• Home
  • News
  • ભોજન પર જ્ઞાતિનું લેબલ નથી લાગ્યું, સુરતના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી 1000 લોકોને ભોજન આપી એકતાનું પ્રતિક બન્યા
post

રમઝાન માસના ઉપવાસમાં 15 કલાક સુધી પાણીથી પણ દૂર રહેતા મુસ્લિમ યુવાનો કામ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 12:06:44

સુરત : જો સેવાના સાગરમાં પવિત્ર થવાનો અવસર સામે હોય અને હું લોકડાઉન રહું તો મનુષ્ય જીવનનું ઋણ પણ કેમ ચૂકવી શકીશ એવી ભાવના રાખતા ઉધના યાર્ડ ભાવના નગરના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી રોજ લગભગ 1000 લોકોને પોતાને હાથે બનાવેલું ભોજન ખવડાવી રહ્યા છે. એટલું નહીં પણ પવિત્ર રમઝાન માસના ઉપવાસમાં 15 કલાક સુધી પાણીથી પણ દૂર રહેતા આ મુસ્લિમ યુવાનો 40-41 ડીગ્રી તાપમાનમાં રસોડું સંભાળી કોમી એકતાનું પ્રતિક બની ગયા છે. ભોજન પર કોઈ જ્ઞાતિનું લેબલ નથી લાગેલું, એ માત્ર ભૂખ્યાનું પેટ ભરે છે, કોઈ પણ સરકાર પોતાના દેશના નાગરિકોને ભૂખ્યા સુતા નથી જોઈ શકતી તો અમે તો ભારતીય છે. અમારા વિસ્તારમાં આ મહામારી અને લોકડાઉન વચ્ચે કોઈ ભૂખ્યું કેમ સુઈ જાય એ ધ્યાન રાખવાની જવાબદારી નિભાવી રહ્યા છે આ યુવાનોએ આવું કહી દરેક સમાજમાં માનવતાની મહેક ફેલાવી દીધી છે.

એક જ દિવસમાં રસોડું ઉભું કરી દીધું

પરવેજભાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના વાઇરસના પહેલા કેસ બાદ તાત્કાલિક લોકડાઉન કરી લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી દેવાઈ હતી. જેને લઈ રોજ કમાઈને ખાતા ગરીબ પરિવારો માટે પેટીયુ ભરવું જીવન સામે એક ચુનોતી બની ગઈ હતી. 24 કલાકમાં જ લોકોની લાચારી આંખે સામે દેખાવવા લાગી હતી પણ તેઓ કોઈને કહી શકતા ન હોવાનું પણ જોઈ રહ્યા હતા. બસ ત્યારે જ હૃદયથી અવાજ આવ્યો કંઈ કરવું જોઈએ આ તમામ લોકો માટે એટલે મિત્રોને વાત કરી અને તમામ તૈયાર થઈ ગયા હતા. પહેલા દિવસે 1000 લોકોનું રસોડું ઉભું કરવું એટલે જાણે લોખંડના ચણા ખાવા જેવી વાત હતી. તમામ સામગ્રીઓ ભેગી કરવી જેવી કે વાસણ, બળતણ માટે લાકડા, શાકભાજી, ચોખા, મસાલા વગેરે વગેરે, જોકે તમામ મિત્રોએ પોતાની જવાબદારીનું કામ સંભાળી લીધું તો સાંજે 4 વાગે રસોડું ઉભું કરી તમામ મિત્રો રસોઈ બનાવવામાં મંડી પડ્યા હતા. સાંજે સાત વાગ્યા સુધીમાં રસોઈ તૈયાર અને ત્યારબાદ માત્ર એક કલાકમાં જ તમામ મિત્રોએ ટીમ બનાવી ઘરે ઘરે લોકોને ભોજન પહોંચાડી સેવાના કાર્યની શરૂઆત કરી હતી. આજે 31મો દિવસ છે હવે બધું જ સરળતાથી ચાલી રહ્યું છે. અને ખૂબ આનંદ થાય છે કમાઈનો પૈસો પહેલીવાર કોઈ યોગ્ય જગ્યા પર ખર્ચી રહ્યા છે.

40-41 ડિગ્રી તાપમાનમાં ઘરે ઘરે ભોજન પહોંચાડે છે

પરવેજભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ટીમ વર્ક જીવનમાં યાદગાર બની રહેશે કારણ કે હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આ માસમાં લગભગ દરેક મુસ્લિમ 15 કલાકના રોઝા રાખી પાણી વગર બંદગી કરતો હોય છે. આવા સમયમાં મારા મુસ્લિમ મિત્રો આજે ભરબપોરે એટલે કે 40-41 ડીગ્રી તાપમાનમાં 1000 જરૂરિયાતમંદ લોકો માટે ભોજન તૈયાર થાય એ માટે રસોડું સંભાળી રહ્યા છે તો હિન્દુ યુવાનો ઘરે ઘરે ભોજન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે.

હિન્દુ-મુસ્લિમ મિત્રોએ દરેક સમાજને એક અનોખો સંદેશો આપ્યો

ભુપતભાઇએ જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ ઘરમાં બંધ એવા નિરાધાર લોકોની સેવા કરી અમે તમામ હિન્દુ-મુસ્લિમ મિત્રોએ દરેક સમાજને એક અનોખો સંદેશો આપ્યો છે. 31 દિવસથી સતત પોતાના હાથે ભોજન બનાવી લોકોને ડોર ટૂ ડોર ભોજન પહોંચાડવાની અદભુત સેવાનું 30 મિત્રો ઉદાહરણ બન્યા છે. પવિત્ર રમઝાન માસમાં ઇફતારી પહેલા દરેક મુસ્લિમ પરિવારના ઘરે સાંજે 4 વાગ્યા સુધીમાં ભોજન પહોંચાડી દેવાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.

તમામ સામગ્રીઓને ચોખ્ખા પાણીથી સાફ કરી બનાવવામાં આવે છે

ભુપતભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, શાકભાજીથી લઈ તમામ સામગ્રીઓને ચોખ્ખા પાણીથી સાફ કરી બનાવીએ છીએ. આ રસોડામાં હિન્દુ-મુસ્લિમ બન્ને સમાજના લોકો માટે અલગ અલગ વાસણમાં ભોજન બને છે. દાળ-ભાત, કડી-ખીચડી, પુરી-શાક, વેજ પુલાવ, મશૂર પુલાવ સહિતની વાનગીઓ બનાવીએ છીએ. રમઝાન માસના પવિત્ર ઉપવાસ રાખનાર મુસ્લિમ બિરાદરો માટે ફ્રૂટની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. બસ એક જ અપેક્ષા રાખીયે છીએ. ભગવાન એટલી શક્તિ આપે કે જ્યાં સુધી લોકડાઉન પૂરું ન થાય ત્યાં સુધી અમે તમામ મિત્રો આવી જ રીતે સેવાના સાગરમાં ડૂબકી મારતા રહીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post