• Home
  • News
  • સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીકીની બૂમ, સ્વાદ રસિયામાં માગ વધારે પણ કોરોનાને કારણે ચીકીના વ્યવસાયમાં ઘરાકી ઘટી
post

ઉત્તરાયણમાં ધાબા ઉપર સ્વાદમાં નંબર વન બનેલી ચીકી આજે 17 પ્રકારના સ્વાદમાં મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 09:41:40

ઉત્તરાયણ માટે સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીકીની કોરોનાની એન્ટ્રી બાદ સુરત સહિત દરેક જગ્યાએ ઇમ્યુનિટી બુસ્ટર ચીકીના બોલબાલા જોવા મળી રહી છે. અન્ય વસ્તુની જેમ ઉત્તરાયણમાં ખવાતી ચીકીમાં પણ હવે ઇમ્યુનિટી બુસ્ટરનો ટ્રેન્ડ શરૂ થયો છે. તલ અને શીંગની ચીકી સાથે હવે સુરતમાં એક બે નહીં પરંતુ 17થી વધુ જાતની ચીકીનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. 150 વર્ષથી ચીકીના વ્યવસાય સાથે સંકળાયેલા દીપા વાંકાવાલા (રેવડીવાલા) કહે છે કે, હાલ ગત વર્ષની સરખામણીમાં કોરોનાને કારણે ચીકી ધંધામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાને કારણે લોકો ઇમ્યુનિટી બુસ્ટર ચીકી તરફ વળી રહ્યા હોવાથી અમે પણ ઇમ્યુનિટી બુસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું છે.

ઇમ્યુનિટી બુસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું
દીપાબેને જણાવ્યું હતું કે, અમારા દાદા ચીકી બનાવતા ત્યારથી અમે આ ધંધો શીખ્યા છીએ. અમારા ભાઈ સાથે ગોપીપુરામાં અમે ઉત્તરાયણ પહેલાનો ધંધો કરીએ છીએ. હાલ ઇમ્યુનિટી બુસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું છે. કાળા અને સફેદ તલમાં ભરપૂર શક્તિ રહેલી છે તેની સાથે ગોળ ભેળવો એટલે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે અમે કાળા અને સફેદ તલની ચીકી વધુ માત્રામાં બનાવી છે. આ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ શરીર માટે સારા હોવાથી ડ્રાય ફુટની ચીકી પણ અમે બનાવીએ છીએ.

ઉત્તરાયણને બે દિવસ બાકી હોવાથી ઘરાકી વધવાની આશા
દીપાબેને વધુમાં જણાવ્યું હતું કે, આજના બાળકો અને યંગસ્ટર્સને ચીકીમાં દાણા કે દાળિયા ચાવવા ગમતા નથી, તેથી ક્રશ કરેલા દાણાની માવા ચીકી પણ બનાવીએ છીએ. ઇમ્યુનિટી બુસ્ટર ચીકી ઉપરાંત ઉત્તરાયણમાં પરંપરાગત રીતે ખાવાતી સીંગદાણા અને ડાળિયાની ચીકી પણ બનાવીએ છીએ. પહેલાની ચીકી અને અત્યારની ચીકીમાં તફાવત જણાવતાં તેઓ કહે છે, પહેલા ડિમાન્ડ ઓછી હતી તેથી અમારા વડવાઓ હાથથી ચીકી બનાવતા હતા. પરંતુ હાલમાં ડિમાન્ડ વધુ હોવાથી અમે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત તલ અને મમરા સાથે રાજગરાના લાડુ અને 17થી વધુ જાતની ચીકી બનાવીને વેચાણ કરીએ છીએ. હાલમાં તો ઘરાકી ઓછી દેખાઈ રહી છે પરંતુ ઉત્તરાયણને બે દિવસ બાકી રહ્યા છે હવે આ ઘરાકી વધે તેવી અમને આશા છે.

એક મહિનામાં 700-800 કિલો ચીકી વેચાણનો વેપાર થતો હોય છે
દીપાબેને વધુમાં ઉમેર્યું હતું કે, ડિસેમ્બરથી ચીકી બનવાનું શરૂ થઈ જાય છે. હોમમેડ સ્વાદ આપવા માટે પોતાની હાજરી અને બે-ચાર હેલ્પરની મદદ લેવી પડે છે. એક મહિનામાં 700-800 કિલો ચીકી વેચાણનો વેપાર હોય છે. તલ, સીંગદાણા, કોપરાની છીણ નાખી આ વર્ષે એક નવી ફ્લેવર બનાવી છે. ગોળને દાણાની ચીકી બારે માસ મળતી રહે છે અને એનો ઓર્ડર જ વધારે રહે છે કેમ કે એમાં મલાઈ નાખી સ્વાદને કંઈક અલગ રાખતા આવ્યા છીએ.

અમેરિકા, લંડન, સાઉદ આફ્રિકા, દુબઇ સહિતના દેશોમાં ચીકીની ખૂબ માગ
દીપાબેને વધુમાં ઉમેર્યું હતું કે, ત્રણ વર્ષમાં જ આખા વ્યવસાયથી વાકેફ થઈ ચીકી બનાવતા શીખી અને આજે બાપ દાદા બનાવતા ચીકીનો સ્વાદ આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમેરિકા, લંડન, સાઉદ આફ્રિકા, દુબઇ સહિતના દેશોમાં ચીકીની ખૂબ માગ રહેતી હોય છે. અમેરિકાની એક ગ્રાહક તો દર વર્ષે ચીકી ખાવા આવતા હોય એમ કહી શકાય અને પરત ફરતી વખતે લગભગ તમામ ફ્લેવરની ચીકી પાર્સલ લઈ જાય છે. આવતા-જતા મુસાફરો દ્વારા પર ચીકી વિદેશમાં સ્વાદના રસિયાઓની મનો ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ. ડ્રાઈ ફ્રુટના ભાવમાં વધઘટ આવતી રહે છે પણ બીજી ચીકીઓ ના ભાવ વર્ષોથી લગભગ એક સમાન જ હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post