• Home
  • News
  • શ્રીધરે બાથરૂમની સીલિંગમાં બનાવેલા લોકરમાં સંતાડી રાખેલા રૂ.40 લાખના દાગીના મળી આવ્યા, લટકતી ચાવીએ પોલ ખોલી
post

શ્રીધરના વિશ્વાસુ ચિરાગ ચોટલિયા પાસે 1.60 કરોડ, 4 બિલ્ડરને ત્યાંથી 3 કરોડ રોકડા, 2 કરોડની જ્વેલરી મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 10:26:19

અમદાવાદ: ઈન્કમટેક્સ વિભાગે શહેરના જાણીતા બિલ્ડર અજય શ્રીધર સહિત અન્ય ચાર બિલ્ડરોને ત્યાં મંગળવારે દરોડા પાડ્યા હતા. સતત બે દિવસ સુધી ચાલેલા સર્ચ દરમિયાન ચારેય બિલ્ડરોને ત્યાંથી 3 કરોડ રોકડા અને 2 કરોડની જ્વેલરી તેમજ 20 લોકર મળી આવ્યા છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અજય શ્રીધરના હેબતપુર ખાતે આવેલા આલિશાન બંગલાના બાથરૂમની સીલિંગમાં બનાવેલું લોકર આઈટી વિભાગને હાથ લાગ્યું હતું. બાથરૂમમાં મૂકેલી ચાવીથી આઈટી વિભાગ લોકર સુધી પહોંચ્યું હતું. સીલિંગ ખોલીને લોકર ખોલતાં તેમાંથી અંદાજે 35થી 40 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી.


ઉપરાંત બુધવારે પણ અજય શ્રીધરના ભાગીદાર શરદ પટેલ, સૂર્યમ બિલ્ડર ગ્રૂપના ઘનશ્યામ પટેલ, દિનેશ જૈન, ચિરાગ ચોટલીયા અને એચઓએફ ફર્નિચરના રાજેશ પટેલ(સ્વદેશી)ના રહેઠાણ અને ઓફિસ પર દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. રાજપથ ક્લબ પાછળ રહેતા શરદ પટેલના નિવાસસ્થાને ઉપરાંત પરિમલ ગાર્ડન નજીક રહેતાં દિનેશ જૈન, ઘનશ્યામ પટેલ અને રાજેશ પટેલના આંબાવાડી નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

20 લોકર, મોબાઇલ, લેપટોપ, કલાઉડ સહિતનો ડેટા મળી આવ્યો છે. શ્રીધરના 15 નજીકના માણસોને ત્યાં પણ આઈટીનું સર્ચમાં ચિરાગ ચોટલિયા પાસેથી 1.60 કરોડ મળ્યા હતા. ઘનશ્યામ, દિનેશ જૈનની શાહીબાગ અનંતતારા પ્રોજેક્ટમાં સર્ચ કરાયું હતું.


પ્રિયા બ્લૂને ત્યાં 9.80 કરોડ મળ્યા
અલંગના શિપ બ્રેકર્સ પ્રિયા બ્લૂ ઇન્ડસ્ટ્રીઝના માલિક સંજય મહેતા અને ગૌરવ મહેતા તેમજ તેની સાથે સંકળાયેલી પેઢીઓને ત્યાના સર્ચ ઓપરેશનમાં 100 કરોડ પકડાયા બાદ લોકરમાંથી રૂ. 4.9 કરોડની જ્વેલરી અને 5.75 કરોડ રોકડા મળી આવ્યા હતા.


રિઝર્વેશન હટી જતાં ભાજપ નેતાઓના ગજગ્રાહમાં દરોડા
અજય શ્રીધરને ત્યાં પડેલી રેડ પાછળ ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ હોવાનું મનાય છે. સાયન્સ સિટીની આસપાસનો ભાડજ-હેબતપુર સહિતનો વિસ્તાર સાયન્સ ઝોન તરીકે જાહેર કરાયો હતો. અહીંની જમીનોનો ભાવ પ્રતિ ચોરસ વારના સાત લાખ બોલાય છે જેથી હીતધારકો પાસેના કબજામાં રહેલી જમીનોનો કુલ ભાવ સેંકડો કરોડમાં થાય છે. જમીનોના વ્યવસાયમાં હિત ધરાવતા ભાજપના એક ખૂબ વરિષ્ઠ નેતા કે જે પક્ષની નાણાંકીય બાબતોની જવાબદારી પણ સંભાળે છે તેમની સાથે અજય શ્રીધર તથા અન્ય લોકોએ વિસ્તારની જમીનો મોટા પ્રમાણમાં ખરીદી હોવાનું સૂત્રો જણાવે છે. તેમાં અમદાવાદની એક પ્રતિષ્ઠિત સ્કૂલના સંચાલકે પણ અહીં જમીન ખરીદી હતી. પછી અહીં સાયન્સ ઝોન હટાવવા નાણાંના જોરે દબાણ શરૂ કર્યું હતું. પછી ભાજપના અન્ય એક નેતા સાથે કરોડોની ગોઠવણ કરી વિસ્તાર આર1 ઝોનમાં તબદીલ કરવા કાર્યવાહી કરી હતી. પરંતુ તે અટકી ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2016 કોમન જીડીસીઆર હેઠળ સાયન્સ ઝોનને આર1 જેવું સ્ટેટ્સ આપી અહીં ટીપી મંજૂર કરી દેવાઈ હતી.


રૂ. 250 કરોડના સોદા બાદ અજય શ્રીધર રડારમાં હતા
એમ માનવામાં આવે છે કે, શ્રીધર ડેવલપરના માલિક અજય શ્રીધરે ભાડજ નજીક એસપી રિંગ રોડ પર છેલ્લે અંદાજે રૂ.250 કરોડમાં જમીનનો સોદો કર્યો હતો. સોદા પછી તેઓ ઈન્કમટેક્સ વિભાગના રડારમાં આવી ગયા હોવાની આશંકા છે. 30 સ્થળે સાગમટે પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂ. 3 કરોડ રોકડા, રૂ. 2 કરોડ સોનાના દાગીના, લોકર, જમીનના ખરીદ-વેચાણના દસ્તાવેજો, મોટાભાગના રોકડ વ્યવહાર થયા હોવાનું બહાર આવ્યું છે.


અગાઉના વર્ષોમાં શ્રીધર ગ્રૂપ પર માત્ર આઈટી સર્વે થતો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી અજય શ્રીધર, ઘનશ્યામ, રાજેશ પટેલ, શરદ પટેલ જમીનની લે-વેચમાં ભાગીદાર છે. બિલ્ડરોએ શીલજ, ભાડજ (સાયન્સ પાર્ક), હેબતપુર, ખોડિયાર, ગ્યાસપુર સહિતના વિસ્તારોમાં મોટાપાયે જમીનો ખરીદી છે. શીલજ ચારરસ્તા પાસે એસપી રિંગ રોડની એક તરફનો જમીનનો મોટો પટ્ટો શ્રીધર ગ્રૂપે ખરીદી અહીં 10થી વધુ ફ્લેટની સ્કીમો પણ મૂકી હોવાનું આઈટી વિભાગના સૂત્રોનું કહેવું છે. અગાઉ વર્ષો પહેલાં શ્રીધર ગ્રૂપ પર માત્ર આઈટીનો સરવે થયો હતો. પહેલી વખત અજય શ્રીધરને ત્યાં ઈન્કમટેક્સનું સર્ચ થયું હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. એફોર્ડેબલ હાઉસિંગની પણ શ્રીધરે મોટી સંખ્યામાં સ્કીમો લોન્ચ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post