• Home
  • News
  • હવે ગુજરાતમાં પણ આંદોલન શરૂ થશે, ગાંધીનગરનો ઘેરાવ કરી આંદોલન દરમિયાન બેરિકેડ્સ તૂટશે: રાકેશ ટિકૈત
post

ભવિષ્યમાં સાબરમતી અને ગાંધી આશ્રમનું પણ નામ બદલાઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-05 11:35:11

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ટિકૈતે જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં પણ આંદોલન શરૂ થશે. આ આંદોલનમાં ગાંધીનગરનો ઘેરાવ કરીને ત્યાં પણ ટ્રેકટર સાથે બેરિકેડ્સ તોડવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

3 રૂપિયે કિલો તો ગોબર પણ મળતું નથી
ખેડૂત આગેવાને રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે ભાજપમાં અમારા કારણે ભય ફેલાઈ રહ્યો છે. અત્યારે ખેડૂત આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, ધરણાં શાંતિથી ચાલી રહ્યાં છે. ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે એ રીતે સમગ્ર દેશમાં પણ છીનવાઈ રહી છે. ગુજરાતના ખેડૂતોને પણ અનેક સમસ્યા છે પણ તેમની પાસે જબરદસ્તી ખોટું બોલાવાય છે. 3 રૂપિયે કિલો બટાટા મળવાની વાત છે, પરંતુ 3 રૂપિયે કિલો તો ગોબર પણ મળતું નથી. તો ખેડૂત શું કમાશે.

ગાંધીનગરનો ઘેરાવ કરીને બેરિકેડ્સ તોડવામાં આવશે
ગુજરાતના ખેડૂતોનો ડર દૂર કરવા આજે હું અહીં આવ્યો છું. આગામી સમયમાં ગાંધીનગરનો ઘેરાવ કરાશે અને આંદોલન ઉગ્ર બનાવીશું. ઘેરાવથી જ ગુજરાતના ખેડૂતો જાગ્રત થશે. હવે ટ્રેકટરનો ઉપયોગ માત્ર ખેતી માટે જ નહિ, પરંતુ આંદોલનમાં પણ કરાશે. ગાંધીનગરનો ઘેરાવ કરીને બેરિકેડ્સ તોડવામાં આવશે.

કોરોનાથી ડરતા નથી, આંદોલન ચાલુ જ રાખીશું
સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં સાબરમતી અને ગાંધી આશ્રમનાં પણ નામ બદલાઈ શકે છે. જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં કોરોના નથી હોતો અને જ્યાં આંદોલન ચાલુ હોય ત્યાં જ કોરોના આવે છે. અમે કોરોનાથી ડરતા નથી અને આંદોલન ચાલુ જ રાખીશું, એવું રાકેશ ટિકૈતે કહ્યું હતું.

રાકેશ ટિકૈતની મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ સક્રિય થયા
થોડા દિવસો પહેલાં ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પૂર્વ સી.એમ. શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના આગેવાન રાકેશ ટિકૈત તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે. આમાં રાકેશ ટિકૈતની મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ સક્રિય થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post