• Home
  • News
  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં હોંગકોંગ-અમેરિકાના વિદ્યાર્થીઓ હિન્દુ ધર્મના 16 સંસ્કાર ઓનલાઇન શીખે છે
post

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી રામાયણ દ્વારા વ્યક્તિત્વનો વિકાસ સહિતનાં ટુંકાગાળાનાં કોર્ષ કરાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:37:43

વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને ગુગલ એપ દ્વારા ઓનલાઇન શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરાયા છે. જેના 5 ઓનલાઈન શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા. આ કોર્સ પૈકી હિન્દુ ધર્મના ગર્ભધારણથી લઇને અગ્નિ સંસ્કાર સુધીના 16 સંસ્કારના કોર્સમાં હોંગકોંગ અને અમેરિકાના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કોર્ષ પૈકીનો એક રામાયણ દ્વારા વ્યક્તિત્વનો વિકાસ પણ હતો. જેમાં 32 વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને સર્ટિફિકેટ મેળવ્યું હતું.

આ કોર્સમાં રામાયણના પાત્રો ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ, હનુમાનજી તેમજ રામાયણના જુદા જુદા પાત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને આ પાત્ર દ્વારા વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થઇ શકે એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોર્સ અંતર્ગત અઠવાડિયામાં 3 દિવસ 2 કલાક ઓનલાઈન કલાસ લેવામાં આવતા હતા. આ ઉપરાંત બીજો પ્રમાણપત્ર કોર્ષ રઘુવંશી કથન પઠનનો હતો. જેમાં 12 વિદ્યાર્થીઓ જોડાયા હતા. હાલમાં યુનિવર્સિટી દ્વારા 16 સંસ્કાર માનવજીવન ઉપર પ્રભાવ નામનો કોર્સ પણ શરૂ કરાયો છે.

જેમાં વિદ્યાર્થીઓને માનવીના જન્મ પહેલાં ગર્ભધારણથી લઇને મૃત્યુ બાદ છેક અગ્નિ સંસ્કાર એમ હિન્દુ ધર્મ મુજબ માનવીના જીવનના 16 સંસ્કારનો માનવજીવન ઉપર કેટલો પ્રભાવ પડે છે તેનો આભ્યાસ કરાવવામાં આવશે. જેમાં દેશવિદેશના 45 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કોર્સમાં હોંગકોંગ, અમેરીકાના વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન જોડાયા છે. હાલ આ કોર્સ હજી ચાલુ છે. એ રીતે સંસ્કૃત વ્યાકરણના કોર્ષ, મુહૂર્ત અને વ્યવસાયલક્ષી જ્યોતિષનો કોર્સ 7 જાન્યુઆરીથી શરૂ કરાશે. જે માટે યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ઓનલાઈન નજીવી ફી ભરી જોડાઇ શકાય છે. એમ યુનિ.ના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ લલિતભાઇ પટેલે જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post