• Home
  • News
  • જગન્નાથ પુરીની રથયાત્રાનો ઈતિહાસ અને યાત્રા સાથે જોડાયેલી હકીકતો
post

રથયાત્રામાં પ્રભુને મગનો પ્રસાદ શા માટે ધરાવાય છે?

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 11:53:17

હાલ કોરોનાવાઇરસની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથના ભક્તો માટે આજે પ્રસન્નતાનો અવસર હશે જેમાં ભગવાન જગન્નાથ નગરચર્યા કરશે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમાં શ્રદ્ધાળુઓ સામેલ થઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે માત્ર પુરીમાં જ યાત્રાની મંજૂરી આપી છે, ઓરિસ્સામાં ક્યાંય બીજે યાત્રા નીકળશે નહીં. ભારતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળે છે જેમાં સૌથી પ્રાચીન રથયાત્રા પુરીની છે.

પૌરાણિક કથાઃ-
*
હરિવંશ પુરાણ, પદ્મપુરાણ સહિતના પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે, જ્યારે બહેન સુભદ્રા તેમના પિયર પધાર્યા ત્યારે તેમણે બન્ને ભાઇઓ શ્રીકૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા પર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ખુશીમાં જ રથયાત્રાનો ઉત્સવ મનાવાય છે.
*
આંખના રોગમાં રાહત થયા બાદ ભગવાને પાટા ખોલી નાંખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા. એ સ્મૃતિમાં રથયાત્રા મનાવાય છે.

ક્યારથી રથયાત્રા નીકળે છે?
*
જગન્નાથપુરીની રથયાત્રા ક્યારથી નીકળે છે એ વિશે કોઈ સ્પષ્ટ વર્ષ આંકી શકાય તેમ નથી, પરંતુ રથયાત્રાનો જૂનામાં જૂનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં લખાયેલ ગ્રંથ ત્રિસખ્ય જગન્નાથ માહાત્મ્યમાં જોવા મળે છે.

પુરી સિવાય અન્યત્ર ક્યાં?
*
જગન્નાથપુરી પછી અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે. આ રથયાત્રા 142 વર્ષથી નીકળે છે.
*
તમિલનાડુમાં પણ રથયાત્રાના પ્રસંગની ઉજવણી થાય છે.
*
કેરળમાં આ જ પ્રસંગ થોડો અલગ રીતે ઉજવાય છે. અહીં શિવ-પાર્વતીની રથયાત્રા નીકળે છે.
*
નેપાળમાં ભગવાનની દીકરીની રથયાત્રા નીકળે છે.
*
લંડનમાં પણ ઈસ્કોન સંપ્રદાય દ્વારા રાધા-કૃષ્ણની રથયાત્રા નીકળે છે.
*
ભાવનગરમાં 42 વર્ષથી અમદાવાદ અને પુરીની માફક રથયાત્રા નીકળે છે.

રથયાત્રામાં પ્રભુને મગનો પ્રસાદ શા માટે ધરાવાય છે?
પ્રભુ જગન્નાથને આંખનો રોગ લાગ્યો હતો. રોગ મટી ગયા બાદ તેઓ દર્શન આપવા રથ દ્વારા નગરમાં પધાર્યા હતાં, તે સમયે તમામ ભક્તોએ પ્રભુને મગ અને જાંબુનો પ્રસાદ ધર્યો હતો. કારણ કે મગ અને જાંબુ આંખના રોગમાં રાહત આપે છે. જેથી રથયાત્રામાં મગ અને જાંબુ ધરાવાય છે.

વૈજ્ઞાનિક કારણ-
અષાઢી બીજ એ ચોમાસાના આરંભનો સમય છે. આ સમય દરમિયાન આંખને અસર કરતાં જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે. આંખનો ચેપ મેડિકલ સાયન્સમાં કન્જક્ટિવાઈટિસ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે એવું રથયાત્રાની પરંપરાના આધારે માની શકાય. કારણ કે, પુરાણોની કથામાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થયો હોવાની વાત છે. અને રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે, જે સાધારણ રીતે અપાતાં પ્રસાદ કરતાં અલગ અને વિશિષ્ટ છે. આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ ગુણકારી છે.

પુરી મંદિર સાથે સંકળાયેલી રસપ્રદ ઘટનાઓ-
-
પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે.
-
પુરીના કોઇપણ ક્ષેત્રમાંથી મંદિર ઉપરના સુદર્શનચક્રને જોઇ શકાય છે.
-
સામાન્ય રીતે હવા સમુદ્રથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ હવા જાય પરંતુ જગન્નાથ પુરીમાં આ ઘટના તદ્દ્ન વિપરિત થાય છે.
-
કયારેય એકપણ પક્ષી આ મંદિર ઉપરથી ઉડતું જોવા મળતું નથી.
-
મુખ્ય શિખર-ગુંબજની છાયા, દિવસે એકપણ દિશામાં જોઇ શકાતી નથી.
-
મહાપ્રસાદ બનાવવા માટે દુનિયાનું સૌથી મોટુ રસોડું અહીંયા છે. મહાપ્રસાદ માટે 500 રસોઇયા તથા 300 સહયોગી કામ કરે છે.
-
મંદિરમાં રસોઇ બનાવવા માટે ખૂબ જ મોટા સાત પાત્રો એકબીજા પર રાખવામાં આવે છે. સૌથી નીચેના પાત્ર નીચે લાકડા બાળીને પ્રસાદ બનાવાય છે. ઉલ્લેખનીય છે કે, સૌથી ઉપરના પાત્રમાં સૌથી પહેલા રસોઇ તૈયાર થાય છે, અને સૌથી નીચેના પાત્રમાં છેલ્લે રસોઇ તૈયાર થાય છે.
-
મંદિરના સિંહદ્વારમાં દાખલ થવાની સાથે જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. જેવા તમે સિંહદ્વારથી બહાર આવો એટલે સમગ્ર પુરીમાં સમુદ્રનો ઘૂઘવાટ સંભળાય છે.
-
મંદિરની ઉપર પ્રતિદિન સાંજે માનવ દ્વારા ઉંધા ચડીને આ ધજા બદલાવવામાં આવે છે. ધજા પર શિવના ચંદ્રની નિશાની હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post