• Home
  • News
  • પ્રદેશ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન અંગે અવઢવ:ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કહે છે કે, રાજીનામાને એક મહિના ઉપરનો સમય થઈ ગયો, વિપક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે, હું પ્રભારીને મળ્યો નથી
post

વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પૂજા વંશ,શૈલેષ પરમાર,અશ્વિન કોટવાલ અને વિરજી ઠુંમરના નામ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માટે મોખરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:45:20

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાને બદલવાની અવઢવ વચ્ચે આ મુદ્દો હાઇકમાન્ડ પાસે લઇ જવાની ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે વાત કરી હતી. પણ પક્ષના આંતરિક સૂત્રો જણાવે છે કે જ્યાં સુધી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે અધ્યક્ષ સહિતની નવી ટીમ ન બને ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસમાં કોઇ પરિવર્તન થાય તેવી શક્યતા નથી. હાઇકમાન્ડે આવી તમામ વાતોને નિરસ્ત કરી નાંખી હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના માળખાની રચના કરવાની બાકી છે. રાષ્ટ્રીય સ્તરે અધ્યક્ષ સહિતની નવી ટીમ બનાવવાની મથામણ ચાલી રહી છે અને થોડા સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે તેને લઇને આ પ્રકારની કાર્યવાહી યોગ્ય નહીં રહે તેવો મત હાઇકમાન્ડે વ્યક્ત કર્યો હોવાનું સૂત્રો જણાવે છે. પક્ષના જ કેટલાંક સિનિયર નેતાઓ ચાવડા અને ધાનાણીને બદલે અન્ય નેતાઓની નિમણૂંક કરવાનું દબાણ લાવ્યાં હોવાથી આવી વાતો બેઠકમાં ચર્ચાઇ હતી તેમ પણ સૂત્રોએ ઉમેર્યું હતું. આ અગાઉ એવી ચર્ચા હતી કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે ગયા વખતે જ રાહુલ ગાંધીની ગુડ બુકમાં હતા તે જગદિશ ઠાકોર,ભરતસિંહ સોલંકી,અર્જૂન મોઢવાડિયા સહિતના નેતાઓ મેદાનમાં છે. જયારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પૂજા વંશ,શૈલેષ પરમાર,અશ્વિન કોટવાલ અને વિરજી ઠુંમરના નામ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માટે મોખરે છે.

જ્યારે પાર્ટી અમને બદલવાનો નિર્ણય લેવાની હોય ત્યારે અમારી સાથે તેની ચર્ચા થાય: અમિત ચાવડા

સવાલ: રાજીનામું ક્યારે આપ્યું?
અમિત ચાવડા: દસ નવેમ્બરે પરિણામ આવ્યું ત્યારે અમે ઓફર કરી હતી. તે પછી પાર્ટીમાંથી કોઇ એના સંદર્ભનો આદેશ નથી અને કાંઇ કહેવાયું પણ નથી. તે પછી પ્રદેશ પ્રભારી આવ્યા અને મુલાકાતો કરી અને આગળની રૂટીન કામગીરી ચાલે છે. જ્યારે પાર્ટી નિર્ણય લેવાની હોય ત્યારે તેની અમારી સાથે ચર્ચા થાય અને પછી જ નિર્ણય લેવાય.

સવાલ: તમને તમારું પદ ખાલી કરવા કે તે મુજબની કોઇ ચર્ચા થઇ છે ખરી?
અમિત ચાવડા: ના, એવું કાંઇ નથી. રાજીનામું આપ્યું એ પછી ઘણાં દિવસ થયાં અને પ્રભારીની મુલાકાતને પણ દસ દિવસ થયાં. તે દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ થયાં, જિલ્લાવાર રાજકીય ચર્ચાઓ કરી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ચૂંટણીઓની તૈયારી બાબતે આ મીટીંગ
થઇ હતી.

સવાલ: તમે પોતે પરવશતા સ્વીકાર કરો છો?
અમિત ચાવડા: પેટાચૂંટણી બધાનાં સંયુક્ત પ્રયત્નોથી લડાઇ અને સંયુક્ત રીતે જ તમામ નિર્ણય લેવાયાં. હાર કે જીતની જવાબદારી સામૂહિક જ હોય છે. પરિણામ ધાર્યા પ્રમાણે ન આવ્યું તેથી તેની નૈતિક જવાબદારી સ્વીકારી પક્ષના વડા તરીકે લઇ અમે રાજીનામું ઓફર કર્યું. આખરી નિર્ણય હાઇકમાન્ડ કરે છે તેથી રાજ્યસ્તરે ચર્ચા કરીને તે નિર્ણય લેવાતો નથી. હાઇકમાન્ડને જે માહિતી જોઇએ તે પ્રભારી આપતા જ હોય છે. જે વખતે જે નિર્ણય થવાનો છે તે થશે.

સવાલ: હવે તમે પોતે આ પરિસ્થિતિ સામે ઝૂકી રહ્યા છો કે હજુ તમે તમારા પદ પર રહેવા મક્કમ છો
અમિત ચાવડા: આમાં ઝૂકવાની કોઇ વાત નથી. કોઇ લોબિંગ કરીને હું પ્રમુખ બન્યો નથી. પક્ષે જ નિર્ણય કરીને મને આ જવાબદારી સોંપી હતી. અલબત્ત પાર્ટીને એવું ભવિષ્યમાં લાગે કે બદલવાની જરૂર છે તો હાઇકમાન્ડ નિર્ણય લઇ શકે.

સવાલ: તો શું તમે આ પદ છોડવા નથી માંગતા તેવું કહી શકાય?
અમિત ચાવડા: લોકસભાની ચૂંટણીનાં પરિણામ વખતે પણ જવાબદારી સ્વીકારીને રાજીનામું ઓફર કર્યું હતું અને તે જ રીતે રાજ્યસભા બાદ તરત જ રાજીનામું આપ્યું હતું. અમારે હાઇકમાન્ડને એક રિપોર્ટ પણ આપવાનો હોય છે અને તેમાં અમારે જવાબદારી સ્વીકારવાની રહે છે.

સવાલ: શહેર અને જિલ્લા સંગઠનો બદલાશે?
અમિત ચાવડા: દરેક જગ્યા ભરાયેલી છે. માત્ર જામનગર શહેર અને ગ્રામ્યમાં થોડી વિચારણા કરવાની રહે છે કારણ કે જામનગર શહેરમાં જગ્યા ખાલી છે અને ગ્રામ્યના પ્રમુખે આરોગ્ય વિષયક પ્રશ્નોને લઇને રજૂઆત કરી છે એટલે ત્યાં બદલાવ આવશે. બાકી કોઇ બદલાવ આવશે નહીં.

પાર્ટીને જે નિર્ણય કરવાનો હશે તે આગામી દિવસમાં કરશેઃ ધાનાણી
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામા વિશે કહ્યું હતું કે પ્રભારીએ રાજ્યના એકમના અન્ય કાર્યકર્તાઓને સાંભળ્યાં છે અને તે સંદર્ભે પક્ષને જે નિર્ણય લેવો હશે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ધાનાણીની વાતમાં વિશ્વાસનો રણકો ગાયબ હતો.

સવાલ: આપે રાજીનામું ક્યારે આપ્યું?
પરેશ ધાનાણી: પેટાચૂંટણીના પરિણામના દિવસે મેં રાજીનામું આપ્યું હતું. જૂની વાત છે. મેં જાહેરમાં આ વાત કરી હતી અને સોશિયલ મીડિયા પર પણ કહ્યું હતું. નવું કાંઇ નથી.

સવાલ: તમે હાલમાં પ્રભારી સાતવને મળ્યા હતા?
પરેશ ધાનાણી: હું મારા વ્યક્તિગત પ્રવાસ હેતુથી બહાર હોવાથી છેલ્લા ત્રણ ચાર દિવસથી બહાર છું તેથી કોઇને મળ્યો નથી.

સવાલ: જિલ્લાના પદાધિકારીઓ સાથેની પ્રભારીની બેઠકમાં આ વાત બહાર આવી કે તમને બદલશે?
પરેશ ધાનાણી: એ બેઠક પક્ષની આંતરિક બાબતોની ચર્ચા માટે હતી. જિલ્લા અને શહેરોમાંથી કાર્યકર્તાઓને સંકલન માટે બોલાવ્યાં હતાં. આ બેઠકમાં જેના વ્યક્તિગત પ્રશ્ન હોય તેને સાંભળવામાં આવે છે અને તેનો ઉકેલ નીકળે.તેમને સાંભળી અને સમજીને આવતાં દિવસમાં પાર્ટીને જે નિર્ણય કરવાના હશે તે થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post