• Home
  • News
  • પ્રેમસંબંધની પતિને ખબર પડશે તો છૂટાછેડાના ડરથી પ્રેમી પર ખોટો બળાત્કારનો આરોપ મૂક્યો, હેલ્પલાઇને હકારાત્મક સમાધાન કરાવ્યું
post

યુવતીને ફરિયાદ કરવાનું કહેતાં મહિલા હેલ્પલાઇન સમક્ષ યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું સ્વીકાર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 11:26:11

શહેરમાં અનેક બળાત્કારના કિસ્સા સામે આવે છે, જેમાં ઘણા કિસ્સામાં બંને વચ્ચે પ્રેમપ્રકરણ હોય છે અને બાદમાં કોઈ વાંધો પડતાં યુવતી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતી હોય છે. આવા કિસ્સામાં યુવકની જિંદગી બરબાદ થઈ જતી હોય છે, પરંતુ ક્યારેક સાચી સમજાવટથી કેટલાક યુવકોની જિંદગી પણ બચી શકે છે. મહિલા હેલ્પલાઇનને અમદાવાદ ગોતા વિસ્તારમાં રહેતા યુવક પર 19 વર્ષીય પરિણીતાએ યુવક સામે ઘરમાં ઘૂસી બળાત્કારના કોશિશની ફરિયાદ કરી હતી. મહિલા હેલ્પલાઇને પરિણીતાને સાચી હકીકત પૂછતાં બંને વચ્ચે પ્રેમસંબંધ છે અને અવારનવાર મળતાં હતાં. દરમિયાન કોઈ સંબંધી જોઈ જતા પતિ સાથે છૂટાછેડા ન થાય અને તેને પિયર ન જવું પડે એના માટે યુવક પર બળાત્કારની કોશિશનો આરોપ મૂક્યો હતો.

8 મહિના પહેલાં જ બંનેનાં લગ્ન થયાં હતાં
મહિલા હેલ્પલાઇન 181 અભયમને કોલ મળ્યો હતો કે ગોતા વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતા પતિ સાથે રહે છે. 8 મહિના પહેલાં જ બંનેનાં લગ્ન થયાં હતાં. પાછળના મોહલ્લામાં રહેતો યુવક છેલ્લા ચાર મહિનાથી હેરાન કરતો હતો અને વારંવાર ફોન કરતો હતો. એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી ત્યારે યુવક ઘરમાં આવ્યો હતો અને તેની પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે પરિણીતાને યુવક સામે ફરિયાદ કરવાનું કહ્યું હતું, જેથી યુવતી ગભરાઈ ગઈ હતી.

પાછળના મહોલ્લામાં રહેતા યુવક સાથે ચાર મહિનાથી સંબંધ હતા
આ બાબતે હેલ્પલાઇનની ટીમે યુવતીને ગભરાયા વગર સત્યતા અંગે પૂછતાં તેણે કહ્યું હતું કે મારી વાત કોઈને કહેતા નહિ, હું મોટી તકલીફમાં મુકાઈ જઈશ, જેથી હેલ્પલાઇનના કર્મીઓએ તેમને સાંત્વના આપી પૂછતાં પરિણીતાએ જણાવ્યું હતું કે પાછળના મહોલ્લામાં રહેતા યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી સંબંધ છે અને અવારનવાર તેઓ આ રીતે મરજીથી મળતાં હતાં. કોઈ સંબંધી તેમને ઘરની બહાર નીકળતા જોઈ ગયા હતા, જેથી પતિ તેમને છૂટાછેડા આપી દેશે એવા ડરથી તેણે સાચી હકીકત છુપાવી અને પ્રેમી પર ખોટો આરોપ મૂક્યો હતો.

સમાધાન લાવવા મહિલા હેલ્પલાઇનને વિનંતી કરી હતી
પ્રેમનો ભાંડો ફૂટી જશે અથવા અન્ય કોઈ રીતે પતિને જાણ થશે તો પિયર મોકલી દેશે. માતા-પિતાને પણ જાણ થશે તો આ રીતે તકલીફમાં મુકાઈ જશે, જેથી આ સમગ્ર બાબતનું કોઈને જાણ ન થાય એ રીતે સમાધાન લાવવા મહિલા હેલ્પલાઇનને વિનંતી કરી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવક અને પરિવારજનો સાથે વાતચીત કરી, હવે સંબંધ ન રાખવા અને ફોન-મેસેજ ન કરવા સમજાવી સમગ્ર સમસ્યાનું હકારાત્મક સમાધાન લાવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post