• Home
  • News
  • પતંજલિની કોરોના દવા લોન્ચ, પાંચ કલાક પછી પ્રચાર પર રોક: બાબા રામદેવનો દાવો કે, ‘સાત દિવસમાં જ દર્દી સાજા થાય છે’
post

કેન્દ્રએ કહ્યું - અમારી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જાહેરાત કે પબ્લિસિટી ન કરવામાં આવે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 11:37:49

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવે કોરોનાની દવા બનાવી લીધી હોવાનો મંગળવારે દાવો કર્યો. કોરોનિલ અને શ્વાસારિ નામની દવા લૉન્ચ કરતા તેમણે દાવો કર્યો કે આ દવાથી કોરોનાના દર્દી 7 દિવસમાં 100% સાજા થઇ જશે. રામદેવે ક્લિનિકલ ટ્રાયલ સફળ રહ્યાનો દાવો કર્યો. જોકે, દવાના લૉન્ચિંગના 5.30 કલાક બાદ જ કેન્દ્ર સરકારે તેના પ્રચાર-પ્રસાર પર તાત્કાલિક અસરથી રોક લગાવતાં કહ્યું કે દવાની વૈજ્ઞાનિક તપાસ નથી થઇ. આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદ પાસેથી દવાના લાઇસન્સ સહિતની સંપૂર્ણ વિગતો માગી છે. મંત્રાલયે દવાના નામ, તેમાં વપરાયેલી સામગ્રી, દવા પર થયેલા રિસર્ચના સ્થળ, હોસ્પિટલો, પ્રોટોકોલ, સેમ્પલ સાઇઝ, ઇન્સ્ટિટ્યૂશનલ એથિક્સ કમિટી ક્લિયરન્સ, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રેશન અને ટ્રાયલ રિઝલ્ટનો ડેટા માગ્યો છે. તે મળે નહીં ત્યાં સુધી પતંજલિ આ દવાનો કોરોનાની દવા તરીકે પ્રચાર નહીં કરી શકે. 

દવા પર રોકનાં બે મુખ્ય કારણ
લીગલ: રિસર્ચ માટે સરકારના માપદંડ નક્કી, તેમનું પાલન જરૂરી

·         કેન્દ્રએ પતંજલિ આયુર્વેદને જાણ કરી છે કે આયુર્વેદિક સહિત બધી દવાઓનો પ્રચાર ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ, 1954 અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના નિયમો-નિર્દેશો અનુસાર નિયમિત થાય છે. 

·         આયુષ મંત્રાલયે 21 એપ્રિલે જારી જાહેરનામાં આયુષ હસ્તક્ષેપ/ઔષધીઓ સાથે કોરોના અંગે થનારા રિસર્ચની જરૂરિયાતો અને પદ્ધતિઓ વિશે જણાવ્યું હતું. આ જાહેરનામું કંપનીઓને સરકારી મંજૂરી વિના સારવારનો દાવો કરતા રોકે છે. 

ડૉક્ટરે કહ્યું- નુસખાના ચક્કરમાં સમય, દર્દીની હાલત બગડશે
રામદેવના દાવા સાથે ડૉક્ટરો સહમત નથી. ફરીદાબાદની ફોર્ટિસ હોસ્પિ.ના પલ્મોનોલોજીના હેડ ડૉ. રવિશંકર ઝાએ કહ્યું કે કોઇ દવા 5-7 દિવસમાં શરીરમાંથી વાઇરસ અસર સંપૂર્ણપણે મટાડી દે તે અશક્ય છે. લોકો ડૉક્ટર પાસે જવાના બદલે જાતે જ એવી દવાઓ લેવા માંડશે કે જેની ક્લિનિકલ ટ્રાયલના કોઇ પુરાવા નથી. દેશી નુસખાના ચક્કરમાં મહત્ત્વનો સમય ખરાબ થવાથી દર્દીની હાલત બગડી શકે છે.

280 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું
રામદેવે દાવો કર્યો છે કે આ ડ્રગના ક્લિનિકલ કેસ સ્ટડીમાં 280 દર્દીઓનો સમાવેશ કર્યો છે. 100 જેટલા લોકો પર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ્સ થયા હતા જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ થયા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ તહી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે.

ત્રણેય દવાના એકસાથે ઉપયોગથી કોરોના મટે છે
રામદેવે લોન્ચ કરેલી કોરોના કીટમાં કોરોનિલ ઉપરાંત ઇન્હેલર તેલ અને અણુ તેલ પણ સામેલ છે. રામદેવ કહે છે કે ત્રણેયનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને દૂર કરી શકાય છે અને રોગને અટકાવી શકાય છે. રામદેવે કહ્યું કે શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી આપવાથી ફાયદો થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે.

દેશમાં કોરોના ચેપનો આંકડો વધીને 4.40 લાખને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 13,548 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 10,879 દર્દીઓ રિકવર થયા અને 312 લોકો મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં મહત્તમ 3721 નવા કેસ આવ્યા હતા અને અહીં 113 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 2909 દર્દીઓમાં વધારો થયો છે, જ્યારે સૌથી વધુ 3589 દર્દીઓ સાજા થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post