• Home
  • News
  • વડોદરા નજીક સુમનદીપની હોસ્ટેલના 7મા માળેથી કૂદી ફિઝિયોની છાત્રાનો આપઘાત, કોલેજમાં આવ્યાના 5મા દિવસે જ અંતિમ પગલું
post

ફિઝિયોથેરાપીની વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ અકબંધ, વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 12:04:44

વાઘોડિયા પીપળિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠમાં ફિઝિયોથેરાપીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો છે. તે 4 જાન્યુઆરીએ જ કોલેજમાં આવી હતી. આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

વિદ્યાર્થિનીએ સાતમા માળેથી પડતુ મૂકતા સ્ટાફ દોડી આવ્યો
સુમનદિપ વિદ્યાપીઠની વામા ગર્લ્સ હોસ્ટેલના 7મા માળે આવેલા રૂમ નં. 324માં રહેતી શ્રુતિ નિલેશભાઈ નાયક (ઉ.વ.21) (મુ.સાંખી, તાલુકો, પલસાણા, સુરત) ફિઝિયોથેરાપીના છેલ્લા (ચોથા) વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા ખેડૂત છે. શ્રુતિ કોલેજ શરૂ થતાં 4 જાન્યુઆરીના રોજ સુમનદિપ વિદ્યાપીઠ આવી હતી. જ્યારે શુક્રવારે સવારે યુવતીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પાછળની ગેલેરીમાંથી ભૂસકો મારી આપઘાત કરી લીધો હતો. ગર્લ્સ હોસ્ટેલના ચીફ વોર્ડન તેમજ સિક્યુરિટી ગાર્ડને કાંઈ પડવાનો અવાજ આવતાં તેઓ બિલ્ડિંગના પાછળના ભાગે દોડી આવ્યા હતાં. જ્યાં વિદ્યાર્થિનીને નીચે પડેલી જોઈ તેમજ તેના માથાના ભાગે ગંભીર ઈજા હોવા ઉપરાંત તે બેભાન જોતાં તેને ધીરજ જનરલ હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી. જ્યાં વિદ્યાર્થીનીનું સારવાર બાદ મોત થયું હતું.

વિદ્યાર્થિનીના આપઘાતને પગલે પરિવારજનો સુરતથી દોડી આવ્યા
દરમિયાન આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ સ્ટાફ સાથે સુમનદીપ વિદ્યાપીઠમાં દોડી ગયા હતા અને લાશનો કબજો લઇ લાશને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. બીજી બાજુ ચીફ વોર્ડન દ્વારા શ્રૃતિ નાયકના આપઘાતની જાણ પરિવારને કરતાં તેઓના પરિવારજનો વિદ્યાપીઠ ખાતે દોડી આવ્યા હતા. વિદ્યાપીઠમાં આવ્યા બાદ શ્રૃતિએ આપઘાત કરતાં મોત નીપજ્યું હોવાના સમાચાર મળતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.

વિદ્યાર્થિની વામા હોસ્ટેલના 7માં ફ્લોરના રૂમ નંબર-324માં રહેતી હતી
સુમન વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલ કેમ્પસમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શાખી ગામની રહેવાસી શ્રૃતિબહેન નિલેશભાઇ નાયક વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં ફિઝિયોથેરાપીના ફાઇનલ ઇયર (ચોથા વર્ષમાં) અભ્યાસ કરતી હતી. શ્રૃતિ નાયક વિદ્યાપીઠમાં આવેલી 7 હોસ્ટેલ પૈકી વામા હોસ્ટેલના 7માં ફ્લોરના રૂમ નંબર-324માં રહેતી હતી અને વિદ્યાર્થિનીના પિતા ખેતી કરે છે.

સવારે 9 વાગ્યે રૂમ બંધ કર્યાં બાદ રૂમની બારીમાંથી હોસ્ટેલની પાછળ કૂદી ગઈ
વધુમાં જણાવ્યું હતું કે, ફિઝિયોથેરાપીની સ્ટુડન્ટ શ્રૃતિ નાયકે સવારે 9 વાગ્યાના સુમારે પોતાનો રૂમ બંધ કર્યા બાદ, રૂમની બારીમાંથી હોસ્ટેલની પાછળ ભૂસકો માર્યો હતો. શ્રૃતિએ મોતનો ભુસકો મારતાજ ચિફ વોર્ડન અને સિક્યુરીટી દોડી આવી હતી. અને તેઓને સારવાર માટે ચિફ વોર્ડનની કારમાં ધીરજ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર ઉપરાંત વોર્ડનની પૂછતાછ
વાઘોડિયા પોલીસે યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે યુવતીના પરિવાર સહિત ચીફ વોર્ડનને પૂછતાં જાણકારી મળી નહતી. તેમજ કોઈ સુસાઈડ નોટ મળી નથી. તેણે શા માટે આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post