• Home
  • News
  • મોટેરા સ્ટેડિયમમાં પેવેલિયનની ટોચ સુધી જવા 197 પગથિયાં ચઢવા પડશે
post

સ્ટેડિયમમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારી સહિત સરકારી અધિકારીઓનું પણ ચેકિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-22 09:24:51

અમદાવાદ: ન્યૂઝઓનલાઈન શુક્રવારે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યું હતું. સ્ટેડિયમમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પોલીસ જ પોલીસ જોવા મળી હતી. મેટલ ડિટેક્ટરમાંથી પસાર થતા પહેલા સ્ટેડિયમની અંદર બંદોબસ્તમાં જતા પહેલા પોલીસ કર્મચારી, સરકારી અધિકારી, ખાનગી વ્યક્તિ કે કામદાર તમામના આઇકાર્ડ તપાસમાં આવે છે. ગેટની અંદર એન્ટ્રી લીધા પછી ઊભી રહેલી પોલીસ દ્વારા જે તે વ્યક્તિ પાસેની આખેઆખી બેગ ખાલી કરાવી તેની પણ તપાસ કરવામાં આવે છે. ત્યાંથી આગળ વધો એટલે 21 પગથિયાં ચઢીને સ્ટેડિયમના ખુલ્લા પેસેજ સુધી પહોંચ્યું હતું. ત્યાંથી 36 પગથિયાં ચઢો એટલે સ્ટેડિયમના વચ્ચેના ભાગે પહોંચી શકાય. જ્યાંથી નીચેના ફ્લોર કે ઉપરના ફ્લોર પર જઈ શકાય. જુદા જુદા નંબરો આપીને પેવેલિયનને અલગ અલગ ભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે. છેક ઉપર જઈને સ્ટેડિયમનો વ્યૂ જોવા માટે અમારે 140 પગથિયાં ચઢવા પડ્યાં હતા. આમ, સ્ટેડિયમના પ્રવેશદ્વારેથી છેક પેવેલિયનમાં ટોચ સુધી જવા કુલ 197 પગથિયાં ચઢવા પડે છે.


નીચેના ભાગે ટ્રમ્પ અને મોદી માટે 20 ફૂટનો સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે

હાલમાં અહીં હજુ તૈયારીઓ બાકી છે પણ મુખ્ય પ્રવેશદ્વારની બિલકુલ સામે એટલે કે પાછળના ભાગેથી ટ્રમ્પની એન્ટ્રી છે. આ એન્ટ્રી છે ત્યાં સ્ટેડિયમની અંદર જીસીએ (ગુજરાત ક્રિકેટ એસોસિયેશન) લખવામાં આવ્યું છે. નીચેના ભાગે ટ્રમ્પ અને મોદી માટે 20 ફૂટનો સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે અને તેની ઉપર બાજુએ મોટી એલસીડી સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. સાઉન્ડ ચેકિંગની પણ તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે સ્ટેડિયમના દરેક ખૂણા ચેક કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ રાઉન્ડ ધ ક્લોક તપાસ કરી રહી છે. જ્યાં એક લાખ લોકો માટે બેસવાની જે ખુરશીઓ છે તેની હજુ સફાઈ પણ કરવામાં આવી નથી. પેવેલિયનના દરેક બોક્સમાં પોલીસ બેસાડી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં ચારે બાજુ ગળામાં પાસ લટકાવીને અધિકારીઓ દોડતા અને બૂમો પાડતા નજરે પડી રહ્યાં છે.

ગેટ પર દરેક ગાડીનું ચેકિંગ થતું હોવાના કારણે લાલ લાઇટવાળી સરકારી ગાડીઓની લાઈનો લાગે છે. વળી મુખ્ય ગેટ પર લોકો પણ સ્ટેડિયમનો નજારો જોવા અંદર જવા ટિકિટ ક્યાંથી મળશે તેવા સવાલો પૂછે છે અને આસપાસના દરેક ગલ્લા, ચ્હાની કીટલીઓ પર ખાખી વર્દીધારી લોકો ખાતા-પીતા જોવા મળે છે. સોસાયટીઓ અને ચાલીઓના લોકો ઘરોમાંથી બહાર આવીને પોતાના ઘર આગળ પાર્ક કરેલી ગાડીઓ દૂર કરવા બૂમો પાડે છે. ટોઈંગવાન શોધવા લોકો નીકળ્યા છે કે તેમના ઘર બહાર પાર્ક કરેલી પોલીસની ગાડીઓ ટો થઈ જાય.


સ્ટેડિયમની પાછળની બાજુએ આવેલા ક્લબ હાઉસમાં પણ વીવીઆઈપીનું પાર્કિંગનું કામ ચાલી રહ્યું છે જ્યારે ટ્રમ્પ જે રૂટ પરથી આવવાના છે ત્યાં આવેલી સ્કૂલ જર્જરિત હોવાથી તેને પણ ઢાંકી દેવા માટે મોટાં હોર્ડિંગ્સ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


મ્યુનિ.ની 12 સ્કૂલના 300 વિદ્યાર્થી પર્ફોર્મન્સ આપશે
ટ્રમ્પ અને મોદીના રોડ શૉ દરમિયાન મ્યુનિ. સંચાલિત 12 સ્કૂલોનાં 300 બાળકો પર્ફોર્મન્સ આપશે. ભાગ લેનારી દરેક સ્કૂલોના મુખ્ય શિક્ષકોના પત્ર લખીને સ્ટેડ નંબર અને પર્ફોર્મન્સ આપવાનો સમય આપી દેવામાં આવ્યો છે.


મોટેભાગે દરેક સ્કૂલનું પર્ફોર્મન્સ 6થી 10 મિનિટનું રહેશે. વિદ્યાર્થીઓને કયા સમયે સ્ટેજ પાસે લાવવા અને કેટલા સમય સુધી રોકાવવાનું રહેશે તેની સૂચના આવનારા સમયમાં અપાશે, પરંતુ અત્યારે તમામ સ્કૂલોને પોતાની કૃતિઓ આધારિત પ્રેક્ટિસ કરવાની સૂચના અપાઇ છે.


અમેરિકન કોન્સ્યુલેટ અમદાવાદમાં પણ આપો
ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સાત ટ્વિટ કરીને સ્વાગત કરવા સાથે એવી માગ કરી છે કે, બિન-અધિકૃત ગુજરાતીઓને અમેરિકામાં કાયમી સિટીઝનશિપ મળવી જોઇએ. ઉપરાંત અમદાવાદમાં અમેરિકન કોન્સ્યુલેટ શરૂ કરવાની મંજૂરી,ગુજરાતીઓને અમેરિકન વિઝા ફ્રી કરવા, ભારતને પુન: વિકાસશીલ દેશનો દરજ્જો આપવા, ભારતને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સમાવવા વીટો વાપરે,પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરે, અરુણાચલની સરહદ મુદ્દે ચીનને ચિમકી આપે તેવી રજૂઆત કરી હતી.


સ્ટેડિયમ પાસેની સોસાયટીમાં વર્ષોથી રોડ નહીં બનાવાતા રોષ
મોટેરા સ્ટેડિયમની પાછળ આવેલી શિવનગર સોસાયટીના રહીશો વર્ષોથી રોડ અને ગટર લાઇનથી વંચિત છે. મ્યુનિ.ને અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં રસ્તો ન બનાવી આપતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અંજલિબેન ઠાકોર જણાવ્યું હતું કે, મોટેરામાં વર્ષો જૂની શિવનગર સોસાયટી છે. અમારી સોસાયટીમાં ગટરલાઇન, રોડ કે સ્ટ્રીટ લાઇટની કોઇ સુવિધા નથી. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને અસંખ્ય વખત રજૂઆત કરી છે, પરંતુ તંત્ર અમારી સમસ્યા સાંભળતું નથી. ટ્રમ્પ આવવાના હોવાથી રાતોરાત સમગ્ર વિસ્તારમાં સારા રસ્તા બનાવ્યા જ્યારે અમારી સોસાયટીના મુખ્ય દરવાજા સુધી જ રોડ બનાવ્યો છે.


સ્ટેડિયમમાં શુક્રવારથી જ પાણીના જગ મૂકવાનું શરૂ કરી દેવાયું
24
ફેબ્રુઆરીએ સ્ટેડિયમમાં આવનારા 1 લાખ લોકો માટે પાણીની વ્યવસ્થા શુક્રવારથી જ શરૂ કરી દેવાઈ છે. સ્ટેડિયમની અંદર અને બહાર અંદાજે 20 હજાર જેટલા જગ મૂકવાના હોવાથી કાર્યક્રમના આગલા દિવસે પહોંચી વળાય તેમ ન હોવાથી શુક્રવારથી જગ મૂકી દેવાના ફેરા શરૂ કર્યા છે. 24મીએ કાર્યક્રમના દિવસે કોઈપણ પ્રકારની કામગીરી કરવા માટે પોલીસે મનાઈ ફરમાવી છે. આ ઉપરાંત 1 શ્રમિક 1 જ જગ ઊંચકી શકે તેવા હોવાથી 3 દિવસ પહેલા જ સ્ટેડિયમમાં જગ મૂકવાનું શરૂ કરી દેવાયું છે. મ્યુનિ. દ્વારા પોતાના જ પ્લાન્ટમાં દોઢ લાખ લિટર પાણી રિફાઇન કરવાનું શરૂ કર્યું છે.


ચાલીઓમાં આડેધડ વ્હીકલ પાર્ક કરી દેવાતાં મહિલાઓનો હોબાળો
મોટેરા સ્ટેડિયમમાં ગુરુવારથી 3 હજારથી વધુ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. જેના કારણે બંદોબસ્તમાં આવનારા મોટાભાગના પોલીસ કર્મચારીઓ પોતાના વ્હીકલ સ્ટેડિયમની સામે તરફ આવેલી ચાલીઓ અને સોસાયટીઓમાં પાર્ક કરી દેતા સ્થાનિક મહિલાઓએ શુક્રવારે હોબાળો મચાવ્યો હતો. મહિલાઓનો આક્ષેપ હતો કે, આડેધડ વ્હીકલ પોતાના ઘરની બહાર પાર્ક કરી દીધા હોવાને કારણે તેઓ બહાર પણ નીકળી શકતા નથી અને તેમના પોતાના વ્હીકલ પાર્ક કરવા માટે જગ્યા મળતી નથી. જૂના સ્ટેડિયમમાં મેચ ચાલતી ત્યારે પણ આવી સ્થિતિ ઊભી થતી ન હોવાનું મહિલાઓએ કહ્યું હતું.


ટ્રમ્પના કાફલા સુધી લોકો ઘૂસે નહીં તે માટે 5 ફૂટના બેરિકેડ લગાવાયા
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ થઈ કોટેશ્વર મંદિર તરફના રસ્તેથી સ્ટેડિયમ જશે. આ સમગ્ર વીઆઇપી રૂટ પર ડબલ બેરિકેડ મૂકવામાં આવ્યા છે. જોકે આખા રૂટ પર યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા પણ રેકી કરવામાં આવી હતી અને બેરિકેડ અંગે જરૂરી સુધારા વધારા કરવા માટે સૂચના આપવામાં આવી હતી જેને પગલે શુક્રવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર રૂટના બેરિકેડનું નિરિક્ષણ કરાવામાં આવ્યું હતું અને 5 ફૂટથી વધુ હાઇટના બેરિકેડ ઊભા કરવામાં આવ્યા હતા, જેના કારણે રોડ શો જોવા આવેલા કોઈપણ લોકો ટ્રમ્પના કાફલા સુધી ધસી જાય નહીં.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post