• Home
  • News
  • ચોખા-દાળના કોથળાથી સજાવાયો પંડાલ, શસ્ત્રના બદલે રાહત સામગ્રી આપી અને મેલી સાડી પહેરાવી
post

20 વર્ષથી દેવી પ્રતિમા બનાવી રહેલા પલ્લવ ભૌમિક કહે છે - ટીવી પર પ્રવાસી મજૂરોને જોઈને આઈડિયા આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 10:34:51

કોરોનાકાળમાં સૌથી વધુ તકલીફ પ્રવાસી મજૂરોને ઉઠાવવી પડી. તેમની પીડા અને બરબાદીની વાતો સમાચારોમાં છવાયેલી રહી. હવે એ જ મજૂરોની વાતોને મૂર્તિમાં કંડારવાનું કામ કર્યુ છે પશ્ચિમ બંગાળના કલાકાર પલ્લવ ભૌમિકે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર તેમની સર્જનાત્મકતાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં રહેનારા પલ્લવ છેલ્લા 20 વર્ષથી તસવીરો અને મૂર્તિઓ બનાવવાનું કામ કરી રહ્યા છે.

કોલકાતામાં બારિશા ક્લબની એક પૂજા માટે તેમણે ફાઈબર ગ્લાસથી પ્રતિમા બનાવી છે. જેમાં પોતાના બાળકો સાથે ઘરે પરત જતી પ્રવાસી મહિલા મજૂરને જ દેવીનું સ્વરૂપ આપી દીધું છે. તેમની આ કલાને જોવા માટે પ્રથમ દિવસથી જ ભારે ભીડ ઉમટી રહી છે.

આ પ્રતિમા બનાવતી વખતે ખુદ પલ્લવે પણ વિચાર્યું નહોતું કે આ લોકોને આટલી ગમશે. તેઓ કહે છે, ‘લોકડાઉન શરૂ થયા પછી જ આપણે ઘરની ચાર દિવાલોમાં કેદ હતા. જ્યારે પણ ટીવી ઓન કરો ત્યારે ભૂખ્યા-તરસ્યા મજૂર નજરે પડતા હતા. આથી અમે આ વખતનું થીમ આ પ્રવાસી મજૂરોને જ બનાવવાનો નિર્ણય કર્યો. ખાસ કરીને મેં મહિલાઓ અને બાળકોની તકલીફો પર ફોકસ કર્યું.

પલ્લવ મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. તેમણે ગવર્નમેન્ટ આર્ટ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. ચિત્ર અને પ્રતિમાઓ તેઓ બાળપણથી જ બનાવી રહ્યા છે. દિલ્હી અને કોલકાતામાં તેમના ચિત્રોના પ્રદર્શનો પણ યોજાઈ ચૂક્યા છે.

તેઓ કહે છે કે મને આ પ્રતિમા બનાવવામાં બે મહિના લાગ્યા. પોતાના ઘરમાં બનેલા સ્ટુડિયોમાં દિવસ-રાત કામ કરીને તેને બનાવી. તેનો વિચાર સૌથી પહેલા અમારા કન્સેપ્ટ ડિઝાઈનર રિંટુ દાસના મનમાં આવ્યો. દિવંગત કલાકાર વિકાસ ભટ્ટાચાર્યએ દુર્ગા સિરિઝ પર અનેક તસવીરો બનાવી હતી. તેનાથી ઘણી પ્રેરણા મળી.

પલ્લવ કહે છે, ‘દેવી દુર્ગા માત્ર તસવીરો કે મૂર્તિઓમાં જ નથી. તે દરેક સ્ત્રીમાં હોય છે. હું મારી આ કૃતિ દ્વારા એ જ નારી શક્તિનું સન્માન કરી રહ્યો છું. એક મહિલા બેહદ મુશ્કેલ સ્થિતિઓમાં પણ કઈ રીતે પોતાના સંતાનની રક્ષા કરે છે, મેં આ જ જીવંતતા અને સમર્પણને પ્રતિમા દ્વારા સૌની સામે લાવવાનો પ્રયાસ કર્યો છે.

તેઓ કહે છે, ‘જ્યારે મેં કામ શરૂ કર્યુ તો કોઈ રીતે તેને સમયસર પુરું કરવું એ મોટો પડકાર હતો. કોરોનાનાં સમયમાં વાહનો ન ચાલવાથી અને દુકાનો બંધ હોવાથી જરૂરી કાચો માલ મેળવવો પણ મુશ્કેલ હતું. એ સમયે મેં વિચાર્યુ પણ નહોતું કે આ પ્રતિમા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જશે. બોલિવૂડના અનેક કલાકારોએ આના પર ટ્વીટ કર્યા છે. આ દેવીની કૃપા છે. લોકોની પ્રશંસાથી લાગે છે કે મારી મહેનત સફળ રહી છે.

તેઓ કહે છે કે કેટલાક લોકોએ આ મૂર્તિનો આઈડિયા સ્વ. ચિત્રકાર વિકાસ ભટ્ટાચાર્યમાંથી લીધાની વાત કરી છે. હું તેમના પેઈન્ટિંગ જોઈને મોટો થયો છું. એક કલાકાર ક્યાંકને ક્યાકથી પ્રેરણા તો લે જ છે. પરંતુ, પ્રવાસી મહિલા અને બાળકોના ચહેરાનો આઈડિયા મારો પોતાનો હતો.

કોરોનાના કારણે થોડા મહિના અગાઉ સુધી નક્કી નહોતું કે આ વર્ષે પૂજા થશે કે નહીં. આખરે જ્યારે સરકારે તેની મંજૂરી આપી તો બે મહિના જ બચ્યા હતા. અગાઉથી નક્કી હોત તો તેને કદાચ વધુ સારી રીતે બનાવી શક્યો હોત.

પલ્લવ અગાઉથી બારિશા ક્લબ માટે કામ કરતા રહ્યા છએ, પરંતુ આ વર્ષે પ્રથમવાર ક્લબ માટે 11 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છએ. એ પણ માટીના બદલે ફાઈબર ગ્લાસથી. થીમ અનુસાર, પંડાલની સજાવટમાં ચોખા, દાળ, બટાકા અને અન્ય ખાવાપીવાની વસ્તુઓથી ભરેલા કોથળાનો ઉપયોગ કરાયો છે. પ્રતિમાના હાથોમાં શસ્ત્રોના બદલે રાહત સામગ્રી છે. આ જ ભૂખથી લડનારી દેવીના હથિયાર છે.

પ્રતિમાના શરીર પર કોઈ ઘરેણા પણ નથી. પ્રવાસી મજૂરોની અસલી તસવીર કંડારવા માટે કોઈ રંગીન સાડીનો ઉપયોગ કરાયો નથી. સાડી પણ ચહેરાની જેમ મેલી છે. એક એવી સામાન્ય ગામની મહિલાને પ્રતિમાના સ્વરૂપમાં કંડારવામાં આવી છે, જે પોતાના બાળકોની રક્ષા કરવાનો શક્ય પ્રયાસ કરે છે.

પલ્લવ કહે છે કે ફાઈબર ગ્લાસથી પ્રતિમા બનાવવી મોંઘુ પડે છે. પરંતુ, આ વર્ષે બજેટમાં કાપને ધ્યાનમાં રાખીને મેં તેને એ રીતે બનાવી છે કે ખર્ચ પણ ઓછો આવે અને તેને લાંબા સમય સુધી સંરક્ષિત કરી શકાય. તે આગળ પણ આપણને કોરોના અને તેના કારણે સર્જાયેલી મોટી માનવીય સમસ્યા એટલે કે પ્રવાસી મજૂરોના શહેરોથી ગામો તરફ પલાયનની યાદ અપાવતી રહેશે. આ જ આ મજૂરોના દુઃખ-દર્દ પ્રત્યે મારી સાચી શ્રદ્ધાંજલિ હશે.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા 10-12 વર્ષોથી થીમ-આધારિત દુર્ગાપૂજા પ્રચલિત વધુ થઈ છે. પંડાલોની સજાવટ દ્વારા દેશવિદેશમાં આખા વર્ષમાં બનેલી ઘટનાઓને કંડારવામાં આવે છે. અગાઉ પણ સિંગુર અને નંદીગ્રામમાં જમીન સંપાદન વિરોધી આંદોલનને થીમ આપવામાં આવ્યું હતું. ગત વર્ષે બાલાકોટ એરસ્ટ્રાઈકના થીમ પર બનેલી પૂજાએ પણ દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી.

આ વર્ષે પૂજા સમિતિઓએ બજેટમાં 75% સુધી કાપ મૂક્યો
કોઈ પંડાલમાં દક્ષિણના મંદિર ઉતરે છે તો ક્યાંક ચીન, અમેરિકા કે વિયેતનામ, કોલકાતામાં અનેક એવી પૂજા સમિતિઓ છે, જેમનું બજેટ કરોડોમાં હોય છે. પરંતુ, આ વર્ષે કોરોના અને મંદીના કારણે એવી તમામ સમિતિઓએ પોતાના બજેટમાં 50થી 75 ટકા સુધીનો કાપ મૂક્યો છે. જે બારિશા ક્લબનું બજેટ ગત વર્ષે 40 લાખ હતું, આ વર્ષે 10 લાખ જ છે.

વીજળીની રોશનીની સજાવટ દ્વારા આખા વર્ષ દરમિયાન દેશવિદેશમાં બનેલી ઘટનાઓને સાકાર કરવાના મામલે હુગલી જિલ્લાના ચંદન નગરના કલાકાર દુનિયામાં મશહૂર છે. ચંદન નગરમાં પાંચ હજારથી વધુ આવા વીજળી કારીગર છે, જે દુનિયાની કોઈપણ ઘટના અને જગ્યાને વીજળીની સજાવટ દ્વારા જીવંત કરી દે છે. હુગલીના તટ પર વસેલું ચંદન નગર કે જે ક્યારે ફ્રેન્ચ કોલોની હતું. હવે લાઈટીંગ ડેકોરેશનનું ઉદાહરણ બની ગયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post