• Home
  • News
  • સરકારનો નવો કારસો:143 વર્ષ રથમાં નગરચર્યા કરનારા ભગવાન જગન્નાથને હવે ટ્રેક્ટર અથવા બગીમાં ફેરવશે!
post

ટ્રેક્ટરથી રથ ખેંચવામાં આવે તો રથ કે પૈડાંને નુકસાન થવાની બીકે ખલાસી ભાઈઓએ ઉગ્ર વિરોધ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-07 10:28:38

12 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાનો મુદ્દો ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. 143 વર્ષ સુધી રથમાં નગરચર્યા કરનારા ભગવાન જગન્નાથને હવે ટ્રેક્ટર કે બગીમાં નગરચર્યા કરાવવાનો કારસો સરકારે ઘડ્યો છે. મંગળવારે બપોરે જગન્નાથ મંદિરમાં રથને ટ્રેક્ટર વડે ખેંચવાનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો. જો કે, ખલાસી ભાઈઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ટ્રેક્ટરને રથ જોડે બાંધવામાં આવે તો રથને મોટું નુકસાન થઈ શકે છે. તેમના મતે ટ્રેક્ટરને લીધે વધુ વાઈબ્રેશન થતું હોવાથી લાકડાના રથ અને પૈડાંની બેરિંગને નુકસાન થાય છે.

આ વિરોધ પછી રથયાત્રા બગીમાં કાઢવા જમાલપુર પોલીસે એક બગી પણ મંગાવી હતી. આમ ભગવાનને ટ્રેક્ટર કે બગીમાં નગરચર્યા કરાવવાની યોજના હોય તેમ લાગે છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે રથયાત્રા કાઢી શકાઈ ન હતી. આ વર્ષે પણ રથયાત્રા કાઢવી કે નહીં તેનો અંતિમ નિર્ણય હજુ સુધી સરકારે લીધો નથી.

દરમિયાન એક ખલાસી કૌશલના જણાવ્યા અનુસાર આ વર્ષે પ્રતિ કલાકે 8 કિલોમીટરની ઝડપે રથયાત્રા કાઢવાની યોજના છે. આમ છતાં રથયાત્રાને નિજમંિદર પરત આવતાં 6થી 6.30 કલાક લાગી શકે છે. રથયાત્રાના ખલાસી તરીકે તંદુરસ્ત અને વેક્સિન લેનારાને જ જોડવાની યોજના છે. મંદિર મેનજેમેન્ટે પ્રત્યેક રથ દીઠ 40 ખલાસી મળી કુલ 140 ખલાસીઓને આ વર્ષની રથયાત્રા કઈ રીતે કાઢવી તે અંગેનો અભિપ્રાય પૂછ્યો છે.

ખાડામાં પૈડું પછડાય તો તૂટી જવાનું જોખમ રહેલું છે
મુકેશ ખલાસીના જણાવ્યા અનુસાર ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એમ ત્રણેયના રથ બાવળના લાકડામાંથી તૈયાર કરાયા છે. રથના તમામ પૈડાંની મજબૂતી વધારવા માટે વચ્ચે લોખંડની પ્લેટો નાખવામાં આવે છે. રથ ઝડપથી પસાર થતો હોય અને રસ્તામાં એકાદ ફૂટના ખાડામાં પણ પૈડું પડે તો તૂટવાની શક્યતા વધી જાય છે. ત્રણેય રથ 1950માં તૈયાર થયેલા છે. 1990માં જગન્નાથજી અને સુભદ્રાજીના રથમાં 12 જ્યારે બળદેવજીના રથમાં 16 પૈડાં હતાં. એ પછી તમામ રથ 4 પૈડાંના થયા છે.

ટ્રેક્ટર 2 કિમીની ઝડપે જાય તો પણ બેરિંગ તૂટી શકે છે
અન્ય એક ખલાસી મફતભાઈના જણાવ્યા અનુસાર આ વર્ષે રથયાત્રામાં 6 મોટા અને 3 નાના સ્પેર વ્હીલ સાથે રાખવામાં આવશે. પરંતુ જો રથને ટ્રેક્ટરથી ખેંચવામાં આવે તો પૈડાં થોડા સમયમાં જ તૂટી જવાની શક્યતા વધુ છે. જો ટ્રેક્ટર કલાકના 2 કિલોમીટરની ઝડપે જાય તો પણ પૈડાંની બેરિંગ ખસી જઈ શકે છે. કારણ કે, ટ્રેક્ટરને લીધે સતત વાઈબ્રેશન થતું હોય છે. ગયા વર્ષે જગન્નાથ મંદિરમાં ટ્રેક્ટરથી ટ્રાયલ લેવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે પૈડાં વચ્ચેના વાઈસર છૂટા પડી ગયા હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post