• Home
  • News
  • સુરતમાં માતા-પુત્રનો આપઘાત:સુસાઇડ નોટમાં લખ્યું- ‘લોનમાં ફસાયો છું, જેથી આપઘાત કરું છું; મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા’
post

15 દિવસ પહેલાં પત્ની પુત્રીને લઈ પિયર ગઈ હતી, મહર્ષિ ભાડાના ઘરમાં રહેતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 10:10:23

પીપલોદમાં માતા-પુત્રએ એક સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. બેંક લોનમાં ફસાઈ જતાં હતાશ થયેલા પુત્રએ માતા સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.15 દિવસ પહેલાં જ પત્ની પુત્રીને લઈને પિયર ગઈ હતી. સોમવારે બપોરે મહર્ષિએ માતા સાથે અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત પહેલાં યુવકે સુસાઈડ નોટ લખી હતી, જેમાં લોનમાં ફસાયો હોવાથી આ પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પીપલોદ મિલાનો હાઈટ્સમાં રહેતા અને ઓનલાઈન પે એપ્લિકેશન કંપનીમાં નોકરી કરતા મહર્ષિ પરેશભાઈ પારેખ(37)નું પોતાનું મકાન બાલાજી રોડ ખાતે હોવા છતાં પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

સોમવારે બપોરે કોઈક સમયે મહર્ષિ અને માતા ભારતીબેને ઘરમાં ફાંસો ખાધો હતો. બે-ત્રણ દિવસથી અંગત મિત્ર સમક્ષ આપઘાતની વાતો કરતો હોવાથી સોમવારે સાંજે ફોન ન ઉપાડતાં મિત્ર ઘરે દોડી ગયો હતો, જ્યાં ફ્લેટનો દરવાજો તોડી અંદર જોતાં માતા-પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતાં. ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસને સુસાઈડ નોટ મળી હતી. એમાં લોનમાં ફસાઈ ગયા હોવાથી આપઘાતનું પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. બનાવ સંદર્ભે ઉમરા પોલીસે હાલ અક્સમાત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

મારા મોત બાદ કોઈની પૂછપરછ કરવી નહીં
મહર્ષિએ લખેલી સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહું છું અને લોનમાં ફસાઈ ગયો છું, જેને કારણે આ પગલું ભરું છું. આના માટે હું જ જવાબદાર છુ. કોઈની પૂછપરછ કરવી નહીં, મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા’.

મોત બાદ માતાનું શું એવા વિચારથી સાથે આપઘાત
મહર્ષિના પહેલા લગ્નમાં છૂટાછેડા થયા બાદ બીજા લગ્ન કર્યા હતા અને બીજા લગ્નજીવન દરમિયાન એક પુત્રી પણ છે. મહર્ષિ પત્નીને બોલાવતો હતો, પરંતુ તે પિયરથી આવતી ન હતી અને બધું પતાવી દે પછી આવીશ એવું કહેતી હતી. બીજી તરફ, મારા પછી માતાનું શું થશે એવા વિચારથી મહર્ષિએ માતા સાથે આપઘાત કર્યાનો ક્યાસ લગાવાઈ રહ્યો છે.

મિત્ર ફેનિલ સમક્ષ આપઘાતની વાત કરી હતી
મહર્ષિના નજીકનાે મિત્ર ફેનિલ મહર્ષિની મમ્મીને મમ્મી કહી બોલાવતો હતો. રવિવારે ભારતીબેને ચાઈનીઝ ખાવાની ઈચ્છા વ્યકત કરતા ત્રણેએ સાથે નાસ્તો કર્યો હતો. ત્યાર બાદ રાત્રે મહર્ષિએ ફેનિલને ફોન કર્યો હતો અને લોન બાબતે ચિંતા વ્યક્ત કરી ફેનિલને ઘરે બોલાવ્યો પરંતુ 10:30નો સમય હોવાથી કર્ફ્યૂના કારણે જઈ ન શક્યો બીજા દિવસે મળવા માટે ફોન કર્યો તો મહર્ષિએ ઓફિસમાં કામમાં છુ પછી ફોન કરૂ કરી ફોન કાપી નાંખ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post