• Home
  • News
  • હવામાન વિભાગની આગાહી:રાજ્યમાં પવનની ગતિ વધશે, 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો
post

આગામી 48 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 19:23:02

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી માસના અંત સુધી શિયાળાની અસર રહેતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી માસ શરૂ થતા જ ગરમીની શરૂઆત થઇ હોય તેવો અનુભવ થાય છે. ફેબ્રુઆરી માસમાં ફક્ત એકથી બે વખત જ રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ થયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ આગામી 48 કલાક બાદ ફરી એકવાર ઠંડીનો અહેસાસ થઈ શકે છે. જે આ વર્ષ માટે ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે.

24 કલાકમાં પવનની ગતિ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે
હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને આગાહી કરી છે કે, પાંચ દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ સુકુ રહેશે. કોઈ પણ જિલ્લામાં વરસાદની સંભાવના નથી, પરંતુ 48 કલાક બાદ ફરી એકવાર સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. ગુજરાત રાજ્ય પર આવતા પવનોની દિશા બદલાવવાને કારણે રાજ્યભરના મોટાભાગના શહેરોના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ઉત્તર ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ તરફથી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના શહેરોમાં ઉત્તરપશ્ચિમ દિશા તરફથી પવનની ગતિ રહેશે. ગુજરાતના બંને ભાગો પર આગામી 24 કલાકમાં પવનની ગતિ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે ગુજરાતના બાકીના ભાગોમાં એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 8થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ઉત્તર પૂર્વ તરફથી ગુજરાત પર પવનો ફૂંકાશે
આગામી 48 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. ત્યાર બાદ તાપમાન અંશતઃ વધારો થશે. કલાક બાદ તાપમાનમાં ઘટાડો થવાનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર પશ્ચિમ તરફથી છે, પરંતુ 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ઉત્તર તરફથી પવનો આવશે. જેને કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે, પરંતુ ત્યાર બાદ ફરીએકવાર પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ તરફથી ગુજરાત પર પવનો ફૂંકાશે. જેથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે.

બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન વિશે જણાવતા હવામાન વિભાગે કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ 20.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યભરમાં સૌથી લઘુત્તમ તાપમાન ધરાવતા બે શહેરોમાં નલિયા અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સિવાય ગુજરાતના મુખ્ય શહેરો એવા વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 21.4 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં 19.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post