર્ટમાં તમામ 7 ઈ-ગેટ પર DigiYatra શરૂ, ચેકઈન સાથે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી સામાન ઝડપથી ચેક થશે
post

શરૂઆતના સમયમાં આ નવીન પ્રયોગ ભારતનાં ત્રણ ડોમેસ્ટિક એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 19:15:55

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોને વધુ ને વધુ સુવિધા આપવા પ્રયાસો કરી રહ્યું છે. અનેક નવી સુવિધાઓ શરૂ કરીને મુસાફરોને સરળતા રહે એ માટે નવી ટેક્નોલોજી લાવે છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ડિજિયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલમાં ચેકઈન માટે કુલ 7 ઈ-ગેટ છે. જેમાંથી ત્રણ ઈ-ગેટમાં ડિજિયાત્રાની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ હવે તમામ 7 ઈ-ગેટ પર ડિજિયાત્રા શરૂ કરવામાં આવી છે. જેનાથી મુસાફરો ઝડપથી ચેકઈન કરી શકશે અને 15 મિનિટમાં તો અંદર પહોંચી જશે. પહેલાં મુસાફરોને આ પ્રક્રિયામાંથી પસાર થવા માટે દોઢ કલાકનો સમય લાગતો હતો. પરંતુ આ સુવિધાથી હવે મુસાફરોને એક કલાકથી વધુનો સમય બચશે. જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી સામાન પણ ઝડપથી ચેક થશે.

શું છે DigiYatra?
ડિજિયાત્રા એ મોબાઇલ એપ્લિકેશન આધારિત સુવિધા છે. જે ચહેરાની ઓળખ ટેક્નોલોજી (FRT) પર આધારિત એરપોર્ટ પર મુસાફરોની સંપર્ક રહિત અને સીમલેસ પ્રોસેસિંગ પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવી છે.

મુસાફરીના દિવસે ડિજિયાત્રાનો આ રીતે ઉપયોગ કરો

  • મુસાફરીના દિવસે એરપોર્ટ ગેટ પર પહોંચો
  • DigiYatraના ફેસ બોર્ડ પાસિંગ પર તમારો ચહેરો સ્કેન કરો
  • ફેસ સ્કેન કર્યા બાદ ઈ-ગેટ વેરિફિકેશન થશે
  • એરપોર્ટના તમામ બોર્ડિંગ ગેટ પર સેલ્ફ-બોર્ડિંગ એપ્લિકેબલ રહેશે
  • એરક્રાફ્ટમાં પ્રવેશતા પહેલાં મુસાફરે એરલાઈન સામાન્ય પ્રક્રિયા અનુસાર બોર્ડિંગ પાસ બતાવવાનો રહેશે
  • ડિજિયાત્રાના ઉપયોગ માટે અનુસરવાનાં પગલાં

    • પ્લેસ્ટોર કે આઈઓએસથી DigiYatra એપને ડાઉનલોડ કરો
    • આપણા ઓળખપત્ર (આધાર કાર્ડ), સેલ્ફી અને OTP દ્વારા DigiYatra એપમાં રજિસ્ટ્રેશન કરો
    • બાદમાં ‘Wallet’ આઇકન પર ક્લિક કરીને જરૂરી ઓળખ અને સ્વાસ્થ્ય પ્રમાણપત્ર અપડેટ કરો
    • ડિજિ લોકર દ્વારા સરળતાથી તમારા ઓળખપત્રો મેળવો
    • ટ્રાવેલ ઇટિનરરી અપલોડ કરવા માટે ‘Your Upcoming Travel’ આઇકોન પર ટેપ કરી આગળ વધો
    • કુલ મુસાફરોમાંથી 14% લોકો ડિજિયાત્રા વાપરતા થયા
      હાલ મુસાફરોમાં ડિજિયાત્રાનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આથી હવે ડોમેસ્ટિક ટર્મિનલના તમામ ઈ-ગેટ પર ડિજિયાત્રા શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના વધુ વ્યસ્ત રહેતા એરપોર્ટ પર ડિજિયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરો ડિજિયાત્રાનો ઉપયોગ કરતા થયા છે. કુલ મુસાફરોમાંથી સરેરાશ 14% લોકો ડિજિયાત્રાનો ઉપયોગ કરે છે.

બોર્ડિંગ પાસ મેળવવા પણ આધુનિક મશીન મુકાયાં
ડિજિયાત્રાનો ઉપયોગ કરનાર મુસાફરો ચેકઈન તો ઝડપથી કરી જ લેશે તથા સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ કરીને વધુ સમય બચાવી શકે છે. જોકે, સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ ડિજિયાત્રાનો ઉપયોગ ન કરનાર મુસાફર પણ કરી શકે છે. પરંતુ ડિજિયાત્રાનો ઉપયોગ કરીને ચેકઈનમાં પણ સમય બચાવી શકાય છે. જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાનો સામાન પણ ઝડપથી ચેક કરાવી શકે છે. આથી જૂની પદ્ધતિ પ્રમાણે બોર્ડિંગ પાસ મેળવીને ચેકઈન કરાવતા દોઢ કલાક જેવો સમય લાગતો હતો. તેને બદલે હવે 15થી 20 મિનિટમાં મુસાફર સહેલાઈથી ચેકઈન કરી શકે છે. ઉપરાંત બોર્ડિંગ પાસ મેળવવા માટે પણ આધુનિક મશીન મૂકવામાં આવ્યાં છે. આ તમામ સુવિધાઓનો મુસાફરે જાતે જ ઉપયોગ કરવાનો હોય છે.

મુસાફરોનો ડેટા લીક થવાનો પણ ડર નહીં
ડિજિયાત્રાનો ઉપયોગ કરવા માટે મુસાફરે ડિજિયાત્રા એપ ડાઉનલોડ કર્યા બાદ તેમાં સરકાર દ્વારા માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું હોય છે. આથી અનેક મુસાફરોના સવાલ હતા કે, તેને કારણે તેમની ખાનગી માહિતીનો અન્ય કોઈ ગેરકાનૂની કાર્યમાં ઉપયોગ થઈ શકે છે. આથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ડિજિયાત્રાનો ચેકઈન માટે ઉપયોગ કર્યા બાદ 24 કલાકમાં એરપોર્ટ સિસ્ટમમાંથી તેમના તમામ ડેટા ક્લિયર થઈ જશે. આથી તેનો દુરુપયોગ થવાનો ભય રહેશે નહીં. એરપોર્ટ તંત્ર દ્વારા મુસાફરોનો ડેટા પણ સંગ્રહ કરવામાં આવતો નથી. ડિજિયાત્રા ચેકઈન માટે મુસાફરના આઈડી તરીકે ચહેરાનો ઉપયોગ કરે છે. આથી ચહેરાના બાયોમેટ્રિક આપવા માટે મુસાફરની સંમતિ આવશ્યક છે.

ભારતનાં 12 ડોમેસ્ટિક એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ
શરૂઆતના સમયમાં આ નવીન પ્રયોગ ભારતનાં ત્રણ ડોમેસ્ટિક એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ ભારતની રાજધાની કહેવાતા દિલ્હીના ડોમેસ્ટિક એરપોર્ટ પર DigiYatraની શરૂઆત કરવામાં આવી હતી. તેની સાથે જ બેંગ્લોર અને વારાણસીમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. ત્રણ એરપોર્ટ પર આ સુવિધાની સફળતા મેળવ્યા બાદ ભારતનાં અન્ય એરપોર્ટ પર પણ DigiYatraની શરૂઆત કરવામાં આવી છે. હાલના સમયમાં આ સુવિધા ભારતનાં 12 ડોમેસ્ટિક એરપોર્ટ પર ઉપલબ્ધ છે. જેમાં દિલ્હી, બેંગલુરુ, વારાણસી, કોલકાતા, પુણે, વિજયવાડા, હૈદરાબાદ, અમદાવાદ, મુંબઈ, જયપુર, લખનૌ અને ગુવાહાટી એરપોર્ટથી સ્થાનિક ફ્લાઈટ્સ માટે સંપર્ક વિનાની મુસાફરીનો આનંદ માણી શકાશે.



    adv

    Related News

    post
    post
    post
    post
    post
    post
    post