• Home
  • News
  • ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઝડપથી ફેલાય છે:ડેલ્ટા એક વ્યક્તિમાંથી 6માં, જ્યારે ઓમિક્રોન 35 વ્યક્તિમાં ફટાફટ ફેલાય છે, પણ હજુ એનાથી એકપણ મોત થયું નથી
post

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે હાલ એ વાતનો કોઈ પુરાવો નથી કે ઓમિક્રોનનાં લક્ષણો કોરોનાના અગાઉના વેરિયન્ટથી અલગ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-02 13:35:10

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને દુનિયાભરના વૈજ્ઞાનિક રિસર્ચમાં વ્યસ્ત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ઝડપથી ફેલાવવામાં સક્ષમ કોરોનાના આ નવા વેરિયન્ટ (B.1.1.529)ને વેરિયન્ટ ઓફ કન્સર્ન ઘોષિત કરાયા પછી જ દુનિયામાં ચિંતાની નવી લહેર પેદા થઈ છે. ઓમિક્રોનને દુનિયાભરમાં હોબાળો મચાવનાર ડેલ્ટા વેરિયન્ટથી પણ વધુ ઝડપથી ફેલાનારો વેરિયન્ટ કહેવામાં આવે છે. આનું કારણ એની ડેલ્ટાથી પણ વધુ ઝડપી મ્યૂટેશનની ક્ષમતા છે.

આવો, જાણ્યે કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન દુનિયાને પરેશાન કરી ચૂકેલા ડેલ્ટાથી કેટલો અલગ અને ખતરનાક છે? શા માટે ડેલ્ટાથી પણ વધુ શક્તિશાળી માનવામાં આવે છે કોરોનાનો આ નવો વેરિયન્ટ ઓમિક્રોન?

બંને વેરિયન્ટના કેસ સૌથી પ્રથમ ક્યાંથી મળ્યા?
ડેલ્ટા વેરિયન્ટ સૌપ્રથમ ઓક્ટોબર 2020માં ભારતમાં સામે આવ્યો હતો, પરંતુ તેણે ભારતમાં કહેર થોડા મહિનાઓ પછી એપ્રિલ 2021માં મચાવ્યો, જેનાથી દેશમાં કોરોનાની બીજી લહેર આવી. ડેલ્ટા માત્ર ભારતમાં નહીં, પણ અમેરિકા, બ્રિટન સહિત દુનિયાના 163 દેશ સુધી ફેલાઈ ચૂક્યો છે. યેલ મેડિસિનના રિપોર્ટ અનુસાર, ડેલ્ટા વેરિયન્ટ અત્યારે કોરોનાનો સૌથી પ્રબળ વેરિયન્ટ છે, જે વર્તમાનમાં દુનિયાભરના કુલ કોરોના કેસોમાંથી 99 ટકા માટે જવાબદાર છે.

ઓમિક્રોનનો પ્રથમ કેસ 24 નવેમ્બર, 2021ને સાઉથ આફ્રિકામાં મળ્યો. WHOના અનુસાર, ઓમિક્રોનના જાણીતા સંક્રમણનું સેમ્પલ 9 નવેમ્બર 2021ના લેવામાં આવ્યું હતું. પ્રથમ કેસ મળ્યાના માત્ર એક સપ્તાહની અંદર જ ઓમિક્રોન બોત્સવાના, હોંગકોંગ, ઈઝરાયેલ, બ્રિટન, જર્મની, નેધરલેન્ડ સહિત દુનિયાના 19 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશો ભારત, અમેરિકા અને ચીનમાં ઓમિક્રોનનો કોઈ કેસ મળ્યો નથી.

શેમાં કેટલું મ્યૂટેશન?
પ્રારંભિક રિપોર્ટ્સ અનુસાર, ઓમિક્રોન દુનિયામાં કહેર વરસાવી ચૂકેલા ડેલ્ટા વેરિયન્ટથી ખૂબ ઝડપથી મ્યૂટેશન કરનારો વેરિયન્ટ છે.

ઓમિક્રોનમાં કુલ 50 મ્યૂટેશન થઈ ચૂક્યાં છે, જેમાંથી 30 મ્યૂટેશન તો એના સ્પાઈક પ્રોટીનમાં થયા છે. સ્પાઈક પ્રોટીન દ્વારા જ કોરોના વાઇરસ માનવ શરીરમાં પ્રવેશના માર્ગ ખોલે છે. એની તુલનામાં ડેલ્ટાના પ્રોટીનમાં 18 મ્યૂટેશન થયાં હતાં.

ઓમિક્રોનના રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેનમાં પણ 10 મ્યૂટેશન થઈ ચૂક્યા છે, જ્યારે ડેલ્ટા વેરિયન્ટમાં માત્ર 2 જ મ્યૂટેશન થયાં હતાં. રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન વાઇરસનો એ હિસ્સો છે, જે માનવ શરીરના સેલના સૌપ્રથમ સંપર્કમાં આવે છે.

કોના પર કેટલી અસરકારક છે વેક્સિન?
લેન્સેટના હાલના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે એપ્રિલ-મે 2021માં ભારતમાં કોવિડની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ પર કોવિશીલ્ડ વેક્સિન ઘણી અસરકારક રહી હતી. આ રિસર્ચ અનુસાર, સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકો પર વેક્સિનની એફિકસી 63 ટકા રહી, જ્યારે ડેલ્ટાથી થનારી મધ્યમથી ગંભીર બીમારી વિરુદ્ધ વેક્સિનની એફિકસી 81 ટકા રહી.

ત્યારે ઓમિક્રોન પર હાલની વેક્સિનોની અસરવિહીનતાનું કોઈ રિસર્ચ ઉપલબ્ધ નથી, પરંતુ આ વેરિયન્ટના સ્પાઈક પ્રોટીનમાં 30 ટકાથી વધુ મ્યૂટેશનને કારણે તેના પર હાલની વેક્સિનો ખૂબ ઓછી અસરકારક રહેવાની કે એકદમ જ અસરવિહીન રહેવાની આશંકા છે. મોટા ભાગની વેક્સિન સ્પાઈક પ્રોટીનની વિરુદ્ધ જ એન્ટિબોડીઝ તૈયાર કરે છે, પરંતુ ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં ઝડપી મ્યૂટેશનની ક્ષમતાથી હાલની વેક્સિન તેની વિરુદ્ધ અસરવિહીન થઈ શકે છે, પરંતુ ઓમિક્રોન પર હાલની વેક્સિનની એફિકસી અંગે રિસર્ચ જારી છે અને આ નવા વેરિયન્ટ પર વેક્સિન કેટલી કારગત નીવડશે, એના વિશે થોડા દિવસોમાં જ ખ્યાલ આવી જશે.

કોણ કેટલું ખતરનાક?
કોઈ વાઇરસ કેટલો ખતરનાક છે, એની ભાળ મેળવવાની એક રીત એ છે કે એ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાઇરસની આ ક્ષમતાને R વેલ્યુ કહેવામાં આવે છે. કોરોનાના પ્રારંભિક સ્ટ્રેનની R વેલ્યુ 2-3 હતી, જ્યારે ડેલ્ટા વેરિએન્ટની R વેલ્યુ 6-7 હતી. એનો અર્થ એ છે કે ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત એક વ્યક્તિ આ વાઇરસને 6-7 વ્યક્તિમાં ફેલાઈ શકે છે.

જ્યારે ઓમિક્રોનની R વેલ્યુ ડેલ્ટાથી લગભગ છ ગણી વધુ માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત એકલો દર્દી જ આ વાઇરસને 35-45 લોકોમાં ફેલાઈ શક્યો છે. અત્યારસુધી ઓમિક્રોન 19 દેશમાં ફેલાઈ ચૂક્યો છે, પરંતુ ડેલ્ટાથી વધુ સંક્રામક ક્ષમતાને કારણે એને ખૂબ વધુ ખતરનાક માનવામાં આવે છે.

કોનામાં મોતનું કેટલું જોખમ?
ઓક્ટોબર 2021માં આવેલા કેનેડાના એક સ્ટડીના અનુસાર, અગાઉના તમામ વેરિયન્ટની તુલનામાં ડેલ્ટા વેરિયન્ટથી હોસ્પિટલાઈઝેશનનું જોખમ 108 ટકા, આઈસીયુમાં જવાનું જોખમ 235 ટકા અને મોતનું જોખમ 133 ટકા વધી ગયું.

અત્યારે ઓમિક્રોનથી કોઈના મોતનો કેસ સામે આવ્યો નથી, પરંતુ ઓમિક્રોનની સંક્રામક ક્ષમતા દુનિયાભરમાં લાખો લોકોનાં મોતનું કારણ બનેલા ડેલ્ટાથી ઘણું વધુ છે. આ જ કારણ છે કે વિશેષજ્ઞ એ વાત પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ઓમિક્રોન જો ફેલાય તો માત્ર ગંભીર રીતે બીમારોનો જ નહીં પણ મોતનો આંકડો પણ ડેલ્ટાથી વધુ હોઈ શકે છે.

બંનેનાં લક્ષણોમાં શું છે અંતર?
થોડા એક્સપર્ટ્સ માને છે કે ઓમિક્રોનનાં લક્ષણ ડેલ્ટાથી કંઈક અલગ હોઈ શકે છે, જેમ કે ઓમિક્રોનમાં સ્વાદ કે ગંધ દૂર થતાં નથી, જ્યારે ડેલ્ટામાં એવું હોય છે. જોકે નિશ્ચિત રીતે એમ કહેવું અત્યારે ઉતાવળભર્યું કહેવાશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે હાલ એ વાતનો કોઈ પુરાવો નથી કે ઓમિક્રોનનાં લક્ષણો કોરોનાના અગાઉના વેરિયન્ટથી અલગ છે અર્થાત્ સ્વાદ અને ગંધ જવા જેવાં લક્ષણો છોડીને ડેલ્ટા અને ઓમિક્રોનનાં મુખ્ય લક્ષણો, જેમ કે ગળામાં બળતરા, તાવ, થાક અને માથું દુઃખવું વગેરે એક જેવાં જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post