• Home
  • News
  • વડોદરામાં માતા-પુત્રીનાં ભેદી મોત:સસરાએ વલોપાત કરતાં કહ્યું - પગાર ઓછો હોવાથી ઘરજમાઈ રાખ્યો, તોય તેજસે આવું કેમ કર્યું?
post

મહિલાના પતિને એસએસજીમાં મેડિકલ પરીક્ષણ માટે લઈ જવાયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-13 10:16:46

શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં ભેદી મોત થયાં બાદ હજી પણ પરિવાર શોકમગ્ન છે. મંગળવારના રોજ શોભનાબેનના પિતા ચંદ્રકાંતભાઈ બારિયા પોતાના જમાઇ તેજસ વિશે જણાવ્યું હતું કે મેં તેજસને દીકરાની જેમ રાખ્યો હતો, પણ તેણે કેમ આવું કર્યું હશે એ સમજાતું નથી છતાં હજી અમે પોલીસની તપાસ પણ ભરોસો રાખી રહ્યા છીએ. હું શોભનાને બે દિવસ અગાઉ મળ્યો હતો, પણ તેને કોઈ વાતનું દુ:ખ હોય એવું સહેજ પણ જણાતું ન હતું.

તેજસ અને શોભના વર્ષ 2013થી વડોદરામાં જુદાં રહેતાં હતાં, પણ તેનો પગાર ઓછો હોવાથી વર્ષ 2016માં મેં જ તેમને ઉપરના ત્રીજા માળે ઘરજમાઇ તરીકે રાખી જુદી વ્યવસ્થા કરી આપી હતી, જેથી તેમને ભાડું ભરવું પડે નહીં અને દીકરીને એ રીતે મદદ થાય.

જ્યારે માતા વિમળાબેને કહ્યું હતું કે રવિવારના રોજ સવારે તે દૂધ લેવા નીચે આવી હતી ત્યારે મારે તેની સાથે વાત થઇ હતી, પણ એ અમારી છેલ્લી વાતચીત હતી. ત્યાર બાદ કોઇ વાત થઇ ન હતી.પરિવારે એમ પણ જણાવ્યું હતું કે તેજસનો ફોન પોલીસે જપ્ત કર્યો છે અને તેણે પોલીસને તે પાસવર્ડ ભૂલી ગયો હોવાનું જણાવ્યું છે. જો તેની કોલ- ડિટેઇલ હિસ્ટરી કાઢવામાં આવે તો બીજા ઘટસ્ફોટ પણ થઈ શકે તેમ છે.

બીજી તરફ, શોભનાના ભાઈ જિતેન્દ્રે જણાવ્યું હતું કે મારાં બહેન (શોભના)ને કોઈપણ વાતની જરૂરિયાત હોય તો તે મને કહેતી હતી, પણ તેણે આ દિવસો દરમિયાન એવી કોઈ વાત પણ કરી ન હતી. હાલમાં અમે પોલીસ તપાસ અને તેના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે પટેલ પરિવાર પંચમહાલના નાંદરવાનો છે, જ્યારે તેજસનું વતન ત્યાંથી 15 કિલોમીટરના અંતરે આવેલું એરંડી ગામ છે. શોભના અને કાવ્યાની વતન નાંદરવા ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.

પરિવારજનોનું કહેવું હતું કે જો તેમને કોઈ વાતે મનદુઃખ હોત કે કોઈ વાતે ઓછું હોત તો અમને વાત કરવી જોઈતી હતી. છૂટાછેડાની ઈચ્છા હોત તોપણ વાત કરી હોત તો ચોક્કસ અમે કોઈ રસ્તો કાઢ્યો હોત. જે કાંઇ થયું એ ખૂબ જ ખોટું થયું છે. હવે અમે તેના કોઈ પરિવાર સાથે ક્યારેય કોઈપણ પ્રકારનો સંબંધ રાખીશું નહીં. પોલીસ સત્ય બહાર લાવશે જ એવો તેમણે વિશ્વાસ જાહેર કર્યો હતો.

માતા-પુત્રીનાં રહસ્યમય મોતમાં અંતે હત્યાની થિયરી પર તપાસ
ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસ હત્યાની થિયરી પર તપાસ કરી રહી છે. પોલીસની ટીમોએ મંગળવારે મોડી રાત સુધી મહિલાનાં પતિ અને પરિવારજનોની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. બીજી તરફ, પોલીસ સ્ટેશને પહોંચેલા પાડોશીઓને પોલીસે પાછા કાઢ્યા હતા. બુધવાર સવાર સુધીમાં આ બનાવમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાત્રે 12 વાગ્યે માતા-પુત્રી ગરબા રમીને ઘરે આવ્યાં બાદ બંનેનાં મોત થયાંનું જાણવા મળ્યું હતું.

ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા.

આ કેસમાં માતા-પુત્રીએ ઝેર પીધું કે કોઈએ આપ્યું હતું એની તપાસ શરૂ કરાઈ હતી. આ કેસમાં વિસેરાનો રિપોર્ટ આવે ત્યારે નવી માહિતી બહાર આવી શકે તેમ છે. બીજી તરફ, પ્રાથમિક પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે ઝેર પીવાથી મોત થયું છે. તપાસમાં ઉંદર મારવાની દવા પણ પોલીસને મળી હતી. બીજી તરફ સમા પોલીસે મંગળવારે દિવસભર મહિલાનાં પતિ અને પરિવારજનોની ઊલટ પૂછપરછ શરૂ કરી હતી અને હત્યા છે કે આત્મહત્યા છે કે એ દિશામાં તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે હત્યાની થિયરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહિલાના પતિ તથા પરિવારની પૂછપરછ કરાઇ રહી છે અને વિવિધ એંગલ પર તપાસ કરાઈ રહી છે.

મહિલાના પતિને એસએસજીમાં મેડિકલ પરીક્ષણ માટે લઈ જવાયો
દરમિયાન પોલીસસૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંગળવારના રોજ મહિલાના પતિને પણ મેડિકલ પરીક્ષણ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને તેનું પરીક્ષણ કરાવાયું હતું. પોલીસ વિસેરાના રિપોર્ટની પણ રાહ જોઇ રહી છે. વિસેરાનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે ચોક્કસ જાણકારી મળી શકશે. જોકે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ઝેર પીવાથી મોત થયાનું જણાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post