• Home
  • News
  • MS યુનિ.ની લાલિયાવાડી:કોમર્સ ફેકલ્ટીમાં 15 હજાર વિદ્યાર્થી પરીક્ષા પૂર્ણ થયાના 102 દિવસ બાદ પણ પરિણામથી વંચિત, આંદોલનની ચીમકી
post

ડેટા એન્ટ્રીમાં વિલંબ થતાં પરિણામ જાહેર થયું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-30 18:16:49

વડોદરા: નેક A+ ગ્રેડ ધરાવતી વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સિટીની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના પ્રથમ સેમેસ્ટરનું પરિણામ 102 દિવસ બાદ પણ જાહેર કરાયું નથી. આ ઉપરાંત બીજા વર્ષના ત્રીજા સેમેસ્ટરનું પરિણામ પણ 90 દિવસ બાદ જાહેર કરાયું નથી. બંને વર્ષના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની રાહ જોઇ રહ્યા છે. પરિણામ જલદી જ જાહેર નહીં થાય તો ABVPએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કોમર્સ ફેકલ્ટીના વિધાર્થીઓએ કહ્યું, બીજા વર્ષના ત્રીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું નથી અને ચોથા સેમેસ્ટરની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે.

યુનિવર્સિટી માત્ર કાગળ પર ચાલે છે
ABVP
ના વિદ્યાર્થી નેતા અક્ષય રબારીએ જણાવ્યું હતું કે એમ.એસ.યુનિવર્સિટીમાં પહેલીવાર આવું બન્યું નથી, આવું ઘણી વખત બન્યું છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા તો આપે છે, પરંતુ 100થી 110 દિવસ સુધી રિઝલ્ટ આવતું નથી. જેથી વિદ્યાર્થીઓને આગળ શું કરવું એની ખબર પડતી નથી. એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી માત્ર દેખાડા કરવામાં, A+ ગ્રેડ લાવવામાં અને મોટા મોટા કાર્યક્રમો કરવામાં કરવામાં જ રહી ગઈ છે અને વિદ્યાર્થીઓની ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિનું ધ્યાન રાખતી નથી. એમ.એસ.યુનિવર્સિટીમાં સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી છે. ત્યાં જ આવું ચાલે છે. આટલી મોટી યુનિવર્સિટી માત્ર કાગળ પર જ ચાલી રહી હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન થઇ રહ્યા છે. હવે રિઝલ્ટ જાહેર નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

યુનિવર્સિટી તંત્ર ઊંઘે છે
કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી જયદત્ત જોશીએ જણાવ્યું હતું કે ફર્સ્ટ યર અને સેકન્ડ યરના રિઝલ્ટ ડિકલેર કરવામાં આવ્યાં નથી. યુનિવર્સિટી તંત્રને વિદ્યાર્થીઓની જરા પણ ચિંતા ન હોય એમ લાગી રહ્યું છે. યુનિવર્સિટીના વીસી શું કરી રહ્યા છે?. યુનિવર્સિટીનું એક્ઝામિનેશન સેન્ટર શું કરી રહ્યું છે? 100-100 દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. યુનિવર્સિટી તંત્ર ઊઘતી હોય તેમ જણાઇ રહ્યું છે. કોમર્સ ફેકલ્ટી એશિયાની સૌથી મોટી ફેકલ્ટી ગણાય છે, જ્યાં આવા પ્રશ્નો અવારનવાર આવતા હોય છે. યુનિવિર્સિટીમાં 45થી 60 દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાનો નિયમ છે છતાં સમયસર રિઝલ્ટ જાહેર કરાયું નથી.

તો આંદોલન કરીશું
કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી દીપ પુરાણીએ જણાવ્યું હતું કે જે રીતે એફવાયનું ફર્સ્ટ સેમેસ્ટર અને એસવાયનું થર્ડ સેમિસ્ટરનું રિઝલ્ટ આવ્યું નથી, જે સાબિત કરે છે કે યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે. આગામી દિવસોમાં રિઝલ્ટ જાહેર નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.

ડેટા એન્ટ્રીમાં વિલંબ થતાં પરિણામ જાહેર થયું નથી
કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડેટા એન્ટ્રીમાં વિલંબ થતાં પરિણામ સમયસર જાહેર કરી શક્યા નથી. કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ વધુ છે, અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે, જેથી પરિણામોમાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામ વહેલીતકે જાહેર થાય તેવા પ્રયાસો યુનિવર્સિટી તંત્ર કરી રહ્યું છે

 

adv

Related News

post
post
post
post
post
post
post