• Home
  • News
  • સાઇકલ ટ્રેક, લેન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન, ગ્રીન સ્પેસ સહિતની સુવિધાથી સજ્જ, આવતીકાલે PMના હસ્તે લોકાર્પણ
post

છાબ તળાવ એ સમગ્ર દાહોદ શહેરનું હાર્દ સમું તળાવ છે, જેને લઇને દાહોદવાસીઓ ગૌરવ અનુભવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-26 19:04:04

સ્માર્ટ સિટી દાહોદનું નવું નજરાણું એટલે છાબ તળાવ.. વર્ષ 2019માં આ ઐતિહાસિક તળાવની કાયાપલટ કરવા માટેનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. ત્યારે 117 કરોડના ખર્ચે 4 વર્ષના અંતે તળાવનાં રંગ- રૂપ બદલાય ગયાં છે. સાઇકલ ટ્રેક, લેન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન, ગ્રીન સ્પેસ સહિતની સુવિધાથી સજ્જ આ છાબ તળાવનું આવતીકાલે PMના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે લોકાર્પણ પહેલાં ઐતિહાસિક તળાવનો અકલ્પીય ડ્રોન નજારો સામે આવ્યો છે.

ઉદેપુરથી વડાપ્રધાન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એકમાત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવને રૂ. 117 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે. એ પ્રોજેક્ટનું લોકાર્પણ છોટાઉદેપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે.

જાણો કેવી રીતે થયું તળાવનું નિર્માણ?
માળવા પર ચઢાઇ કરવા જઇ રહેલા સિદ્ધરાજ જયસિંહે દાહોદમાં લાવલશ્કર સાથે છાવણી નાખી. એ વિસ્તાર આજે પણ પડાવ તરીકે ઓળખાય છે. આ સૈનિકની સંખ્યા એટલી બધી હતી કે પાણીની જરૂરિયાત માટે તમામે એક-એક એક છાબ ભરી માટી કાઢી એટલે આ છાબ તળાવનું નિર્માણ થયું. હજુ પણ ત્યાં ખોદકામ દરમિયાન પુરાતત્ત્વીય અવશેષો મળી આવે છે. આવા ઐતિહાસિક તળાવના નવનિર્માણનું કાર્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.

પ્રવાસન સ્થળ તરીકે પણ સતત જીવંત બની રહેશે
છાબ તળાવ નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રોજેક્ટ જુલાઈ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો, જે એપ્રિલ 2023માં પૂર્ણ થઈ ગયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત છાબ તળાવના બ્યૂટિફિક્શન માટે કુલ 4 ગાર્ડનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં જોગિંગ ટ્રેક, બાજુમાં પગપાળા ચાલવા માટે પાકા રસ્તા, સાઇકલ ટ્રેક, લેન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન, ગ્રીન સ્પેસ સહિત સ્થાનિકો માટે વ્યવસાયની સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ સતત જીવંત બની રહેશે.

વોટર સ્પોર્ટ્સ અને જાહેર ગ્રીન સ્પેસને પણ પ્રોત્સાહન મળશે
છાબ તળાવ એ સમગ્ર દાહોદ શહેરનું હાર્દ સમું તળાવ છે, જેને લઇને દાહોદવાસીઓ ગૌરવ અનુભવે છે. આ તળાવના નવીનીકરણ પ્રોજેક્ટના કારણે તળાવની સ્વચ્છતા અને વાયુ મિશ્રણ દ્વારા પાણીની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો આવશે. વોટર સ્પોર્ટ્સ અને જાહેર ગ્રીન સ્પેસને પણ પ્રોત્સાહન મળશે. અહીં મનોરંજનની સાથોસાથ જાહેર સુવિધાઓ, બગીચાઓ, બોટિંગ સુવિધા, મુલાકાતીઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. ઉપરાંત 2.5 કિમી લાંબો પથ - વે, સાઇકલિંગ, રૂફ ટોપ સોલર, એમ્ફી થિયેટર વગેરે જેવી વિવિધ વિશેષતાઓ કે જે પ્રકૃતિદત્ત છે, એ દરેક આ બ્યૂટિફિકેશનમાં સમાવી લેવામાં આવ્યું છે.


adv

Related News

post
post
post
post
post
post
post