• Home
  • News
  • સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ:ગાંધી આશ્રમ પાસે કાર્ગો મોટર્સથી કલેક્ટર ઓફિસ સુધીનો રોડ થશે બંધ, વાહનચાલકોએ ફરીને રાણીપ બસપોર્ટ પાસેથી જવું પડશે
post

આગામી મહિને નવા રોડને ખુલ્લો મુકતા વાહનચાલકોએ રાણીપ ST બસ સ્ટેન્ડ અને આરટીઓ સર્કલ થઈ સુભાષ બ્રિજ તરફ જવું પડશે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 19:12:52

દેશ-દુનિયામાં ઓળખ ધરાવતાં એવા ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમને 1200 કરોડથી વધુના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. જે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીઆશ્રમ વિસ્તારના 200 મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. વૈકલ્પિક માર્ગ તરીકે ગાંધી આશ્રમ નજીક આવેલા કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ રોડ બનાવવામાં આવ્યો છે. આગામી મહિને નવા રોડને ખુલ્લો મુકતા વાહનચાલકોએ રાણીપ ST બસ સ્ટેન્ડ અને આરટીઓ સર્કલ થઈ સુભાષ બ્રિજ તરફ જવું પડશે.

રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. જેથી ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. જેના માટે કોર્પોરેશન દ્વારા આસપાસમાં રહેતા લોકો અને હોટેલ રેસ્ટોરન્ટના વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા. જે તમામ પર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંદાજિત 1 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો
આ રોડ બંધ થતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ અંદાજિત 1 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. રોડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના રોડને બંધ કરવાની કમિશનરને સત્તા આપવાની દરખાસ્તને મંજૂરી મળતાની સાથે જ આગામી મહિને અથવા તેના પહેલા આ રોડ બંધ કરી દેવામાં આવશે અને વૈકલ્પિક માર્ગ શરૂ કરી દેવાશે.

સાંજના સમયે ભયંકર ટ્રાફિકજામ થાય તેવી પરિસ્થિતિની શક્યતા
પાલડી, વાસણા, સરખેજ, નવરંગપુરા, એલિસબ્રિજ, વાડજ તેમજ પૂર્વના કેટલાક વિસ્તારોમાંથી કલેક્ટર કચેરીએ બસમાં આવનારા લોકોને હવે 50 મીટર જેટલું ચાલીને આવવું પડશે. હાલમાં એમટીએસ બસ સ્ટેન્ડ કલેક્ટર કચેરીની બહાર જ છે, પરંતુ હવે રોડ બંધ થશે જેથી આરટીઓ સર્કલ અથવા સુભાષ બ્રિજના છેડે આવેલા બસ સ્ટેન્ડ પર લોકોને ઉતરી અને ચાલીને આવવું પડશે. વૈકલ્પિક માર્ગ તરીકે રાણીપ એસટી બસ સ્ટેન્ડ પાસે રોડ ખોલવામાં આવ્યો છે. રોજના એક લાખ જેટલા વાહનો ત્યાંથી પસાર થશે. જોકે આ રોડ ઉપર સવારે અને સાંજના સમયે બંને ભયંકર ટ્રાફિકજામ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે. એક તરફ એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર આવતી બસો અને ત્રણ બાજુથી રોડ પરથી વાહનો આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થશે.






adv

Related News

post
post
post
post
post
post
post