• Home
  • News
  • કોરોનાના હોટસ્પોટ ગણાતા જમાલપુરમાં જૂનના 23માંથી 12 દિવસ એકપણ નવો કેસ નોંધાયો નથી
post

શહેરમાં નવા 225 કેસ અને 11નાં મોત, સતત ત્રીજા દિવસે 250થી ઓછા કેસ, 30 એપ્રિલ પછી પહેલીવાર મૃત્યુઆંક 12 નીચે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:55:09

અમદાવાદ: કોરોનાના હોટ સ્પોટ તરીકે ઓળખાતા જમાલપુરમાં જૂનના છેલ્લા 23 દિવસમાંથી 12 દિવસ એક પણ કેસ આવ્યો નથી. એક સમયે અહીં 24 કલાકમાં 86 કેસ આવતા હતા અને અત્યાર સુધી 967 કેસ આવી ચૂક્યા છે. તેમજ 144 લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ હવે આ વિસ્તાર કોરોનાના સંક્રમણથી મુક્ત થઈ રહ્યો છે. આ જ રીતે કોરોનાના સૌથી વધુ કેસ તરીકે પંકાયેલા મધ્ય ઝોનમાં પણ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 225 પોઝિટિવ અને 11 લોકોના મૃત્યુ નોંધાયા હતા. છેલ્લે 30 એપ્રિલે 12 મોત નોંધાયા હતા. 

ખાસ કરીને મધ્ય ઝોનમાં વિશેષ રીતે તમામ અર્બન હેલ્થ સેન્ટર પર તપાસ અભિયાન તેજ કરવામાં આવ્યું હતું. ધન્વતરી આરોગ્ય રથ પણ સમગ્ર વિસ્તારમાં દોડાવીને લોકોની તપાસ થઇ હતી. આ સિવાય નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવવામાં આવી જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. જ્યારે શહેરના પશ્ચિમ ઝોનમાં બુધવારે એક જ દિવસમાં 51 કેસ નોંધાયા હતા.

શહેરમાં કુલ કેસની સંખ્યા 20 હજાર નજીક પહોંચી
શહેરમાં આજે નવા 225 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ 13 જેટલા કેસો નોંધાયા હતા. આ ઉપરાંત શહેરમાં 11 જેટલા નાગરિકોના મોત નિપજ્યાં હતા જ્યારે ગ્રામ્ય એક દર્દી મળીને અમદાવાદમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા હતા. શહેરમાં કુલ કેસની સંખ્યા 19839 પર પહોંચી હતી. જ્યારે મૃતકોની સંખ્યા પણ 1390 પર પહોંચી હતી.

ધોળકામાં 5 સહિત જિલ્લામાં 13 કેસ અને એકનું મોત
અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવના 13 કેસ નોંધાયા હતા. ધોળકામાં એક પુરુષનું મોત થયું હતું. આ સાથે મોતનો આંકડો 52 પર પહોંચ્યો છે. આજે નોંધાયેલા કેસોમાં જિલ્લાના દસ્ક્રોઇ 1, ધોળકા 5,  સાણંદ 4 અને વીરમગામમાં 3  પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા 759 અને મોતનો આંકડો 52 પર પહોંચ્યો છે. 

સમીક્ષા માટે કેન્દ્રીય ટીમ આજે અમદાવાદ આવશે 
ગુજરાતમાં અનલૉક બાદ કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે સાથે ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓની એક ટીમ શુક્રવારે અમદાવાદ તેમજ ગુજરાતની મુલાકાતે આવી રહી છે. આ ટીમ વિવિધ સ્થળોની મુલાકાત લેશે અને મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજીની કોરોના સંક્રમણની સ્થિતિ અને રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થાની સમીક્ષા કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post