• Home
  • News
  • ચૂંટણી પહેલાં જ દોડશે મેટ્રો:2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના 32 કિલોમીટર સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નવો ટાર્ગેટ
post

ગાંધીનગરની 28 કિલોમીટરની મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ 2021માં શરૂ કરી 2023 સુધીમાં પૂર્ણ કરવા માટેનું પણ આયોજન

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 11:25:20

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો 17 વર્ષથી અટકેલો 32 કિલોમીટરનો મેટ્રો રેલ પ્રોજેકટ 2022ની વિધાનસભા ચૂંટણી સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જયારે ગાંધીનગરમાં 28 કિલોમીટરની મેટ્રો ટ્રેનનું કામ 2021માં શરૂ કરી 2023 સુધી પૂર્ણ કરવાની પણ તૈયારી થઈ ચૂકી છે.

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો રેલનો પ્રોજેક્ટ અતિ વિલંબિત થઇ ચૂક્યો છે. અમદાવાદમાં મેટ્રો રેલની યોજના 2003થી વિચારણામાં આવી હતી, જેને 17 વર્ષ પૂરાં થયાં છે, મેટ્રોનું કામ શરૂ થયા પછી પણ ચાર વર્ષનો વિલંબ થયો છે. જોકે અમદાવાદની મેટ્રો રેલના 32 કિલોમીટરનું કામ બે વર્ષમાં પૂર્ણ કરી 2022 સુધીમાં અમદાવાદના મુસાફરો મેટ્રોમાં સફર કરી શકે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે

અત્યારસુધીમાં માત્ર છ કિલોમીટરની જ મેટ્રો રેલ શરૂ થઈ
આ પ્રોજેક્ટ અમલમાં મુકાયા બાદ મેટ્રો રેલનું કામ 2018માં પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ હતો, પરંતુ અત્યારસુધીમાં માત્ર છ કિલોમીટરની જ મેટ્રો રેલ શરૂ થઇ ચૂકી છે. 2003માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નક્કી કરવામાં આવી હતી. બીજી વખત જ્યારે 2007માં વિચાર કર્યો ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ 8000 કરોડ થવાની હતી.

વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને 12787 કરોડ થઈ ચૂકી છે
2014
માં મેટ્રો રેલના પ્રોજેક્ટની કોસ્ટ 10773 કરોડ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને 12787 કરોડ થઇ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે એટલો ખર્ચ વધી રહ્યો છે. હવે કંપનીએ 2022માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવાનો ટાર્ગેટ રાખ્યો છે.

ગાંધીનગરની મેટ્રો રેલનું કામ 2021માં શરૂ થશે
તો બીજી તરફ અમદાવાદની મેટ્રો રેલને ગાંધીનગર સુધી લંબાવવાની યોજના બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ વિલંબ થયો છે. ગાંધીનગરની મેટ્રો રેલનું કામ 2021માં શરૂ થશે અને 2023માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જોકે નિર્ધારિત 6700 કરોડનો ખર્ચ વધીને 7000 કરોડને પાર જાય એવી સંભાવના જોવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં મેટ્રો માર્ગની કુલ લંબાઈ 34 કિલોમીટર હતી, પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રો રૂટની લંબાઈ 28. કિ.મી. સુધીની કરવામાં આવી છે. તેમાં બે કોરિડોર હશે-પ્રથમ 22.84 કિલોમીટરની લંબાઇ મોટેરાને મહાત્મા મંદિર સાથે જોડાશે અને બીજી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી 5.42 કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડશે. કેન્દ્રએ બીજો તબક્કો મંજૂર કર્યો છે, પરંતુ કોરોનાને કારણે કામ શરૂ થઇ શક્યું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post