• Home
  • News
  • સુરતમાં 182 દિવસથી યુવતી સતત કોરોના મૃતદેહ સાથે કામ કરે છે, કહ્યું- દર્દ જોઈ હૃદય પણ પથ્થર બની ગયું
post

લોકોએ સુરતની મર્દાનીનો ખિતાબ આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-04 11:21:41

સુરતની કવિતા પટેલ છે સાચી કોરોના વોરિયર્સ, બ્રેવો વુમન અને મર્દાની. જે 182 દિવસથી કોરોનામાં મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહો વચ્ચે રહી રજીસ્ટ્રેશન સાથે પરિવારને અંતિમ દર્શન કરાવવાની જવાબદારી નિભાવી કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મૃતદેહોને અંતિમવિધિ માટે મોકલી અન્ય યુવતીઓ માટે એક આદર્શ બની ગઈ છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ કર્મચારી તરીકે કામ કરતી કવિતા કહે છે કે, આટલો બધો દર્દ જોઈ હૃદય પણ પથ્થર બની ગયું છે. શરૂઆતમાં ચોક્ક્સ ડર લાગતો હતો હવે એમ કહું છું ડર કે આગે જીત હે, પેટ ભરવા માટે કામ તો કરવું જ પડે, પછી એ જીવતા વ્યક્તિઓ સાથે હોય કે ડેથ બોડી સાથે. બીએ ગ્રેજ્યુએટ બાદ આ પાંચમી નોકરી છે જ્યાં જવાબદારીએ દુનિયાદારીનું ભાન કરાવ્યું અને મજબૂરીએ મજબૂત બનાવી દીધી છે.

6 મહિનાથી કોરોના હેલ્પ ડેસ્ક પર સુપર વિઝન
કવિતા હસમુખભાઈ પટેલ (ઉ.વ. 29, રહે. ન્યુ બોમ્બે માર્કેટ) એ જણાવ્યું હતું કે, બીએ ગ્રેજ્યુએટ બાદ આ પાંચમી નોકરી છે, એક વર્ષ પહેલાં સુરત સિવિલ હોસ્પિટલમાં ડેટા ઓપરેટર તરીકે કામે લાગી હતી. જોકે કોરોના મહામારીમાં કેસ વધતા છેલ્લા 6 મહિનાથી કોરોના હેલ્પ ડેસ્ક પર સુપર વિઝન તરીકે કામ કરૂં છું. કોરોનામાં મોતને ભેટતા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવાનું, મૃતદેહની ઓળખ કરી પરિવારને અંતિમ દર્શન કરાવવાના અને ત્યારબાદ કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મૃતદેહને અંતિમવિધિ માટે રવાના કરવાની હાલ જવાબદારી નિભાવી રહી છું.

8 કલાકની નોકરીનો 8 હજાર પગાર
વધુમાં જણાવ્યું હતું કે, હાલ મહામારીમાં અનેક લોકો બેકાર બની ગયા છે. મારા પરિવાર માટે મારી નોકરી એ જ બે સમયનું ભોજન છે. ઘરમાં વૃદ્ધ માતા-પિતા છે. મારા પગારથી ચૂલો સળગે છે. 8 કલાકની નોકરીમાં ભલે 8 હજાર જ મળે પણ ભૂખ્યા પેટ સૂવું નથી પડતું. ક્યાંય પણ નોકરી કરો, જીવિત વ્યક્તિઓ સાથે કે ડેથ બોડી સાથે, બસ આપણે ક્યાં સુરક્ષિત છે એ ઘણું મહત્વનું છે. આખી દુનિયામાં કામ સાથે સેવા કરવાનો મોકો મળતો હોય તો એ સરકારી હોસ્પિટલમાં મળે છે. હું ખુશ છું કે આ મોકો મને મળ્યો અને હું કોઈના આંસુ લૂંછવાનું અને આશ્વાસન આપવાનું કામ કરૂં છું.

6 મહિનાથી માત્ર દર્દ સાથે કામ કરી રહી છે
વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી માત્ર દર્દ સાથે કામ કરતી હોય એવુ મહેસુસ થઈ રહ્યું છે. જીવનનો પહેલો પણ કડવો અનુભવ કહી શકાય છે. શરૂઆતમાં ડર લાગતો હતો પણ હવે હૃદય પથ્થર બની ગયું છે. હવે નોકરીના 8 કલાક ક્યાં નીકળી જાય છે એ ખબર નથી પડતી. બાબાની કૃપા છે કે હજી સંક્રમણ નથી થયું. મિત્રો કહે છે તું તો સુરતની મર્દાની છે એટલે જ આ કામ કરી શકે છે. તારી સેવાની તો ભગવાન પણ નોંધ લેતું હશે પછી તને કોઈ વાઇરસ નહીં નડે.

માતા-પિતાને જવાબદારી સાથે નોકરી કરે છે
કવિતાએ વધુમાં જણાવ્યું હતું કે મારા પરિવારમાં માતા-પિતા અને ભાઈ-બહેન છે. ભાઈ લગ્ન બાદ અલગ રહેવા ચાલી જતા ઘરની તમામ જવાબદારી મારા પર આવી ગઈ છે. બીએ ગ્રેજ્યુએટ બાદ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા અભ્યાસ છોડી નોકરી કરવા મજબૂર બની છું. આ પાંચમી નોકરી છે જ્યાં મજબૂરીએ મજબૂત બનાવી દીધી છે.

adv

Related News

post
post
post
post
post
post
post