• Home
  • News
  • સાબરમતી જેલમાં હવે ‘ઓપરેશન ક્લીનઅપ’, બે દિવસમાં 7 મોબાઈલ અને ચાર્જર મળ્યા
post

આખી સાબરમતી જેલમાં રોજ જેલના અધિકારીઓ અને જડતી સ્ક્વોડનું ચેકિંગ શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-29 10:47:11

અમદાવાદ: વર્ષ 2013માં આતંકવાદીઓએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરંગ ખોદી નાખી હતી અને છેક બહાર સુધી સુરંગ નીકળી હતી. સુરંગકાંડ બાદ સાબરમતી જેલમાં સુરક્ષા વધારવામાં આવી હોવાની અને તમામ કેદીઓ પર નજર રાખવામાં આવતી હતી. પરંતુ સુરક્ષા વ્યવસ્થાની વાત માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોબાઇલ મળવાની ઘટનાઓ વધી છે. ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામીના ખંડણીના નેટવર્કના પર્દાફાશ કર્યા બાદ જેલતંત્ર પોતે સજાગ હોવાનું બતાવવા "ઓપરેશન ક્લીનઅપ" શરૂ કર્યું છે. જેને લઈ છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમ્યાન નવી અને જૂની જેલમાંથી 7 મોબાઈલ અમે ચાર્જર મળી આવ્યા છે.


જેલમાં પ્રતિબંધિત વસ્તુઓને લાવતી અટકાવવા અને તેવી વસ્તુઓમેં શોધી કાઢવા માટે હવે સાબરમતી જેલના તંત્રએ "ઓપરેશન ક્લીનઅપ" શરૂ કર્યું છે. જેને લઈ હવે દરરોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાં નવી અને જુની એમ જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરવામા આવ્યા છે. સોમવારે કરવામાં આવેલા સર્ચ દરમ્યાન નવી જેલમાં બેરેક નંબર 1/4માં સંડાસ-બાથરૂમ વચ્ચેની દિવાલ વચ્ચે ખાડો ખોદીને રાખવામાં આવેલો એક મોબાઈલ, મંદિરની ઉપર વેન્ટિલેશન પાસેથી અને બેરેક નંબર 10/2 પાસે ગટરમાં ખાડો ખોદીને રાખવામાં આવેલો ફોન અને એસેમ્બલ ચાર્જર મળી આવ્યા હતા. જયારે આજે (મંગળવારે) નવી જેલમાં શાંતિનિકેતન યાર્ડમાં બેરેકમાં ટોયલેટની બારી અને બેરેક નંબર 6 ખુલ્લા ભાગમાંથી ફોન મળી આવ્યો હતો. નવી જેલમાં યાર્ડ નંબર 1માં બેરેક નંબર 1માં તપાસ કરતાં પાણીની બોટલના નીચેના ભાગથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો જ્યારે વિરભગતસિંહ યાર્ડમાંથી કેદી ચેતન રાવળ પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મામલે રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અનેક વખત ફોન પકડાયા છે અમદાવાદ એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ મામલે તપાસ કરતી હોય છે પરંતુ દરેક જગ્યાએ પોલીસ કર્મચારીઓની સંડોવણી અને અધિકારીઓના સેટીંગના કારણે જેલમાં ફોન કાઈ રીતે પહોંચ્યા તેનું બહાર નથી આવતું. મીડિયા પણ જ્યારે જેલના વડા હોય કે અધિકારીઓને જેલમાં ફોન કઈ રીતે આવે છે તેવું પૂછે ત્યારે ગોળ ગોળ જવાબ આપી દે છે અને સત્ય છુપાવે છે. જેલમાં આજથી નહિ પરંતુ છેલ્લા કેટલાય સમયથી અનેક લોકોના જીવ લેનાર ખુંખાર આતંકવાદીઓ , માથાભારે ગુનેગારો તેમજ ખંડણીખોરો સહિતના ગુનેગારો બંધ છે. આવા ગુનેગારોને જેલમાં મોબાઈલ પોહચાડવા માટે એકમાત્ર જેલના પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનું જણાય છે. જેલમાં જતાં અને આવતા લોકોની તપાસ કરવામાં આવે છે છતાં ફોન મળે છે જેથી પોલીસની સંડોવણી વગર શક્ય નથી. જો હવે રાજ્યનું ગૃહ વિભાગ કે જેલ તંત્ર બાબતે આવું ઓપરેશન ક્લીનપ કરી જેલને ક્લીન રાખશે તો કદાચ કેટલાય લોકોના જીવને જોખમ નહિ રહે.

adv

Related News

post
post
post
post
post
post
post