• Home
  • News
  • લાકડા વીણવા આવેલી 12 વર્ષીય તરુણીને દિપડો ગળેથી પકડી 150 મીટર દૂર ખેંચી ગયો, હાથ ફાડી ખાતા મોત
post

પરોઢિયે જંગલમાં મહિલાઓ સાથે લાકડાં વીણવા જતાં બનેલી ઘટના

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 11:11:34

ધાનપુર: ધાનપુર તાલુકાના કાંટુ ગામના જંગલમાં પરોઢિયે જંગલમાં ખજુરિયા ગામની મહિલાઓ સાથે લાકડા વીણવા માટે ગયેલી એક 12 વર્ષિય તરૂણી ઉપર તરાપ મારીને દીપડો તેને ગળેથી પકડીને ઝાડીઓમાં 150 મીટર દૂર ખેંચી ગયો હતો. ગળામાં દાંત ખુંપાવી દેવા સાથે એક હાથ ફાડી ખાતા કિશોરીનું મોત થઇ જતાં અરેરાટી સાથે ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. ગરબાડા તાલુકાના ખજુરિયા ગામની મહિલાઓ બુધવારની પરોઢે 6 વાગ્યે બીલીયા અને ખજુરિયા ગામના સીમાડે આવેલા કાંટુ ગામના ગીચ ઝાડી અને ખીણ વાળા જંગલમાં લાકડી વીણવા માટે ગઇ હતી.


ગભરાઇ ગયેલી મહિલાઓએ બૂમાબૂમ કરતાં લોકો દોડી ગયા હતાં

મહિલાઓ સાથે ગામની 12 વર્ષિય રંગીતા ખુમસિંહ પલાસ પણ ગઇ હતી. ઝાડીમાં સંતાયેલા દીપડાએ લાકડા વીણતી રંગીતા ઉપર તરાપ મારી હતી. સાથેની મહિલાઓ કંઇ સમજે તે પહેલા તે રંગીતાને ગળેથી પકડીને ગીચ ઝાડીઓમાં ધસડી ગયો હતો. ગભરાઇ ગયેલી મહિલાઓએ બૂમાબૂમ કરતાં થોડે દુર રહેતાં લોકો પણ દોડી ગયા હતાં. દીપડાની દિશામાં જઇને દેકારા પકડારા કરાયા હતાં. જોકે, ઝાડીમાં 150 મીટર અંદર સુધી ખેંચી ગયો હોવાથી ભારે શોધખોળ બાદ રંગીતા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

ડાબા હાથ ઉપર પણ કરડ્યુ હોવાથી રંગીતાનું મોત થઇ ગયું હતું

મહિલાઓ ઉંચકીને તેને ડુંગર ઉપર લઇ ગઇ હતી. અન્ય ગામ લોકો પણ દોડી આવતાં રંગીતાને જેસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જોકે, ગળાના ભાગે દીપડાએ દાંત ખુપાવવા સાથે તેના ડાબા હાથ ઉપર પણ કરડ્યુ હોવાથી રંગીતાનું મોત થઇ ગયું હતું. ઘટનાની જાણ થતાં વાસાયાડુંગરીના આર.એફ..એમ કે પરમાર તથા ગરબાડાના આર. એફ. એમ એલ. બારીયા અને જેસાવાડા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. દીપડાના હુમલામાં તરૂણીનું મોત થતાં જંગલ વિસ્તાર નજીકમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઘટના મામલે વન વિભાગ દ્વારા સરકારની જોગવાઇ અનુસાર રંગીતાબેનના પિતાને નાણાકીય સહાય ચુકવવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

30 કર્મીની ટીમનું જાગૃતિ અભિયાન શરૂ
દીપડો અન્ય કોઇ વ્યક્તિને નુકસાન ના કરે તે હેતુથી નાયબ વન સંરક્ષક બારીયાની સુચના અન્વયે હાલમાં ઘટના સ્થળથી નજીકમાં આવેલા ગામોમાં વન વિભાગની 30 કર્મચારીની ટીમ દ્વારા જંગલ ભાગમાં જવા તથા વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવે તો બચવા માટે શું તકેદારી રાખવી તે બાબતે જન જાગૃતિનું અભિયાન શરૂ કર્યું હતું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post