• Home
  • News
  • નેક કામને સલામ:​​​​​​​જૂનાગઢમાં પોલીસની શારીરિક કસોટી આપવા આવનારા ઉમેદવારો માટે મુસ્લિમ એકતા મંચે કરી સ્વખર્ચે રહેવાની વ્યવસ્થા કરી
post

ઉમેદવારોને સૂવાની તથા સવારે નાહવા માટે ગરમ પાણી સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-06 11:42:52

હાલમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે. 3 ડિસેમ્બરથી શરૂ થયેલી આ પરીક્ષા બે મહિના સુધી ચાલવાની છે. આ માટે રાજ્યભરમાં 15 સ્થળોએ મેદાન પર કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાનો સમય સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે, આ માટે ઉમેદવારોએ રાત્રે જ જે-તે શહેરમાં પહોંચવું પડતું હોય છે. જોકે અહીં તેમના માટે રોકાણની કોઈ વ્યવસ્થા ન હોય તો તેમને ઘણી મુશ્કેલી પડી શકે છે. એવામાં ઘણા સેવાભાવી લોકો ઉમેદવારોની મદદ માટે આગળ આવી રહ્યા છે. જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચે પણ સેવાકાર્ય શરૂ કર્યું છે. જેમાં ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરી અપાઈ છે.

ઉમેદવારો માટે 3 ફ્લેટ ભાડે રખાયા
જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા ભરતીની પરીક્ષા માટે બહારગામથી આવતા ઉમેદવારો વિશે રોકાણની તૈયારી કરાઈ છે. ઉમેદવારોને સૂવાની તથા સવારે નાહવા અને ગરમ પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે. જેથી ઉમેદવારો રાત્રે આરામ કરી શકે અને સવારે કોઈપણ તકલીફ કે ચિંતા વિના પરીક્ષામાં ધ્યાન આપી શકે. ઉમેદવારો માટે કરાયેલી આ વ્યવસ્થાથી અન્ય લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. મુસ્લિમ એકતા મંચે સ્વખર્ચે 3 ફ્લેટ જૂનાગઢમાં બે મહિના માટે ભાડે રાખ્યા છે. આ ઉપરાંત જો ઉમેદવારોની સંખ્યા વધે તો હોલ અને વાડીમાં પણ તેમના રહેવાની વ્યવસ્થાની તૈયારી રાખેલી છે.

ત્રણ ભાગમાં રહેવાની વ્યવસ્થા
આ વિશે વાત કરતાં ઈમ્તિયાઝભાઈ પઠાણે જણાવ્યું હતું કે અમે જૂનાગઢમાં પોલીસ ભરતી માટે આવતા ઉમેદવારોને રહેવાની વ્યવસ્થા કરી આપે છે. આ માટે અમે રોકાણની વ્યવસ્થા ફ્લેટ, હોલ અને વાડી એમ ત્રણ ભાગમાં કરવાનું પ્લાનિંગ કર્યું છે. આ વ્યવસ્થા પોલીસની શારીરિક કસોટી ચાલે ત્યાં સુધી ચાલુ રહેશે. જેમાં ઉમેદવારોને રાત્રે સૂવાની તથા ગરમ પાણીથી નાહવાની વ્યવસ્થા કરી છે. હાલમાં અમે 100 લોકોને ધ્યાનમાં રાખીને તૈયારી કરી છે, પરંતુ જો વધારે ફોન આવે, તો 500 લોકો થાય ત્યાં સુધી રહેવાની સમસ્યા નથી.

ઉમેદવારોને ઘર જેવું વાતાવરણ આપવાનો પ્રયાસ
ઈમ્તિયાઝ ભાઈ પઠાણ પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા જતા ઉમેદવારો માટે કહે છે, 'મારી એવી ઈચ્છા છે કે બાળક તણાવ મૂક્ત થઈને પરીક્ષા આપવા જાય. એને ઘર જેવું વાતાવરણ મળે અને રાતની મુસાફરીનો થાક ઉતરી જાય. તેની પાસે કોઈ કારણ ન રહે કે, રાત્રે સૂવાની વ્યવસ્થા નહોતી અને થાકના કારણે અમે ના કરી શક્યા.' તેઓ કહે છે, 'લોકો કહેશે ત્યાં સુધી અમે વ્યવસ્થા કરીશું, નહીં કહે ત્યારે નહીં રાખીએ. પણ ઉમેદવાર પહેલા કહેશે તો વધારે સારું રહેશે, કારણ કે અમે તમામ વસ્તુ રેન્ટ પર લાવીશું. અમે સ્પેરમાં પણ પાથરણ સહિતની વ્યવસ્થા રાખીશું, જેથી અરજન્ટમાં તૈયારી થઈ શકે.

adv

Related News

post
post
post
post
post
post
post