• Home
  • News
  • પહેલી વાર વાવાઝોડાથી ઓડિશામાં એક પણ મોત નહીં, 4300 મહિલા જૂથે મોરચો સંભાળ્યો
post

મહિલાઓની મદદ કરતી કર્મચારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:57:59

કટક: 1999માં આવેલા વાવાઝોડામાં ઓડિશામાં 10 હજાર મોત થયાં હતાં. ત્યારથી સતત અસરકારક પગલાંનું પરિણામ એ છે કે અમ્ફાન જેવા વાવાઝોડા સામે રાજ્ય પૂરી તૈયારી સાથે લડ્યું અને એક પણ મોત નથી થયું. પહેલી વાર 4300 મહિલા જૂથો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જોડાયાં. તંત્ર અને લોકોના યોગદાનથી કેવી રીતે વાવાઝોડા સામે જીત મેળવી તે વાંચો...


24
કલાકમાં અમે 12 જિલ્લામાં શેલ્ટરમાં ફેરવી શકાય તેવાં 7092 મકાનની ઓળખ કરી
13 મેએ હવામાન વિભાગની અમ્ફાન વાવાઝોડાની ચેતવણી મળી. અમારી સામે બે સંકટ હતાં. અમે કોરોના સામે પહેલેથી ઝઝૂમતા હતા ત્યાં આ વાવાઝોડું આવી ગયું. 250 સાઇક્લોન શેલ્ટરને અમે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવી ચૂક્યાં હતાં, જેથી માત્ર 567 શેલ્ટર બચ્યાં હતાં. આ સંખ્યા બહુ ઓછી હતી, કેમ કે અમારે શેલ્ટર્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવાનું હતું. 24 કલાકમાં અમે 12 જિલ્લામાં શેલ્ટરમાં ફેરવી શકાય તેવાં 7092 મકાનની ઓળખ કરી લીધી. 18 મેની સાંજે અમે તમામ જિલ્લા અધિકારીઓને કહ્યું કે લોકોને સલામત સ્થળોએ પહોંચાડવાનું શરૂ કરી દો. પહેલી રાત્રે 15 હજાર લોકોને ખસેડાયા. 19 મેએ ભારે પવન ન ફૂંકાતાં 5-6 હજાર લોકો એમ કહીને પાછા ફરવા લાગ્યા કે વાવાઝોડું આવશે તો જતા રહીશું. આ રીતે કામ ચાલે તેમ નહોતું. તેથી તમામ અધિકારીઓને નિર્દેશ અપાયો કે દરેક વ્યક્તિને સમજાવીને લાવો. ન માને તો પોલીસની મદદ લો. આ રીતે 19 મેની બપોર સુધીમાં કુલ 35 હજાર લોકોને ખસેડી શકાયા. રાત્રે 9 વાગ્યા સુધીમાં સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઇ. હજુ વધારે લોકોને ખસેડવાના બાકી હતા. રાત્રે જ ગામડાંમાં જાહેરાત કરી 84 હજાર લોકોને એકત્ર કરી શેલ્ટરમાં ખસેડાયા. 


માસ્ક, ભોજન અને જરૂરી દવાઓની પણ વ્યવસ્થા કરી
ખાસ વાત એ હતી કે અમે લોકોને શેલ્ટર સુધી બસ, ટ્રક કે અન્ય કોઇ વાહનમાં નહીં પણ ચાલતાં જ લઇ ગયા, જેથી સંક્રમણનું જોખમ ન રહે. લોકોને તેમનાં કાચાં મકાનથી દોઢેક કિ.મી.ના વિસ્તારમાં જ રખાયા. આ ઓપરેશનમાં સૌથી મોટી તકલીફ એ હતી કે કોરોનાને કારણે પહેલાં અમે લોકોને એમ સમજાવતા હતા કે ઘરમાં રહેશો તો સ્વસ્થ રહેશો. હવે અમારે તેમને તેનાથી ઊલટું સમજાવવાનું હતું કે ઘરમાંથી શેલ્ટરમાં જશો તો સલામત રહેશો. શરૂમાં લોકો નહોતા માનતા. પછી તેમને સમજાવ્યા કે શેલ્ટરમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથોસાથ હાથ ધોવાની પૂરી વ્યવસ્થા હશે, માસ્ક, ભોજન અને જરૂરી દવાઓની પણ વ્યવસ્થા હશે. આ રીતે અમે બે લાખથી વધુ લોકોને શેલ્ટરમાં પહોંચાડી દીધા. સામાન્ય રીતે આટલા લોકોને 400 શેલ્ટરમાં રખાય છે પણ કોરોનાને કારણે તેમને 4316 શેલ્ટરમાં રખાયા. આટલાં શેલ્ટર બનાવવાની સમસ્યામાંથી અમને પંચાયતો અને સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સની મહિલાઓએ ઉગાર્યા. અમે દરેક ગામમાં મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સની ટ્રેનિંગ શરૂ કરી. આ મહિલાઓને જ તમામ શેલ્ટર્સમાં રસોઇ બનાવવાની, ભોજન વહેંચવાની જવાબદારી સોંપાઇ. તેમનાં 4300 જૂથ આફતમાં અમારી પડખે રહ્યાં. અંદાજે 10 હજાર લોકોને બચાવ અને પુનર્વસન માટે કામે લગાડાયા. તેમાં ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 36 ટીમમાં 1 હજાર કર્મી હતા. સાથે ફાયર બ્રિગેડના 3 હજાર, વન વિભાગના દોઢ હજાર અને વીજળી-પાણી વિભાગના સાડા ત્રણથી ચાર હજાર લોકો હતા. હું તથા બીજા બે-ત્રણ વરિષ્ઠ અધિકારી સતત 48 કલાક ભુવનેશ્વરના રાજીવ ભવન સ્થિત કંટ્રોલ રૂમમાં સતત એક્ટિવ રહ્યા. 19-20ની રાત્રે અમારો 35-40 લોકોનો પૂરો સ્ટાફ ત્યાં જ અડીખમ રહ્યો. તે દરમિયાન રાત્રે અઢી વાગ્યે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ વાઇરલ થયા કે અમ્ફાન વાવાઝોડું ફંટાઇ ગયું છે. આ સમાચારથી અમારા હોશ ઊડી ગયા. મેં તરત ભુવનેશ્વરના હવામાન વિભાગમાં એચ. આર. વિશ્વાસ, દિલ્હીમાં ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રા અને પારાદીપમાં ડોપ્લર રડાર સેન્ટરના ઇન્ચાર્જ સાથે રાત્રે 3 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન 4 વખત વાત કરી. તેમણે વારંવાર કહ્યું કે વાવાઝોડાની દિશા, સમય અને રસ્તો જે જણાવાયા છે તે જ રહેશે. તેવું જ થયું. પહેલી વાર કોઇ મોટા વાવાઝોડામાં એક પણ મોત નથી થયું.


NDRF
ઓડિશા મોડલની જ દેણ છે 
20 વર્ષમાં ઓડિશા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મોડલ બન્યું છે. પહેલી વાર અહીં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રેપિડ એક્શન ફોર્સ બની. તેમાં આ વખતે મહિલાઓ પણ સક્રિય રહી. ઓડિશાના પગલે કેન્દ્રએ NDRF બનાવી.

adv

Related News

post
post
post
post
post
post
post