• Home
  • News
  • રાજકોટમાં ઘરમાં એકલું બાળક રમતા રમતા કોઠીમાં પડ્યું, ગૂંગળાઇ જતાં મોત,માતાએ કોઠી ખોલતા ચીસ નીકળી ગઈ
post

થોરાળા પોલીસે નવ વર્ષનો માસૂમ મીત લાપતા થતાં કોઇ શખ્સ અપહરણ કરી ગયાની શંકાએ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને બાળકની શોધખોળ આદરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 19:18:59

રાજકોટ: ઘરમાં બાળકોને એકલા મૂકીને જતા શ્રમિકો અને નોકરિયાત માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જ્યાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતું દંપતી પોતાના પુત્રને ઘરે મૂકીને કામ પર ગયું હતું, મહિલા સાંજે ઘરે પરત આવી ત્યારે વહાલસોયો જોવા નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરી હતી અને અંતે પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બાળકે કેવા રંગના કપડાં પહેર્યા હતા તે જોવા માટે માતાએ ઘઉંની કોઠીનું ઢાંકણ ખોલતાં જ પુત્રનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો.જેને પગલે માતાની ચીસ નીકળી ગઈ હતી.

બીમાર હોવાથી શાળાએ ન ગયો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર થોરાળા નજીક શિવાજીનગરમાં રહેતા જયેશભાઇ અને તેના પત્ની ઉષાબેન બારૈયા શનિવારે સવારે મજૂરી અર્થે ગયા હતા. એ વેળાએ તેમનો એકનો એક દીકરો 9 વર્ષીય મીત બીમાર હોવાથી તે શાળાએ ગયો નહોતો અને ઘરે એકલો હતો. અલબત્ત તેમની 4 વર્ષની પુત્રી બંસીને ઉષાબેન તેના માતાના ઘરે મૂકી ગયા હતા. સાંજે પાંચેક વાગ્યે ઉષાબેન કામ પરથી ઘરે આવતા પુત્ર મીત જોવા મળ્યો નહોતો. જેને લઈ તેમણે પાડોશમાં રહેતા જેઠ દીપકભાઇ સાહિતનાઓના ઘરે તપાસ કરી હતી.

થોરાળા પોલીસને જાણ કરવામાં આવી
દરમિયાન ભત્રીજીએ કહ્યું હતું કે, ચાર વાગ્યે મીતને ઘર નજીક રમતા જોયો હતો. પોતાનો પુત્ર લાપતા થયા અંગે જયેશભાઇને જાણ કરાતા તેઓ પણ ઘરે પહોંચી ગયા હતા અને બારૈયા પરિવારે પરિવારજનો અને સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. તેમજ કુવાડવા સુધી રૂબરૂ જઇ પુત્રની શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા અંતે મીત ગુમ થયા અંગેની થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અપહરણની શંકા
થોરાળા પોલીસે નવ વર્ષનો માસૂમ મીત લાપતા થતાં કોઇ શખ્સ અપહરણ કરી ગયાની શંકાએ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને બાળકની શોધખોળ આદરી હતી. પોલીસ તપાસમાં મીતે કાળા રંગનું ટીશર્ટ પહેર્યાનું સામે આવ્યું હતું પરંતુ પોતે કામ પર ગયા બાદ કદાચ પુત્રએ ટીશર્ટ બદલ્યું હશે તેવી શંકાએ ઉષાબેને ઘરે જઇ ઘઉં ભરવાની કોઠીનું ઢાંકણ ખોલતાં જ મીતનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
આ અંગે મીતના દાદા ભીખુભાઇ બારૈયાએ જણાવ્યું કે, પરિવાર કામે ગયો હતો ત્યારે રમતા-રમતા મીત અનાજની કોઠીમાં પડી ગયો હતો. આ અંગે અજાણ હોવાથી અમે બહાર તેની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન બાળકની લાશ અનાજની કોઠીમાંથી મળી આવી હતી. જેને લઈને આ અંગે જાણ કરાતા થોરાળા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

બાળકોને એકલા નહીં મુકવા અપીલ કરી
વધુમાં તેમણે કહ્યું કે, ઘરે એકલા રહેલા મીતે રમતાં રમતાં કોઠીમાં કપડાં નાખી દીધા હશે અને તે કપડાં લેવા કોઠીમાં ઉતરતાં જ ઢાંકણ બંધ થઇ જતાં તેનું ગૂંગળાઇ જવાથી મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે તેના દાદાએ લોકોએ બાળકોને એકલા નહીં મુકવા અપીલ પણ તેમણે કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post