• Home
  • News
  • જગત પ્રકાશ નડ્ડા ભાજપના 11મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, જાન્યુઆરી 2023 સુધી કાર્યકાળ રહેશે
post

નવા અધ્યક્ષ સામે સૌથી મોટો પડકાર 2 વર્ષમાં 5 રાજ્યોમાં સત્તા ગુમાવનારી ભાજપને જીતના રસ્તે પાછી લાવવાનો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 09:23:47

નવી દિલ્હીભાજપનું અધ્યક્ષપદ સંભાળનારા જેપી નડ્ડા(59)ની ખાસિયત નારાજ વ્યક્તિનું પણ દિલ જીતી લેવાની છે. નડ્ડા પૂર્વ અધ્યક્ષ અમિત શાહથી 4 વર્ષ મોટા છે અને 2014માં પણ તેઓ અધ્યક્ષ પદની રેસમાં સામેલ હતા. શાહ અને મોદી સાથે તેઓ સંઘની પણ નજીકના માનવામાં આવે છે. 2023 સુધી તેમનો કાર્યકાળ રહેશે. દરમિયાન પાર્ટીને 18 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડવાની છે. નવા અધ્યક્ષ સામે સૌથી મોટો પડકાર 2 વર્ષમાં 5 રાજ્યોમાં સત્તા ગુમાવનારી ભાજપને જીતના રસ્તે પાછી લાવવાનો છે.

જવાબદારી મળવાનું કારણ ?
જેપી નડ્ડા સ્વભાવના સહજ છે. સૌમ્યતા એટલી કે નારાજ વ્યક્તિ પણ ખુશ થઇને પાછી જાય છે અને પ્રભાવિત થયા વિના રહેતી નથી. સંગઠનમાં માહેર માનવામાં આવે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં 13 વર્ષ સુધી કામ કર્યું તેથી નેટવર્ક ઘણું મોટું છે. ચૂંટણી પ્રભારી રહેતા 2019માં ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં પણ બસપા અને સપાના ગઠબંધનને પછાડીને ભાજપને જીત અપાવી. 2019ની લોકસભા ચૂંટણીમાં પહેલાથી વધારે બહુમતિથી કમબેક કરાવવામાં નડ્ડાની ભૂમિકા અગત્યની માનવામાં આવે છે. સંઘની નજીક અને મોદી-શાહની પસંદ.

કઇ કમીઓથી બહાર આવવું પડશે ?
નડ્ડા સ્વભાવથી અંતર્મુખી છે. મોટા અને આકરા નિર્ણય તાત્કાલિક લેવાની જગ્યાએ નડ્ડા દરેક પક્ષોની સલાહ પર વિશ્વાસ કરે છે. જ્યાં સુધી સંપૂર્ણપણે ભરોસો થઇ જાય, નિર્ણય લેતા નથી. ભાજપના અધ્યક્ષ તરીકે એવા ઘણા પ્રસંગો આવશે જ્યારે તાત્કાલિક અને આકરા નિર્ણયો લેવા પડશે. આવા સમયે તેમના મૂળ સ્વભાવને તેઓ કેવી રીતે બદલશે તે જોવાનું રહેશે.

નડ્ડા સામે કયા પડકારો છે ?

·         સંગઠન અને વ્યાપકતાના દ્રષ્ટિકોણથી અમિત શાહ ભાજપને નવી ઉંચાઇએ લઇ ગયા છે. શાહે કાર્યકર્તાઓને જોડવા અને તેમના જનસંપર્કને વ્યાપક બનાવવા માટે ઘણા નવા પ્રયોગ કર્યા. સંગઠનને ગતિશીલ બનાવ્યું. તેની કમી અટલબિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન જણાઇ હતી. હવે નડ્ડા સામે પડકાર શાહથી પણ મોટી લીટી ખેંચવાનો છે.

·         સંઘ અને સંઘ પરિવારના દરેક સંગઠનો સાથે સમન્વયને બરકરાર રાખવો.

·         જાન્યુઆરી 2023 સુધી તેમના કાર્યકાળમાં 18 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે જીતનો રસ્તો તૈયાર કરવાનો છે. દરમિયાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ થવાની છે.

·         ભાજપે 2018-19માં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવી છે. આવી પરિસ્થિતિમાં કાર્યકર્તાઓને સંગઠિત કરીને પાર્ટીને જીતના રસ્તે પાછી લાવવી પડશે.

·         મૂળ હિમાચલના પરંતુ કરિયરની શરૂઆત બિહારમાં થઇ

·         નડ્ડા મૂળ હિમાચલના છે પરંતુ તેમનો જન્મ બિહારની રાજધાની પટનામાં થયો. પિતાજી પટના યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર હતા અને અહીં નડ્ડા પહેલી વખત સ્ટુડન્ટ યુનિયનના સચિવ બન્યા. જેપી આંદોલન સમયે તેઓ રાજકારણમાં આવ્યા અને પછી ABVP સાથે જોડાયા.

·         LLBની ડિગ્રી હિમાચલની યુનિવર્સિટીમાંથી લીધી અને અહીં 1983-84માં અધ્યક્ષ બન્યા. પછી ABVPના સંગઠન મંત્રી બન્યા અને 1991-1993માં ભાજયુમોના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા.

·         1993માં પહેલી વખત હિમાચલથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1994-98 સુધી વિધાનસભામાં પાર્ટીના નેતા રહ્યા. 1998માં ફરી ધારાસભ્ય ચૂંટાયા અને તેમને પ્રદેશમાં સ્વાસ્થ્ય અને સંસદીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા. 2007માં ફરી ચૂંટણી જીતી અને પ્રેમકુમાર ધુમલ સરકારમાં મંત્રી બન્યા.

·         2010માં ધુમલ સરકારમાં મંત્રીપદેથી રાજીનામુ આપીને તેમને નીતિન ગડકરીની ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા.

·         નીતિન ગડકરી, રાજનાથ અને અમિત શાહની ટીમમાં તેમને મહાસચિવ તરીકે રાખવામાં આવ્યા. 2012માં તેઓ રાજ્યસભામાં ચૂંટવામાં આવ્યા અને શાહે તેમની ટીમાં સંસદીય બોર્ડના સચિવ પણ બનાવ્યા.

·         મોદી સરકારના પહેલા ફેરબદલમાં તેઓ સ્વાસ્થ્ય મંત્રી બન્યા. 19 જૂન 2019ના લોકસભા ચૂંટણી બાદ તેમને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post