• Home
  • News
  • દર વર્ષે ઉત્તરાયણના 15 દિવસ પહેલાંથી અમદાવાદના ખાડિયા અને રાયપુર સહિતની પોળોમાં 150 ધાબાં બુક થાય છે, કોરોનાને લીધે આ વર્ષે એક પણ નહીં
post

દિવાળી પછી તરત ધાબા માટે બુકિંગ શરૂ થતું હોય છે, ધાબા માલિકો વ્યક્તિદીઠ દિવસના રૂ.300થી 1500 સુધી ભાડું લેતા હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 11:36:40

અમદાવાદની પોળોની ઉત્તરાયણ માણવા લોકો અન્ય રાજ્યો, ઉપરાંત અન્ય દેશોમાંથી પણ આવે છે. એક અંદાજ પ્રમાણે માત્ર પોળની ઉત્તરાયણ માણવા માટે દર વર્ષે 400થીયે વધુ વિદેશી આવે છે. સામાન્ય સંજોગોમાં પોળના ધાબા ભાડે લેવાની ઇન્કવાયરી દિવાળી પછી તરત જ શરૂ થઇ જાય છે અને ઉત્તરાયણના પંદર દિવસ પહેલાં 150 જેટલા ધાબા તો બુક પણ થઇ જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં એક પણ ધાબું બુક થયું નથી. ઉત્તરાયણ વખતે ઢાળની પોળ, દેસાઈની પોળ, વાઘેશ્વરીની પોળ, કામેશ્વરની પોળ, સાંકડી શેરી, મકેરી વાડ, પખાલીની પોળ, જેઠાભાઈની પોળમાં સૌથી વધુ ધાબા ભાડે અપાતા હોય છે.

અમદાવાદની પોળોની ઉત્તરાયણ દેશ-વિદેશમાં જાણીતી છે. જેથી ઉત્તરાયણ પર લોકો ખાસ પોળની ઉત્તરાયણ માણવા પોળમાં ધાબું ભાડે રાખે છે. આ ધાબાના ભાડા વ્યક્તિદીઠ અેક દિવસના રૂ. 300થી લઇને 1500 કરતાં પણ વધુ હોય છે. ઘણાં પોતાના ગ્રુપ માટે તો ઘણાં પોતાના પરિવાર માટે ધાબાં બુક કરાવે છે. તેઓ સવારથી સાંજ સુધી ધાબાં પર જ રહે છે. ઉત્તરાયણ પર તો તમારે પોળમાં જવા માટે તમારી કારને એલિસબ્રિજ પર પાર્ક કરવી પડે તેવી સ્થિતિ હોય છે. વિદેશના લોકો માટે પોળના હેરિટેજ વારસાનું પણ મહત્વ હોવાથી તેઓ પોળમાં ઉત્તરાયણ કરવાનું વધુ પસંદ કરે છે. પશ્ચિમ અમદાવાદના લોકો અને મૂળ પોળના રહેવાસીઓ ઉત્તરાયણ તો પોળમાં જ ઊજવવાનું પસંદ કરે છે. ધાબું ભાડે આપનારા લોકોનું કહેવું છે કે, દરેક તહેવારોની જેમ ઉત્તરાયણ અંગે સરકારે હજુ સુધી કોઈપણ પ્રકારની ગાઈડલાઈન્સ જાહેર કરી નથી જેને પગલે ઘણી ગાંઠી જ ઈન્કવાયરી આવે છે તેમને પણ અમે ભાડે આપવું કે કેમ તે અંગે સ્પષ્ટ જવાબ આપી શકતા નથી. આ કારણે પણ હજુ સુધી એકપણ ધાબું બુક કરી શકાયું નથી. ઝડપથી ગાઈડલાઈન નક્કી થાય તો આગળ શું કરવું તે સ્પષ્ટ થઈ શકે.

હજુ સુધી એકપણ ઈન્કવાયરી આવી નથી
સ્થાનિક નેતા ભૂષણ ભટ્ટના જણાવ્યા અનુસાર દર વર્ષે ધાબું ભાડે રાખવા માટેની ઇન્કવાયરી દિવાળીથી જ શરૂ થઇ જાય છે. ઉત્તરાયણના પંદર દિવસ પહેલાં તો 150 કરતાં વધુ ધાબાં ભાડે પણ અપાઇ જાય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં એકપણ ધાબું ભાડે અપાયું નથી અને ભાડે રાખવાની ઇન્કવાયરી પણ નથી.

વિદેશમાંથી થતાં બુકિંગ પણ ન મળ્યાં
સ્થાનિક આયોજક આશિષ મહેતાના જણાવ્યા અનુસાર કોરોનાને કારણે આ વર્ષે કોઇ આયોજન કર્યું નથી. સામાન્ય રીતે એક પેકેજમાં નાસ્તો, બપોરનું ભોજન, પતંગ-ફીરકી, ચિક્કીનો સમાવેશ થાય છે. દુબઇ, બેલ્જીયમ, કેનેડામાંથી ઉત્તરાયણ પહેલાં ઇન્કવાયરી વધી જાય છે. પરંતુ આ વર્ષે કોઇ જ ઇન્કવાયરી આવી નથી. આ વર્ષે કોરોનાને કારણે અમે પણ કોઇ જ પેકેજ રાખ્યું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post