• Home
  • News
  • ઈડર પાવાપુરી જલમંદિરના બંને વ્યભિચારી સાધુઓની જૈન મહારાજ તરીકે હકાલપટ્ટી
post

ઇડર પાવાપુરી જલમંદિરના લંપટ મહારાજો સામે વ્યભિચારની ફરિયાદ અંતર્ગત રવિવારે વિધિવત ધરપકડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 09:44:09

હિંમતનગર: ઈડર પાવાપુરી જલમંદિરના વ્યભિચારી મહારાજ સાહેબોની પાપલીલાનો ભાંડો ફૂટ્યા બાદ છેલ્લી ઘડી સુધી વીડિયોમાં દેખાતી મહિલાનું નિવેદન બદલવાનો પ્રયાસ કરાયા બાદ મળેલી ક્ષણિક સફળતાને અંતે કલ્યાણસાગરની વિકૃતિનો ભોગ બનેલી વધુ એક વૃદ્ધાએ પણ હિંમત દાખવતાં પોલીસે બંને મ.સા.ની ધરપકડ કરવી પડી હતી. જેને પગલે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત દોલતસાગર સૂરીશ્વરજી મહારાજાએ રવિવારે આચાર્ય કલ્યાણસાગર અને તેમની સાથે રહેલા સૌ સાધુઓની સમુદાયમાંથી કાયમ માટે હકાલપટ્ટી કરવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, પાવાપુરી જલમંદિર તીર્થ ખાતે આચાર્ય કલ્યાણસાગર, રાજતિલકસાગર (રાજા મહારાજ), ધર્મકીર્તિસાગર અને તેમના શિષ્ય એવા એક બાળ મુનિ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. 

વ્યભિચારની ફરિયાદ આવતાં સાગર સમુદાયના વડા દોલતસાગર સૂરિજીએ કલ્યાણસાગર સહિત સાથેના તમામને સમુદાય બહાર કરી દીધા

ઈડર પાવાપુરી જલમંદિરના આચાર્ય કલ્યાણસાગર અને રાજતિલક સાગર (રાજા મહારાજ) સામે વ્યભિચાર અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરતની મહિલાએ યુ ટર્ન લઇ મહારાજ સાહેબોની તરફેણ કરી હતી. પરંતુ  75 વર્ષીય વૃદ્ધાએ તેમની સાથે પણ છેડતી કરાઇ હોવાનું નિવેદન આપતાં પોલીસ કાર્યવાહી આગળ વધી હતી બંને મ.સા.ને શનિવારે રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19નો ટેસ્ટ કરાયો હતો. જે નેગેટિવ આવતાં વિધિવત ધરપકડ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર પ્રકરણમાં ઓડિયો-વીડિયો પુરાવા અને વીડિયોમાં દેખાતી પીડિતા સાથેના વ્યભિચાર અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ મહિલાએ ફરિયાદીના આયોજનથી જ વ્યભિચારનો વીડિયો રેકોર્ડિંગ કર્યાનું નિવેદન આપતાં પોલીસે અગમ્ય કારણોસર હથિયાર હેઠા મૂકી દીધા હતા. પરંતુ  વૃદ્ધાની હિંમત બાદ કાર્યવાહી આગળ વધી શકી છે. દરમિયાન, રવિવારે સાંજે બંને મહારાજોને હિંમતનગરથી ઇડર લવાયા હતા.

બીજીબાજુ, આ મામલે જૈન સમાજનો સ્થાનિક આક્રોશ અને ઘણા સમય અગાઉ નૈતિક મૂલ્યોના હનન અંગે રજૂ થયેલા પુરાવા, પત્ર વ્યવહાર અને પાવાપુરી જલમંદિર ખાતેની પાપલીલા જગજાહેર થઈ જતાં જૈન સંઘના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત દોલતસાગર સૂરીશ્વરજી મહારાજાએ આચાર્ય કલ્યાણસાગર વગેરેને તેમના કુકર્મ અંગે છેદ પ્રાયશ્ચિત આપવા અગાઉ સંમતી આપ્યા બાદ લેખિતમાં 'મને પ્રાયશ્ચિત માન્ય છે' તેવું માંગતાં રાત ગઈ અને વાત ગઈ, અમને આવું કોઈ પ્રાયશ્ચિત માન્ય નથી તેવું આચાર્ય કલ્યાણસાગરે સ્પષ્ટ જણાવતાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત દોલતસાગર સૂરીશ્વરજીએ આચાર્ય કલ્યાણસાગર અને તેમની સાથે રહેલા સૌની સમુદાય બહાર હકાલપટ્ટી કરી હતી. ત્યારે ગચ્છાધિપતિના આદેશ બાદ તમામ ચારેય પાવાપુરી જલમંદિરનો ત્યાગ કરે છે કે આદેશની અવગણના તે જોવું રસપ્રદ બની રહેશે. કારણ બે દિવસથી ધર્મકીર્તિસાગરજી કેટલાક અનુયાયીઓ સાથે પાવાપુરીમાં આવ્યા છે.

આચાર્ય કલ્યાણસાગર મૂળ રાધનપુરના છે 
પાવાપુરી જલમંદિરના આચાર્ય કલ્યાણસાગરનો 59 વર્ષનો દીક્ષા પર્યાય હોવાનું જણાવી ટ્રસ્ટી આશિત દોશીએ જણાવ્યું કે તે રાધનપુરના છે અને 1999માં ઇડર આવ્યા હતા. તેમણે 15-16 વર્ષની ઉંમરે દીક્ષાગ્રહણ કરી હતી.

ગાંધીનગર જિલ્લાનો રમલો રાજતિલક બન્યો
રાજતિલકસાગર (રાજા મહારાજ) મૂળ ગાંધીનગરના ચિલોડાથી 12 કિમીના અંતરે આવેલા દોલારાણા વાસણા ગામના છે. જેમનું સાંસારિક નામ રમેશ ઠાકોર હતું. નાનપણમાં રમેશને એક જૈનમુનિએ કચરાપોતુ કરવા ઉપાશ્રયમાં રાખ્યો હતો. 

75 વર્ષીય વૃદ્ધાના નિવેદનમાં ત્રણેય મહારાજો ખરાબ કામ કરતા હોવાનો ઉલ્લેખ 
સાત-આઠ વર્ષ અગાઉ ગોચરી વોરાવા આવેલા મ.સા.એ છેડતી કર્યાનું નિવેદન આપનારાં 75 વર્ષીય વૃદ્ધાએ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે નિવેદનમાં રાજતિલકસાગર, કલ્યાણસાગર અને ધર્મકીર્તિસાગર ત્રણેય મ.સા. ધર્મની ઓથ નીચે ખરાબ કામ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. નોંધનીય છે કે, વ્યભિચાર મામલે પતાવટ માટે થયેલા ફોન કોલની વાયરલ ઓડિયોમાં ડીકે ધર્મકિર્તીસાગરનું નામ પણ ઊછળી રહ્યું છે.

હવે આ લોકો જૈન સાધુ નથી રહેતા : ટ્રસ્ટી
આચાર્ય ગુરુ ભગવંત ગચ્છાધિપતિ દોલતસાગર સૂરીશ્વરજી મહારાજાના આદેશ બાદ હવે આ લોકો જૈન સાધુ નથી તેવો અર્થ થાય છે. વિહાર કરીને ક્યાંય જવું હોય તો તમામ દ્વાર તેમના માટે બંધ થઈ ગયા છે અને સંજોગવસાત એમને કોઈ વિહાર કરાવે તો એને પણ સમુદાય બહાર મુકાય છે. પાવાપુરી જલમંદિર ખાતે નવા આચાર્ય મ.સા. માટે આજે તેમને રજૂઆત કરી છે. - ડો. આશિષ દોશી, ટ્રસ્ટી

કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી
કલ્યાણસાગર અને રાજતિલક સાગર બંનેનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવતાં રવિવારે વિધિવત ધરપકડ કરાઈ છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવા તજવીજ હાથ ધરાઇ છે. >  ચૈતન્ય મંડલીક, એસપી,સાબરકાંઠા

બંને લંપટ સાધુઓએ ગત વર્ષે વડોદરામાં
સામૂહિક જાપના નામે શ્રાવકો પાસેથી એક-એક હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા
કલ્યાણસાગર અને રાજતિલક સાગરે ગત વર્ષે કરજણ નવા બજાર ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યા હતા. ત્યાર બાદ વડોદરામાં બેંક રોડ આધ્યાત્મિક હોલમાં સામૂહિક જાપનો કાર્યક્રમ યોજી શ્રાવક-શ્રાવિકાઓ પાસેથી રૂ.એક-એક હજાર ઉઘરાવ્યા હતા. જંતર-મંતરના નેજા હેઠળ તાંત્રિક હોવાનો ડોળ કરી કોઈને સંતાન ન થતું હોય, પરિવારમાં વિખવાદ હોય, ધંધો ઠપ હોય કે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો મજબૂર લોકો પાસેથી પૈસા પડાવી નો ટેન્શન નમો અરિહંતાણં બોલી વાસક્ષેપ કરતા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post